પનૌતી…દેશના પાંચ રાજ્યોની ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે જ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં મોદીની હાજરી અને ભારતની હારને જોડીને કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પનૌતી તરીકે ઓળખાવવામાં આવતાં મોટો રાજકીય વિવાદ ઊભો થવા પામ્યો છે. રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં એક જાહેરસભામાં મોદી માટે પરોક્ષ રીતે પનૌતી શબ્દનો ઉપયોગ કર્યા બાદ આ શબ્દએ ભારતીય રાજકારણમાં ભારે વમળો ઊભા કર્યા છે. રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રયોજ્વામાં આવેલા આ શબ્દને કારણે ચૂંટણીપંચ દ્વારા તેમને નોટીસ પણ આપવામાં આવી છે પરંતુ કોંગ્રેસ અટકવા માંગતી નથી અને હવે તેણે પનૌતી શબ્દનો ઉપયોગ કરીને વડાપ્રધાન મોદી પર અનેક કાર્ટૂન બનાવવાની સાથે પોસ્ટરો બહાર પાડવા માંડ્યા છે. બીજી તરફ ભાજપે પણ જડબાતોડ જવાબ આપવા માટેની તૈયારીઓ આરંભી છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા આ મુદ્દો ભારે ચગશે.
ભારતીય રાજકારણમાં ધીરેધીરે આક્ષેપોનું સ્તર ઉતરી રહ્યું છે. વડાપ્રધાન મોદી દ્વારા ભૂતકાળમાં કોંગ્રેસના નેતાઓ માટે અણછાજતા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો જ છે. કોંગ્રેસ દ્વારા તે સમયે તેનો એવો જવાબ આપવામાં આવ્યો નહોતો. મોદી દ્વારા સોનીયા ગાંધી માટે જર્સી ગાય, મનમોહનસિંહ માટે રેઈનકોટ પહેરીને ન્હાતા નેતા, શશી થરૂર માટે 50 કરોડની ગર્લફ્રેન્ડ અને રાહુલ ગાંધી માટે પપ્પુ જેવા શબ્દોનો પ્રયોગ કરાઈ જ ચૂક્યો છે. તેની સામે કોંગ્રેસના સોનીયા ગાંધી દ્વારા મોદી માટે મોતના સૌદાગર, રાહુલ ગાંધી દ્વારા ચોકીદાર ચોર છે, મણિશંકર ઐયર દ્વારા મોદીને ચાયવાલા સહિતના આક્ષેપો કરવામાં આવ્યા જ છે. અણછાજતા શબ્દોના પ્રયોગ દ્વારા આક્ષેપો કરવામાં ભાજપ અને કોંગ્રેસ, બંનેના નેતા પાછળ નથી પરંતુ હવે ધીરેધીરે તેમાં વિવાદ વકરી રહ્યો છે.
રાહુલ ગાંધીએ મોદી માટે પનૌતી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા તે જ શબ્દનો ઉપયોગ કરીને પનૌતી તમે ક્યારે જશો? જેવા પોસ્ટરો બહાર પાડવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં ચંદ્રયાનની નિષ્ફળતા, કોરોના તેમજ ફાઈનલમાં ભારતની હારને મોદીને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. કોંગ્રેસે મોદીને પનૌતી-એ-આઝમ પણ કહ્યા છે. કોંગ્રેસે પનૌતી શબ્દનો ઉપયોગ તો કરી લીધો પરંતુ ભાજપ પણ હવે પનૌતી શબ્દનો ઉપયોગ કરીને કોંગ્રેસને જવાબ આપવા માટે તૈયારી કરી રહ્યું છે.
પનૌતી શબ્દ દ્વારા કોંગ્રેસે વડાપ્રધાન મોદીનું અપમાન કર્યું હોવાના મુદ્દાને આગળ ધરીને આગળની રાજકીય રણનીતિ ઘડી રહ્યું છે. ભાજપના આગેવાનો દ્વારા પનૌતી શબ્દનો ઉપયોગ કરનાર કોંગ્રેસ સામે પગલાઓ લેવા માટે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. ભાજપે પનૌતી શબ્દના ઉપયોગ બદલ રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગણી પણ કરી છે.
રાજકારણમાં મુદ્દા પર લડાઈ થાય તે ઈચ્છનીય છે પરંતુ જે રીતે રાજકારણીઓ દ્વારા હરીફ પક્ષના આગેવાનો માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે તે કોઈપણ રીતે યોગ્ય નથી. તેમાં પણ વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી જેવા ટોચના રાજકારણીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા શબ્દોમાં મર્યાદા હોવી જરૂરી છે. રાજકારણ દેશના લોકોના લાભ માટે ખેલાવવું જોઈએ પરંતુ તેના બદલે એકબીજા પર અંગત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જે લોકશાહી માટે ભારે દ્યોતક છે. રાજકારણીઓએ વ્યક્તિગત આક્ષેપો કરવાથી દૂર રહેવું જોઈએ. જો વ્યક્તિગત આક્ષેપો થશે તો તેનાથી દેશની લોકશાહીને નુકસાન જ થશે.
જોકે, આજના રાજકારણમાં રાજકારણીઓ પાસેથી આવી સમજની અપેક્ષા રાખવી ખોટી છે. કોંગ્રેસે નરેન્દ્ર મોદી માટે પનૌતી શબ્દનો ઉપયોગ કરીને રાજકારણમાં આગ તો લગાડી જ દીધી છે. રાજસ્થાન સહિતના રાજ્યોમાં ચૂંટણીના છેલ્લા તબક્કામાં ભાજપે તેનો લાભ લેવા માટે પ્રયાસ પણ કર્યો છે પરંતુ હવે લોકસભાની ચૂંટણી પાંચેક માસમાં જ આવવાની છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપ આ આગનો લાભ લઈ શકે છે કે કેમ? તે સમય જ કહેશે. આગામી દિવસોમાં રાજકીય ઘમાસાણ તેજ બનવાની સંભાવના છે. ભાજપ હવે પાંચ રાજ્યોની ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણી માટેની લડાઈ તેજ કરશે તે ચોક્કસ છે.