આજથી અડધી સદી કરતા વધુ સમય પહેલા જુલાઇ, ૧૯૬૯માં માણસે ચંદ્રની ધરતી પર સૌપ્રથમ વખત ઉતરાણ કર્યું. ત્યારબાદ બીજા પણ કેટલાક મૂન મિશનો યોજાયા. છેલ્લે ૧૯૭૨માં સમાનવ ચંદ્રયાત્રા થઇ, તે પછી માણસ ચંદ્ર પર કે ચંદ્ર તરફ ગયો નથી. હવે પ૦ કરતા વધુ વર્ષ પછી ચંદ્રયાત્રા થઇ રહી છે, તેમાં જો કે ચંદ્રની ફક્ત પરિક્રમા જ કરવાની છે. ૬ એપ્રિલે આર્ટેમિસ-૨ મિશનના અવકાશયાત્રીઓ ચંદ્રના ગુરુત્વાકર્ષણના વિસ્તારમાં પ્રવેશી ગયા તે સાથે એક નવો ઇતિહાસ રચાવાની દિશામાં પ્રથમ પગલું ભરાયું. છેલ્લા પ૩ વર્ષથી અવકાશી સાહસ કરનાર દરેક માનવી અવકાશના એક એવા સાંકડા પટ્ટામાં રહીને કાર્ય કરી રહ્યો છે જે બ્રહ્માંડની વિશાળ સપાટીને માંડ સ્પર્શે છે. પરંતુ ૬ એપ્રિલના રોજ આ સ્થિતિ બદલાઈ ગઈ, જ્યારે આર્ટેમિસ-II ના ચાર અવકાશયાત્રીઓ ચંદ્રના ગુરુત્વાકર્ષણ પ્રભાવ હેઠળના ક્ષેત્રમાં પહોંચ્યા. ડિસેમ્બર ૧૯૭૨ પછી કોઈ પણ માણસ પૃથ્વીની ભ્રમણકક્ષાની બહાર નીકળ્યો નથી.
નાસાના આર્ટેમિસ-II મિશને ૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ આ અંતરાલનો અંત લાવ્યો અને ચાર વ્યક્તિઓને ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી દૂરના અવકાશ પ્રવાસ પર લઈ ગયા. આ ચાર અવકાશયાત્રીઓ પૃથ્વીથી ૪,૦૬,૭૭૩ કિલોમીટરના અંતરે પહોંચીને સૌથી લાંબા અંતરના માનવ અવકાશ પ્રવાસનો રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. આ અંતર ૧૯૭૦માં એપોલો ૧૩ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા રેકોર્ડ કરતા અંદાજે ૨,૫૦૦ કિલોમીટર વધુ છે. એટલે કે આ યાત્રા એ ખરેખર તો માણસજાતની અત્યાર સુધીની સૌથી લાંબી અવકાશયાત્રા બની રહેશે અને તે ભવિષ્યના વધુ મોટા અવકાશ સાહસો માટેનો પાયો પણ બની શકે છે. મંગળવારે આર્ટેમિસના અવકાશયાત્રીઓએ ચંદ્રની પાછળની બાજુની યાત્રા સમાપ્ત કરીને પૃથ્વી તરફ પ્રયાણ શરૂ કરી દીધું છે, તેઓ શુક્રવારે પૃથ્વી પર આવી પહોંચશે.
આર્ટેમિસ-II દરમિયાન રેડિયેશન એક્સપોઝર, સ્પેસક્રાફ્ટ પરફોર્મન્સ અને ઊંડા અવકાશમાં માનવ શરીર વિજ્ઞાન પર એકત્રિત કરવામાં આવેલી દરેક માહિતી સીધી રીતે નાસાના મંગળ પર માનવી મોકલવાના આયોજનમાં મદદરૂપ થશે. આ એક યાત્રા જ નથી પણ એક પૂર્વતૈયારી છે એમ કહેવાય છે. આમાં ભવિષ્યમાં ચંદ્ર પર માણસોને ઉતારવા કે પછી મંગળ પર માણસો મોકલવા માટેની તૈયારીઓ તો થશે જ પણ ભવિષ્યમાં ચંદ્ર પર કે મંગળ પર વસાહત બનાવવી હોય તો તેના માટે પણ ઉપયોગી માહિતી મળી શકશે એમ કહેવાય છે. આવી અવકાશયાત્રાના ટીકાકારો કહે છે કે અફાટ અવકાશમાં ચંદ્ર સુધીની યાત્રા પણ ફક્ત ડેલીએ હાથ મૂકીને પાછા ફરવા જેવી છે જેના માટે જંગી ખર્ચ કરવામાં આવે છે.
ખરેખર તો આપણી પૃથ્વી પરના જ ઘણા રહસ્યો હજી પુરા પામી શકાયા નથી તો અવકાશયાત્રાઓના ધખારા કરવાની શી જરૂર છે? પૃથ્વી પરના જ માનવ જીવનને સુધારવાની જરૂર છે. તેમની વાત પણ સાવ નકારી કાઢવા જેવી નથી. પણ માણસની જિજ્ઞાસા વૃતિ તેને અવકાશ કાર્યક્રમો ગોઠવવા પ્રેરે છે અને તે કાર્યક્રમો પણ સાવ નિરર્થક તો નથી જ. જો કે અવકાશ કાર્યક્રમો મર્યાદામાં, લાભાલાભનો વિચાર કરીને, હુંસાતુંસી વિના, વિવિધ દેશો વચ્ચે સહકારી ધોરણે થવા જોઇએ.