Comments

‘માય અમેરિકા, ગ્રેટ અમેરિકા – માગા’નો સંઘ કાશીએ જશે ખરો?

અમેરિકામાં પણ હવે અત્યંત જમણેરી ઝોક ધરાવતી વિચારસરણીવાળા અમેરિકન નાગરિકોની સંખ્યા વધવા માંડી છે. કંઈક અંશે તાજેતરમાં સંપન્ન થયેલા પ્રમુખપદની ચૂંટણી દરમિયાન ટ્રમ્પ અને તેના સાથીઓ દ્વારા કરવામાં આવેલા બેફામ વાણીવિલાસ પણ આના માટે જવાબદાર છે. અમેરિકામાં ગમે તે રીતે ઘૂસી આવતાં લોકો કૂતરાં-બિલાડાં મારી ખાય છે અને અમેરિકનોની નોકરીઓ છિનવી લે છે. એમના કામ-ધંધા પર તરાપ મારે છે એવી વાહિયાત વાત બીજું કોઈ તો ઠીક, પણ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં કરી એ અંતિમવાદી વિચારસરણીના ચરમસીમારૂપ ઉચ્ચારણો હતાં એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નથી. આવી જ અંતિમવાદી જમણેરી વિચારસરણી ધરાવતી એક અમેરિકન મહિલા લોરા લુમર જે ડોનાલ્ડ ટ્રમ્પની અગ્રણી ટેકેદાર પણ છે તે એક કેમ્પેન દરમિયાન પોતાનાં આ પ્રકારનાં વિધાનો માટે મિડિયા અને લોકોના રોષનો ભોગ બની હતી. ભારતીય નાગરિકો જે સ્થળાંતર કરીને અમેરિકામાં વસે છે તેમને નિશાના પર લઈ તણાવ વધે તે પ્રકારનાં વિધાનો કરવા માટે આ બહેન સખત ટીકાઓનો ભોગ બની હતી.

એચ-૧-બી વિઝાને લગતા નિયમોમાં ફેરફાર કરવા માટે અમેરિકામાં જે ચર્ચાઓ શરૂ થઈ છે, તેના અનુસંધાને લોરા લુમરે ભાંગરો વાટ્યો હતો. તાજેતરમાં જ ભારતીય અમેરિકન ઉદ્યોગ સાહસિક શ્રીરામ કૃષ્ણનની સિનિયર પૉલીસી એડવાઇઝર તરીકે ટ્રમ્પ વહીવટી તંત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિભાગમાં થયેલી નિમણૂકના અનુસંધાને લોરાએ આ બફાટ કર્યો હોવાનું કહેવાય છે. અમેરિકામાં ‘મેક અમેરિકા, ગ્રેટ અગેઇન’(માગા) નામનું એક ગ્રુપ ચાલે છે, જેઓ ત્યાંના જમણેરી કટ્ટ૨વાદીઓ છે. ‘એન્ટી ઇમીગ્રેશન હાર્ડલાઇનર્સ’ગણાતા આ લોકોને અમેરિકામાં સ્થળાંતર કરી સ્થાયી થતાં લોકો સામે, ખાસ કરીને ભારતીયો સામે વિશેષ સૂગ છે. જો કે આ સૂગ ઊભી કરવાનું કામ, પોતે મૂળ અમેરિકનોનો રક્ષક છે અને કાયદેસર અથવા ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસી આવતાં લોકો અમેરિકનોની પ્રગતિ અને તકોની ચૂસી ખાય છે, તેવી ઘૃણા ફેલાવતા ટ્રમ્પે કર્યું છે.

લોરા લૂમરે એચ-૧-બી વિઝા ઉપરની ચર્ચામાં ‘X’દ્વારા ટ્રમ્પના મુખ્ય ફાઇનાન્સિયર એલન મસ્ક ઉપર સીધો જ આક્ષેપ ઝીંક્યો કે મસ્ક જમણેરી અંતિમવાદી ચળવળ, ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન (માગા)’નો સાચો સભ્ય જ નથી! લોરાએ આક્ષેપ કર્યો કે, ‘મસ્કે એની ટ્વિટર (X) પરનો બ્લૂ વેરીફિકેશન ચેક (બ્લૂ ટીક) કાઢી નાખી હતી. પોતે આ માટે જરૂરી પૈસા ભર્યા હતા છતાં પણ આ રીતે પોતાના વેરીફાઇડ એકાઉન્ટને દૂર કરીને મસ્કે ઉદ્ધતાઈભર્યું પગલું ભર્યું હતું. પોતાની બ્લૂ ટીક કાઢી નાખનાર મસ્ક ડાબેરીઓ, જે હિંસાને ટેકો આપવાનો માર્ગ અપનાવે છે તેમની બ્લૂ ટીક ચાલુ રાખે છે.

આમ, સીધો મસ્કને જ ઝાટકી પાડ્યો. પોતાની જાતને ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિસ્ટ અને લુમરેડની સ્થાપક ગણાવતી લોરા ‘અમેરિકા ફર્સ્ટ’સૂત્ર થકી પોતાની અંતિમવાદી ઓળખ છતી કરે છે. અમેરિકાનાં પ૦ રાજ્યોમાં ઇસ્લામિક જેહાદીઓ પહોંચી ગયાં છે એવું કહેતી લોરા સ્વાભાવિક રીતે જ ટ્રમ્પની સમર્થક અને બાઇડેનની પ્રખર વિરોધી છે.  લોરા કહે છે કે, ‘ડાબેરી અંતિમવાદીઓ જેમણે ટ્રમ્પ ટાવરને ઉડાડી મૂકવાનો પ્રયત્ન કર્યો, એમની બ્લૂ ટીક કેમ કાઢી નાખવામાં નથી આવતી?’ટ્રમ્પ ટાવર સામે જે ધડાકો થયો તે વાહન ટેસ્લાનું હતું. ‘ગેરકાયદેસર ઇમીગ્રેશન બાબતમાં એલન મસ્ક દ્વિધામાં છે’ એવા વિધાન દ્વારા લોરા એમ પણ કહે છે કે, ઇન્ફર્મેશન અને કમ્યુનિકેશન થકી એલન મસ્કનું સ્ટારલિન્ક ગેરકાયદેસર ઇમીગ્રન્ટ્સને મદદ કરે છે. જો કે સામે એલન મસ્કનું પણ ફટકી ગયું છે. એનાં ટ્વિટ પણ વાંચવા જેવાં હોય છે. આમ ‘પશુમાં પડી એક તકરાર’ની માફક હવે ‘માગા’માં પણ લોરા લુમર અને એલન મસ્ક જેવા સામસામેના કેમ્પ ઊભા થયા છે એ જોતાં આ સંઘ કાશીએ જશે ખરો?.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top