Comments

વૃક્ષને કપાતાં અટકાવવા ધરણાં કરનારા વીરલાઓ સફળ થશે?

‘એક વૃક્ષને બચાવવા માટે જીવ આપવો પડે તો પણ એ ઓછું છે.’ આમ કહેનાર અમૃતાદેવી બિશ્નોઈએ ખરેખર વૃક્ષને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. વર્ષ હતું ઈ.સ.1730નું. જોધપુરના રાજા અભયસિંહના સૈનિકો મહેલના બાંધકામ માટેનાં લાકડાં લેવા ખીજડાનાં વૃક્ષો કાપવા માટે આવ્યા હતા. એ વખતે અમૃતા દેવી વૃક્ષને વળગી રહ્યાં અને જાન કુરબાન કરી દીધો. તેમની સાથોસાથ બીજા 363 લોકોએ પણ જીવ ગુમાવ્યા. ખાસ કરીને પશ્ચિમ રાજસ્થાન માટે આ વૃક્ષ વિશેષ મહત્ત્વનું છે. તેને આ વિસ્તારની જીવાદોરી કહી શકાય.

કહેવાય છે કે દુષ્કાળના સમયે અહીંના લોકો ખીજડાના વૃક્ષની છાલ ખાઈને ટકી રહ્યા હતા. ખીજડાનાં મૂળ જમીનમાં ત્રણસો ફીટ સુધી ઊતરીને પાણી શોષી શકે છે અને વૃક્ષને બચાવી શકે છે. તેનો એક એક ભાગ ઉપયોગી છે. વરસના દસેક મહિના તો તે પશુઓને અતિશય પૌષ્ટિક એવો આહાર પૂરો પાડે છે. તેનાં ફળ (શિંગ) ખાઈને લોકો પણ પોષણ મેળવે છે. તેના ચારાની બજાર કિંમત પ્રતિ ક્વિન્‍ટલ બે હજાર રૂપિયા અને સૂકાયેલી શિંગની પંદરસોથી બે હજાર રૂપિયા પ્રતિ કિલો જેટલી હોય છે. વરસેદહાડે આ ઝાડ પચાસ-સાઠ હજારનો ચારો અને શાક મેળવી આપે છે.

મે-જૂન દરમિયાન તેમાંથી ઝરતો ગુંદર પણ ખાઈ શકાય છે. તેનાં ફૂલોનો રસ મધમાખીઓ પીવે છે, એટલું જ નહીં, તેની પર મધપૂડા પણ બનાવે છે. અનેક પ્રકારની કીડીઓ તેમજ જીવાત આ વૃક્ષ પર નભે છે અને પક્ષીઓ પણ. આ વિસ્તારના લોકોના જીવનમાં ખીજડાનું વૃક્ષ એટલું મહત્ત્વનું સ્થાન ધરાવે છે કે જન્મથી લઈને મરણ સુધીના વિવિધ પ્રસંગોએ તે એક યા બીજા સ્વરૂપે ઉપયોગમાં લેવાતું રહે છે. મહાભારતમાં પણ ખીજડાના વૃક્ષનો મહત્ત્વનો ઉલ્લેખ કરાયો છે.

 સવાલ એ છે કે અચાનક ખીજડાના વૃક્ષનું માહાત્મ્ય કરવાનું શું કારણ? રાજસ્થાનમાં બીકાનેર સૌર ઊર્જાના અતિ મહત્ત્વના કેન્‍દ્ર તરીકે ઊભરી રહ્યું છે. ફેબ્રુઆરી, 2026માં રજૂ કરાયેલા રાજ્ય સરકારના બજેટ અનુસાર, રાજસ્થાનના કેવલ બે જિલ્લા-બીકાનેર અને જેસલમેરમાં જ સૌર પ્રકલ્પો માટે 2,900 કરોડ રૂપિયા ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. બધું મળીને આશરે 4,830 મેગાવોટની ક્ષમતા ધરાવતા સૌર પાર્ક વિકસાવવામાં આવશે.

બસ, અહીં ખીજડાનું વૃક્ષ ચિત્રમાં પ્રવેશે છે. આ પ્રકલ્પોની તૈયારી એકદમ આક્રમકતાથી થવા લાગી છે અને જે તે વિસ્તારમાંથી ખીજડાનાં વૃક્ષોનો સફાયો કરાવા માંડ્યો છે. કાલાસર અને તેની પાસે આવેલા સવાઈસર ગામમાંથી જ પાંચેક હજાર વૃક્ષો સફાચટ કરી દેવાયાં છે. આ ગામના ખેડૂતો કહે છે કે અમને અણસાર પણ હોત કે સૌર પ્લાન્‍ટ ઊભો કરવા માટે કંપનીઓ ખીજડાનાં ઝાડ કાપી નાખશે તો અમે જમીન આપત જ નહીં, કેમ કે, જમીન લીઝ પર અપાઈ એમાં જોગવાઈ હતી કે એકે વૃક્ષ કાપવામાં નહીં આવે.

