રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ બની રહી છે, જેને કારણે દુનિયામાં ભૂખમરો ફેલાઈ જાય તેવો ભય પેદા થયો છે. યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા વતી લડનારા ભાડૂતી વેગનર સૈન્યે બળવો કર્યો તે પછી રશિયા બેકફૂટ પર મૂકાઈ ગયું હતું. હવે વેગનર સૈન્યના વડા પ્રિગોઝિનને સખત સજા કરવામાં આવી અને પુટિને પોતાનું સ્થાન મજબૂત બનાવી લીધું તે પછી રશિયા દ્વારા વળતો ફટકો મારવામાં આવ્યો છે. કાળા સમુદ્રના અનાજ કરાર થકી રશિયા અને યુક્રેનનું અનાજ યુરોપ અને આફ્રિકાના અનેક દેશોમાં પહોંચતું હતું.
તેને કારણે યુક્રેનનું અર્થતંત્ર પણ ચાલતું હતું. રશિયા દ્વારા તા. ૧૭ જુલાઈના આ કરાર જ રદ કરી દેવામાં આવ્યા છે. તેનું વેર વાળવા માટે યુક્રેને રશિયા અને ક્રીમિયાને જોડતા કેર્ચ બ્રિજ પર મિઝાઇલ વડે હુમલો કર્યો છે. રશિયાની મિઝાઈલ ડિફેન્સ સિસ્ટમે તે હુમલો નાકામ બનાવ્યો છે, પણ તેમાં બે નિર્દોષ નાગરિકોનાં મોત થયાં છે. ગયા વર્ષના ઓક્ટોબરમાં પણ યુક્રેને ટ્રક બોમ્બ વડે કેર્ચ બ્રિજ પર હુમલો કર્યો હતો. મંગળવારના હુમલામાં ફેર્ચ બ્રિજને મામૂલી નુકસાન થયું છે, પણ તેના મજબૂત પાયાને નુકસાન થયું નથી.
દુનિયામાં અનાજનો પુરવઠો પહોંચાડવાની બાબતમાં કાળા સમુદ્રના અનાજ કરારની ભૂમિકા બહુ મહત્ત્વની છે, કારણ કે દુનિયામાં અનાજની કુલ જેટલી નિકાસ થાય છે, તેના ત્રીજા ભાગની નિકાસ રશિયા અને યુક્રેન મળીને કરતા હતા. દુનિયાનો ૧૯ ટકા જવનો, ૧૪ ટકા ઘઉંનો અને ૪ ટકા મકાઈનો પુરવઠો રશિયા અને યુક્રેન મળીને પૂરો પાડે છે. દુનિયામાં સૂર્યમુખીના તેલનું કુલ જેટલું ઉત્પાદન થાય છે, તેનું બાવન ટકા ઉત્પાદન રશિયા અને યુક્રેનમાં થાય છે. રશિયા જગતમાં ખાતરની જેટલી નિકાસ થાય છે તેની ૧૫.૫ ટકા નિકાસ રશિયા કરે છે. જો યુક્રેન રશિયાના બંદરનો અનાજની નિકાસ માટે ઉપયોગ ન કરી શકે તો તેનું અનાજ સડી જાય તેમ છે. કાળા સમુદ્રનો અનાજ કરાર ફોક કરવાને કારણે રશિયાના બંદરેથી અનાજની નિકાસ ખોરવાઈ જાય તેમ છે.
ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પછી માર્ચ મહિનામાં વિશ્વના અનાજના ભાવોમાં એક જ મહિનામાં ૧૨.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ત્યાર બાદ મે મહિનામાં યુક્રેનનું ૪૫ લાખ ટન અનાજ બંદરો પર અટવાઈ ગયું હતું, કારણ કે રશિયાના નૌકાદળ દ્વારા યુક્રેનના બંદરો પર નાકાબંધી કરવામાં આવી હતી. આ નાકાબંધીને કારણે કોઈ વેપારી જહાજ યુક્રેનનાં બંદરો પરથી અનાજ ભરવા તૈયાર નહોતા, કારણ કે જો રશિયાના બોમ્બ તે જહાજ પર પડે તો તેનો નાશ થવાનો ડર હતો.
