Columns

ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ્સ દ્વારા થતી અબજો રૂપિયાની છેતરપિંડી બંધ થશે?

આપણી સરકારની નીતિ કાયમ ઘોડા નાસી જાય તે પછી તબેલાને તાળાં મારવાની રહી છે. દેશના કરોડો લોકો ઓનલાઇન ગેમિંગમાં ખુવાર થઈ ગયા તે પછી સરકારને અક્કલ આવી છે અને ઓનલાઈન ગેમિંગને નિયંત્રિત કરવા માટેનું મહત્ત્વપૂર્ણ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. તેનો ઉદ્દેશ ઓનલાઈન મની ગેમ્સ અને પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો અને ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપવાનો છે. એક અંદાજ મુજબ, દર વર્ષે લગભગ ૪૫ કરોડ લોકો આ ઓનલાઈન મની ગેમ્સમાં ફસાઈને ૨૦ હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન કરે છે. આ ગેમ્સનું વ્યસન માત્ર પૈસાનું નુકસાન જ નહીં પણ સામાજિક સંકટ પણ બની ગયું છે. આ વ્યસનને કારણે સેંકડો પરિવારો આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે. ઘણા લોકો આત્મહત્યા જેવાં ગંભીર પગલાં પણ લે છે.

સરકાર આવી બધી રમતો પર પ્રતિબંધ લાદવા માંગે છે જે લોકોને પૈસા કમાવવાના સપનાં બતાવીને લૂંટે છે. આમાંની ઘણી રમતો રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો છે. તેમની આડમાં નાણાંકીય છેતરપિંડી, મની લોન્ડરિંગ, આતંકવાદી ભંડોળ જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. સરકાર તેમના પર કડક કાર્યવાહી કરવા માંગે છે. ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ અને રાજ્યોના કાયદાઓમાં જુગાર અને સટ્ટાબાજી જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. હવે સરકાર મોડે મોડે જાગીને તેમના ઓનલાઈન સ્વરૂપ પર પણ પ્રતિબંધ મૂકવા જઈ રહી છે.

ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશનના ચીફ એક્ઝિક્યુટિવ રોલેન્ડ લેન્ડર્સના જણાવ્યા અનુસાર આ ક્ષેત્ર હવે ૨,૦૦૦ અબજ રૂપિયા સુધી વધી ગયું છે. નાણાંકીય વર્ષ ૨૦૨૫ માં આ ક્ષેત્રે ૩૧ હજાર કરોડ રૂપિયાની આવક મેળવી હતી અને ૨૦ હજાર કરોડ રૂપિયાના પ્રત્યક્ષ અને પરોક્ષ કર ચૂકવવામાં આવ્યા હતા. ગયાં નાણાંકીય વર્ષ સુધી ભારતમાં ૫૦ કરોડથી વધુ લોકો ઓનલાઈન ગેમિંગ સેવાઓનો ઉપયોગ કરતા હતા. તેમનું કહેવું છે કે જો આ બિલ કાયદો બનશે તો ૪૦૦ થી વધુ કંપનીઓ બંધ થઈ શકે છે અને બે લાખથી વધુ નોકરીઓ ગુમાવી શકે છે.

આ બિલ દ્વારા પહેલીવાર ઈ-સ્પોર્ટ્સને કાનૂની માન્યતા આપવામાં આવી રહી છે. દેશમાં ઓનલાઈન સ્પોર્ટ્સ ગેમ્સ માટે કાનૂની આધાર નથી. રમતગમત મંત્રાલય ઈ-સ્પોર્ટ્સ માટેની માર્ગદર્શિકા નક્કી કરશે.  એક સમય હતો જ્યારે લોકો પોતાના ફ્રી ટાઇમમાં મનોરંજન માટે ગેમ રમતા હતા, પરંતુ આજના સમયમાં ગેમિંગનો અર્થ ઘણો બદલાઈ ગયો છે. હવે એવો સમય છે જ્યારે ગેમિંગનો હેતુ માત્ર મનોરંજન જ નહીં પણ પૈસા કમાવવાનો પણ છે, જેના કારણે વર્તમાન સમયમાં ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ એપ્સનો ફુગાવો થઈ રહ્યો છે. ગેમિંગ એપ્સમાં ચાલી રહેલા સટ્ટાને કારણે, કેટલાક લોકો પૈસા કમાઈ રહ્યા છે, પરંતુ તેના કારણે કરોડો લોકો પૈસા ગુમાવી રહ્યા છે.