 સ્વાભાવિક રીતે જ આમ બનવાથી આ વિસ્તારના લોકો ક્રોધે ભરાયા અને 2 ફેબ્રુઆરી, 2026થી બીકાનેરના બિશ્નોઈ સમાજના લોકોએ ‘ખીજડા બચાવો આંદોલન આરંભ્યું. એક બે કે પાંચ દસ નહીં, સેંકડો લોકો સ્વયંભૂ તેમાં જોડાયા, જેમાં અન્ય રાજ્યોના લોકો પણ સામેલ છે. આ આંદોલનને મળેલા વ્યાપક જનસમર્થનને પગલે આખરે રાજસ્થાનના મુખ્યમંત્રીએ 5 ફેબ્રુઆરીએ વિધાનસભામાં ખીજડાનાં વૃક્ષો બચાવવા માટેનો કાયદો ઘડવાની ઘોષણા કરવી પડી.

આ સરકારી આશ્વાસન પછી બીકાનેરમાં મામલો થાળે પડી ગયો, પણ ખેજડલા રોહી વિસ્તારના કિશનારામ ગોદારા નામના એક ખેડૂત બીકાનેરમાં આવેલા કલેક્ટર કાર્યાલય સમક્ષ છેક 18 જુલાઈ, 2024થી ધરણા કરી રહ્યા છે. આ વિસ્તારના નોખા દૈયા ગામની કુલ 2,300 વીઘાં જમીનમાં સૌર પ્રકલ્પ આવી ગયા છે અને હજી બીજી પાંચસો વીઘાં જમીનમાં તે આવી રહ્યા છે. જુલાઈ, 2024માં અહીંયાં રાતોરાત ખીજડાનાં વૃક્ષ કાપી નાખવામાં આવ્યા. તેને કારણે કિશનારામે ધરણાંનો આરંભ કર્યો. તેમના સમર્થનમાં બિશ્નોઈ સમાજના અન્ય લોકો જોડાતા ગયા. 15 ફેબ્રુઆરી, 2026નો દિવસ તેમના ધરણાનો 568મો દિવસ હતો.

કંપનીએ સામ, દામ, દંડ, ભેદ જેવા પેંતરા આ ખેડૂતો પર અજમાવ્યા, પણ નિષ્ફળતા મળી. કિશનારામની ત્રણ મુખ્ય માગણીઓ છે. એક તો રાજસ્થાનના રાજવૃક્ષ ગણાતા ખીજડાના કાપવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ, બીજો રાજસ્થાન ટ્રી એક્ટ બનાવવામાં આવે અને કોઈ પણ વૃક્ષો કાપ્યા વિના સૌર પ્લાન્‍ટનું નિર્માણ કરવામાં આવે. બિનઉપયોગી જમીન હોય એવે સ્થાને તે ઊભા કરવામાં આવે, કેમ કે, કૃષિલક્ષી જમીન અને પર્યાવરણના ભોગે એને સ્વિકારી શકાય નહીં. તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં નહેર આવી રહી છે, આથી વિવિધ પ્રકલ્પો પણ આવી રહ્યા છે અને ખેડૂતોના ભાગનું પાણી આ પ્રકલ્પોને મળી રહ્યું છે. ગામમાં ઊભા કરાયેલા સૌર પ્લાન્‍ટ માટે રોજેરોજ પાંચ-છ હજાર લિટરની ક્ષમતા ધરાવતી વીસેક ટેન્‍કર ભરીને પાણી વપરાય છે. કેવડો મોટો જથ્થો! કિશનારામ ભારપૂર્વક જણાવે છે કે પોતે સૌર પ્રકલ્પના વિરોધી નથી.

નાણાં અને વિકાસની લ્હાયમાં પર્યાવરણનું, કુદરતનું નિકંદન કાઢતાં જરાય ન અચકાવું એ આધુનિક યુગની તાસીર બની રહી છે. તેમાં કોર્પોરેટ ક્ષેત્ર સાથે રાજકારણીઓ હાથ મિલાવે એટલે સ્વાર્થ સિવાયનું બધું કોરાણે મૂકાઈ જાય છે. વિકાસ થાય એમ સૌ કોઈ ઈચ્છે છે, પણ એ કેટલો અને ખાસ તો કોના ભોગે એ સવાલનો જવાબ મેળવવાની તસદી ભાગ્યે જ લેવામાં આવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top