વધુમાં કોઈ વીમા કંપની તેનો વીમો ઊતારવા તૈયાર નહોતી. તેવી જ રીતે રશિયા દ્વારા દુનિયામાં જે અનાજ અને ખાતરની નિકાસ કરવામાં આવી હતી તે પણ ખોરવાઈ ગઈ હતી, કારણ કે દુનિયાના ઘણા દેશોમાં રશિયન જહાજોને લાંગરવા દેવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. વળી રશિયાને સ્વિફ્ટ સિસ્ટમમાંથી બહાર કરી દેવામાં આવ્યું હોવાથી રશિયાને ચૂકવણી કરવામાં પણ મુસીબત ઊભી થઈ હતી. જે દેશો રશિયાના ખાતરનો ઉપયોગ કરીને પોતાનું અનાજ પકાવતા હતા તેમાં પણ ખાતરની અછતને કારણે અનાજનું ઉત્પાદન ઘટી ગયું હતું. કાળા સમુદ્રના કરારને પરિણામે ૨૦૨૨ના ઓગસ્ટ પછી યુક્રેન પોતાનું મોટા ભાગનું અનાજ નિકાસ કરવામાં સફળ થયું હતું.
૨૦૨૨ના ઓગસ્ટ અને ૨૦૨૩ના જૂન વચ્ચે યુક્રેને ૫.૦૬ કરોડ ટન અનાજની નિકાસ કરી હતી, જેની કિંમત ૯૮૦ કરોડ ડોલર જેટલી હતી. જે અનાજની નિકાસ થઈ તેના ૮૦ ટકા નિકાસ બંદરો દ્વારા થઈ હતી, જ્યારે બાકીની ૨૦ ટકા જેટલી નિકાસ રેલવે અને રોડ માર્ગે થઈ હતી. યુક્રેન દ્વારા જેટલા અનાજની નિકાસ કરવામાં આવી તેના ૫૫ ટકા જેટલી નિકાસ કાળા સમુદ્રના અનાજ કરારના માધ્યમથી કરવામાં આવી હતી. હવે રશિયા દ્વારા તે કરાર ફોક કરી દેવામાં આવ્યો હોવાથી જગતમાં અનાજની તંગી પેદા થવાનો ડર વધી ગયો છે. જો અનાજની નિકાસ અટકી જશે તો તેને કારણે યુક્રેનને મહિને ૫૦ કરોડ ડોલરની ખોટ જશે.
યુરોપના દેશો દ્વારા ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે જો યુક્રેનના અનાજની નિકાસ અટકી જશે તો આફ્રિકા તેમ જ લેટિન અમેરિકાના દેશોમાં અનાજની તંગી અને ભૂખમરો પેદા થશે, કારણ કે તેઓ યુક્રેનના અનાજ પર ભારે પ્રમાણમાં અવલંબિત છે. જો કે રશિયાની દલીલ એવી છે કે યુક્રેનનું ૩થી ૫ ટકા અનાજ જ દક્ષિણ ગોળાર્ધના દેશો સુધી પહોંચે છે. બાકીનું અનાજ હકીકતમાં યુરોપના દેશો તરફ વાળી દેવામાં આવે છે. યુરોપના દેશો તેનો ઉપયોગ પ્રાણીઓને ખવડાવવા માટે કરે છે. જો યુક્રેનની નિકાસ બંધ થઈ જશે તો યુરોપમાં માંસની અછત પણ પેદા થઈ શકે છે.