સરકારે ગેમિંગ ઉદ્યોગને બે પ્રકારની રમતોમાં વર્ગીકૃત કર્યો છે. પહેલી રમતો એવી છે જેમાં રમવા માટે વાસ્તવિક પૈસાનું રોકાણ કરવું પડે છે. આમાં, તમને પુરસ્કાર એટલે કે રોકડ સ્વરૂપમાં ઈનામની રકમ મળે છે અને તે સીધી બેંક ખાતામાં જમા થાય છે. Dream11, Rummy Circle, MPL, My11Circle, MyTeam11 અને Winzo જેવી ઘણી ગેમિંગ એપ્સ આ શ્રેણીમાં આવે છે. આમાં જીત કે હાર તમારા કૌશલ્ય પર આધારિત નથી, પરંતુ ગેમિંગ કંપની દ્વારા બનાવેલી પેટર્ન પર આધારિત છે. આ રમતોમાં રમતગમતના નામે સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવામાં આવે છે. સરકાર આ શ્રેણીમાં આવતી ગેમિંગ એપ્સ પર પ્રતિબંધ મૂકી રહી છે.

બીજી તરફ, બીજી શ્રેણી કૌશલ્ય આધારિત રમતોની છે, જેમાં જીતવું કે હારવું એ તમારી ક્ષમતા એટલે કે કૌશલ્ય પર આધાર રાખે છે. આ રમતો રમવા માટે તમારે પૈસા ચૂકવવા પડશે, પરંતુ પૈસા ચૂકવવાની કોઈ જવાબદારી નથી. તમે તેમને સંપૂર્ણપણે મફતમાં પણ રમી શકો છો. આવી રમતોમાં, તમે બંદૂકો અપગ્રેડ કરી શકો છો, સ્કિન ખરીદી શકો છો અથવા પૈસા ચૂકવીને ખાસ કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો.

આ રમતો જીતવા પર, તમને સિક્કા અથવા પોઇન્ટ્સમાં પુરસ્કાર મળે છે અને પૈસાનો કોઈ વ્યવહાર થતો નથી. કોલ ઓફ ડ્યુટી મોબાઇલ, BGMI, ફ્રીફાયર અને લુડો કિંગ જેવી રમતો આ શ્રેણીમાં આવે છે. જોકે, સરકાર સત્તાવાર રીતે આ પ્રકારની પૈસા આધારીત રમતો પર પ્રતિબંધ મૂકવાની છે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી. ક્રિકેટ, ફૂટબોલ અને અન્ય તમામ રમતો અને અન્ય માધ્યમો પર સટ્ટાબાજી કરતી ગેંગે ડમી ખાતાંઓનો ઉપયોગ કર્યો છે. એક ઓનલાઈન સટ્ટાબાજી એજન્સીની તપાસમાં ખુલાસો થયો છે કે ૧૫ થી ૧૬ કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે.

દેશભરમાં આવી ૧૦૦ એજન્સીઓ સટ્ટાબાજી ચલાવી રહી છે. આ ગેંગે ડમી ખાતાં માટે લોકોને છેતર્યા અને તેમના બેંક ખાતાઓમાંથી કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા છે. પોલીસને શંકા છે કે સટ્ટાબાજી કરતી ગેંગે લોકોને લલચાવીને નવાં ખાતાં ખોલાવ્યાં અને તેનો ઉપયોગ કર્યો છે.પોલીસને ૧૮૩ અલગ અલગ બેંક ખાતાંઓના ચેક મળ્યા છે. પોલીસનો અંદાજ છે કે દેશભરમાં ડમી ખાતાંઓ દ્વારા એક હજાર કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો કરવામાં આવ્યા છે. આ ગેંગ દેશભરમાં સટ્ટાબાજીના પ્લેટફોર્મ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી રહી છે.

જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરતા નથી તે કહેવત સાચી પડી છે. છેલ્લા દાયકામાં ભારતે UPI, સેમિકન્ડક્ટરથી 5G ટેકનોલોજીમાં ઝડપથી વિકાસ કર્યો છે. આપણા દેશમાં આવેલી ડિજિટલ ક્રાંતિ જોઈને દુનિયા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. ભારતે ડિજિટલ દુનિયામાં ઝડપી પ્રગતિ કરી છે. પરંતુ આ ગતિ વચ્ચે ઓનલાઈન ગેમિંગની અંધારાવાળી દુનિયામાં જોખમો પણ અનેક ગણાં વધી ગયાં છે. આગામી સમયમાં, ફેન્ટસી લીગ, પત્તાંની રમતો, ઓનલાઈન લોટરી, પોકર, રમી અને સટ્ટાબાજી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે. આને લગતા નાણાંકીય વ્યવહારો અને જાહેરાતો પણ હવે ગુનાની શ્રેણીમાં આવશે. આ બિલ ભારતને વૈશ્વિક ગેમિંગ અને ટેક નિકાસ માટે એક નવું કેન્દ્ર બનાવવા તરફ આગળ વધશે.

પ્રસ્તાવિત કાયદામાં એક વૈધાનિક નિયમનકારી ઓથોરિટીની સ્થાપના કરવાની પણ માંગણી કરવામાં આવી છે. આ ઓથોરિટી પાસે કોઈ રમત ઓનલાઈન મની ગેમ તરીકે લાયક છે કે નહીં તે નક્કી કરવાની સત્તા હશે. બધા પ્લેટફોર્મ્સે નોંધણી કરાવવી પડશે અને ઓથોરિટી દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરવું પડશે. કાયદાનું ઉલ્લંઘન કરીને ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પૂરી પાડતી કોઈપણ વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા ૧ કરોડ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. આવી સેવાઓની જાહેરાત કરનારાઓને બે વર્ષ સુધીની જેલ અને/અથવા ૫૦ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. રિયલ મની ગેમ્સ માટે વ્યવહારોની સુવિધા આપતી બેંકો અને નાણાંકીય સંસ્થાઓ પણ ત્રણ વર્ષ સુધીની જેલ અથવા ૧ કરોડ રૂપિયા સુધીના દંડ માટે જવાબદાર રહેશે. વારંવાર ગુનેગારો માટે કડક સજાની જોગવાઈ છે. જો કે, આ બિલ ઓનલાઈન મની ગેમ રમનારાઓને ગુનેગાર માનતું નથી, પરંતુ તેમને ભોગ બનેલા પીડિત માને છે.

ઈ-સ્પોર્ટ્સ પ્લેયર્સ વેલ્ફેર એસોસિએશન (EPWA) એ ઓનલાઈન ગેમિંગ બિલ ૨૦૨૫ નું સ્વાગત કર્યું છે, પરંતુ બિલમાં પૈસા સંબંધિત રમતો પર લાદવામાં આવેલા સંપૂર્ણ પ્રતિબંધ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એસોસિએશનનું કહેવું છે કે સરકારે કૌશલ્ય આધારિત અને સટ્ટાબાજીની રમતો વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. બિલનું વર્તમાન સ્વરૂપ કૌશલ્યની રમતો અને તકની રમતો વચ્ચે ભેદ પાડતું નથી. એસોસિએશને વડા પ્રધાનને લખેલા પત્રમાં વિનંતી કરી છે કે નવા ઓનલાઈન ગેમિંગ બિલમાં પ્રસ્તાવિત સંપૂર્ણ પ્રતિબંધ ભારતના ગેમિંગ સમુદાય અને કૌશલ્ય-આધારિત ગેમિંગના ભવિષ્ય માટે ગંભીર ચિંતાઓ ઉભી કરી શકે છે.

ભારતમાં લાખો ગેમર્સ છે જેમની પૂર્ણ-સમયની આવકનો સ્રોત ગેમિંગ છે. આ ભિન્નતાના અભાવે લાખો ભારતીયોની આજીવિકા જોખમમાં મૂકી છે, જેઓ પડકારજનક ઇ-સ્પોર્ટ્સ, કોચિંગ, સ્ટ્રીમિંગ, સ્પોન્સરશિપ, સામગ્રી બનાવટ અને ડિજિટલ ઇવેન્ટ્સનું આયોજન કરીને કમાણી કરે છે. પત્રમાં ભારતની ડોટા ૨ ટીમના કેપ્ટન મોઈન એઝાઝ અને ૨૦૧૮ એશિયન ગેમ્સમાં ઈ-સ્પોર્ટ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર તીર્થ મહેતા જેવા ખેલાડીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top