વિશ્વ બેન્કના પ્રમુખ ડેવિડ માલપાસ કહે છે કે યુક્રેનના યુદ્ધને કારણે જગતનાં કરોડો લોકો ભૂખમરા તરફ ધકેલાઈ જાય તેવો ભય પેદા થયો છે. તેમના અંદાજ પ્રમાણે યુક્રેનનું યુદ્ધ જો લાંબું ચાલે તો દુનિયામાં અનાજના ભાવોમાં ૩૭ ટકા જેટલો વધારો થશે, જેને કારણે કરોડો લોકો ગરીબી રેખાની નીચે ધકેલાઈ જશે. તેમની પાસે બે ટંકનો રોટલો ખરીદવા જેટલા રૂપિયા પણ નહીં હોય. હકીકતમાં જગતમાં અનાજની તંગી નથી પણ નાણાંની તંગી છે. અનાજનું ઉત્પાદન વધારવાને નામે કિસાનોને કેમિકલ ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ, સંકર બિયારણ, વીજળી અને ટ્રેક્ટરના ભરોસે જીવતા કરી દેવામાં આવ્યા છે.
તેને કારણે અનાજનું ઉત્પાદન વધ્યું છે તેમ તેના ભાવો પણ વધ્યા છે. તેને કારણે દેશમાં અનાજના ભંડારો ભરેલા હોવા છતાં ગરીબો અનાજ ખરીદી શકતા નથી. તે અનાજને વધારાનું ગણીને તેની નિકાસ કરી દેવામાં આવે છે. આ પરિસ્થિતિ ભારતમાં પણ પેદા થઈ છે. ભારતનાં ૪૦ કરોડ ગરીબોને બે ટંકનો રોટલો મળતો નથી તો પણ ભારત સરકાર દ્વારા ગયા નાણાંકીય વર્ષમાં એક કરોડ મેટ્રિક ટન ઘઉંની નિકાસ કરવાની છૂટ આપવામાં આવી હતી. તે પૈકી ૪૫ લાખ મેટ્રિક ટન ઘઉંની નિકાસ થઈ ગયા પછી તે છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે.
દુનિયામાં અનાજની ગંભીર અછત પેદા થઈ છે તેમાં દુનિયાના દેશોની દેવું કરીને અર્થતંત્ર ચલાવવાની પદ્ધતિ પણ જવાબદાર છે. દાખલા તરીકે શ્રીલંકામાં અનાજની ગંભીર અછત પેદા થઈ છે, કારણ કે તેણે કેમિકલ ફર્ટિલાઈઝરની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેને કારણે અનાજનું ઉત્પાદન ઘટી ગયું હતું. અનાજની તંગી દૂર કરવા ભારત વગેરે દેશોમાંથી આયાત કરવામાં આવતી હતી. હવે શ્રીલંકા પાસે હૂંડિયામણના ભંડારો ખૂટી જતાં તેને આયાત પર નિયંત્રણો મૂકવાની ફરજ પડી છે, જેને કારણે અનાજના અને ખાદ્ય પદાર્થોના ભાવો આસમાને પહોંચી ગયા છે. જે શ્રીલંકા પાસે અનાજની આયાત કરવાના રૂપિયા નથી તેણે ખનિજ તેલની આયાત ચાલુ જ રાખી છે.
ખનિજ તેલનો ઉપયોગ પેટ્રોલ અને ડિઝલ બનાવવા માટે થાય છે, જેનો ઉપયોગ વાહનો માટે કરવામાં આવે છે. જો સરકાર ખનિજ તેલની આયાત બંધ કરે તો અનાજની આયાત કરી શકે તેમ છે, પણ સરકાર માટે પ્રાથમિકતા અનાજ નથી. શ્રીમંત અને મધ્યમ વર્ગનાં વાહનો માટેનું બળતણ તેના માટે વધુ મહત્ત્વનું છે. ગરીબો પાસે અનાજ ખરીદવાના રૂપિયા ન હોવાથી સરકાર તેમની ચિંતા કરતી નથી. જેવી હાલત શ્રીલંકાની છે, તેવી કટોકટી દુનિયાના ૩૯ દેશોમાં પેદા થઈ છે. જો તે દેશોની સરકારો પણ અનાજના ભોગે ખનિજ તેલની આયાત કરશે તો તેની પ્રજાને પણ ભૂખે મરવાનો વારો આવશે.