Sports

T20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા શું 15 વર્ષના દુષ્કાળનો અંત લાવશે?

T20 વર્લ્ડકપ 2022ને લઈને ટેલિવિઝન પર એક જાહેરાત ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. આ જાહેરાતમાં 15 વર્ષથી જોવાતી રાહ વિશે કહેવામાં આવી રહ્યું છે કે ‘અબ બહુત હુઆ, અબ તો કપ લે ભી આઓ યાર’. આખો દેશ પણ ટીમ ઈન્ડિયા પાસેથી ઈચ્છે છે કે આ 15 વર્ષની રાહ હવે ઘણી થઈ ગઈ છે. T20 વર્લ્ડ કપનો ખિતાબ ફરી ઘરે લઇ આવો. ભારતીય ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં 15 વર્ષના દુષ્કાળનો અંત લાવવાના લક્ષ્ય સાથે ઓસ્ટ્રેલિયા પહોંચી છે અને આશા છે કે આ વખતે ભારત ચેમ્પિયન બનશે. ટીમ ઈન્ડિયા 15 વર્ષ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી અને તે પછી રમાયેલા તમામ T20 વર્લ્ડકપમાંથી ભારતીય ટીમ ખાલી હાથે જ પાછી ફરી છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ 2007માં રમાયેલા T20 વર્લ્ડકપની પહેલી એડિશનમાં ચેમ્પિયન બની હતી અને 2007થી અત્યાર સુધી આ ICCની આ ટૂર્નામેન્ટની 7 આવૃત્તિઓ રમાઈ છે પરંતુ ટીમ ઈન્ડિયા માત્ર પહેલી એડિશનમાં ચેમ્પિયન બની શકી છે તે પછી દરેક વખતે ભારતનો હાથ ખાલી રહ્યો છે. પહેલી એડિશનમાં ચેમ્પિયન બનેલી ટીમ તે પછી રમાયેલી બીજી છ એડિશનમાં એવું પ્રદર્શન કરી શકી નથી. તો ચાલો જાણીએ કે 2007થી અત્યાર સુધીમાં T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતીય ટીમનું પ્રદર્શન કેવું રહ્યું છે.

2007ની પહેલી એડિશનમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની
જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડકપ માટે 2007માં દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ ત્યારે કોઈને આશા નહોતી કે તે ચેમ્પિયન તરીકે પરત ફરશે. આ ટુર્નામેન્ટમાં ભારતે નવા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં દરેક મોટી ટીમને હરાવી ફાઇનલમાં પાકિસ્તાન સામે રોમાંચક જીત મેળવીને ટાઇટલ જીત્યું હતું. 2007ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે માત્ર એક મેચમાં પરાજય થયો હતો. આ સિવાય આખી ટૂર્નામેન્ટમાં તેને કોઈ હરાવી શક્યું નહોતું. પાકિસ્તાન સામે ફાઇનલ સહિત બે વાર ભારત રમ્યું હતું અને પહેલીવાર બોલ આઉટમાં તેને હરાવીને ફાઇનલમાં અંતિમ ઓવરમાં હરાવીને ભારતે ટાઇટલ જીત્યું હતું.

2009ની એડિશનમાં ટીમ ઇન્ડિયા સુપર-8માંથી આઉટ
T20 વર્લ્ડ કપની પહેલી એડિશનમાં ચેમ્પિયન બન્યાના બે વર્ષ બાદ 2009માં ટીમ ઈન્ડિયાની સામે પોતાનું ચેમ્પિયન તરીકેનું ટાઈટલ બચાવવાનો પડકાર હતો પરંતુ ત્યારે એવું થઈ શક્યું નહીં. ટીમ ઈન્ડિયા 2009ના T20 વર્લ્ડકપમાં ગ્રુપ Aમાં સામેલ હતી. આ ગ્રુપમાં ભારતની સાથે આયર્લેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ લીગ સ્ટેજની તમામ મેચો જીતીને શાનદાર રીતે સુપર-8માં પોતાનું સ્થાન બનાવ્યું હતું, પરંતુ અહીં તેનો સામનો દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમો સામે થયો હતો, આ તબક્કામાં ટીમ તેની ત્રણેય મેચ હારી ગઈ હતી. આમ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ફાઈનલ પહેલા ભારતના પ્રવાસનો અંત આવ્યો હતો.

2010માં ટીમ ઇન્ડિયા નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશી ન શકી
આઈસીસીની આ ઈવેન્ટ 2009ના વર્લ્ડકપના એક વર્ષ બાદ વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત કરવામાં આવી હતી. આ વખતે ભારતને ગ્રુપ સીમાં રાખવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની ટીમો સામેલ હતી. ગ્રુપ સ્ટેજમાં પોતાની તમામ મેચો જીત્યા બાદ ટીમે સરળતાથી સુપર-8માં જગ્યા બનાવી લીધી હતી, પરંતુ અહીં તે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા જેવી ટીમો સામે ટકી શકી ન હતી અને એકપણ જીત મેળવ્યા વિના ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

2012માં ટીમ ઇન્ડિયાને નેટ રન રેટ છેતરી ગઇ
ICC T20 વર્લ્ડ કપ 2012 શ્રીલંકામાં યોજાયો હતો. આ વખતે ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. ગ્રુપ સ્ટેજમાં પોતાની તમામ મેચ જીત્યા બાદ ટીમે સુપર-8માં જગ્યા બનાવી લીધી છે. આ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે થયો હતો. સુપર 8માં, ભારતે તેની ત્રણમાંથી બે મેચ જીતી હતી પરંતુ તે પછી ટીમ ઇન્ડિયાનું નસીબ વંકાયું હતું અને નેટ રન રેટના કારણે ભારતીય ટીમ સેમિફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઈ ગઇ હતી.

2014માં ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચીને હારી ગઇ
2014ના T20 વર્લ્ડકપનું આયોજન બાંગ્લાદેશમાં કરવામાં આવ્યું હતું. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમે 7 વર્ષ બાદ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઇનલમાં વિરાટ કોહલીના 58 બોલમાં 77 રન મહત્વના હતા, જો કે યુવરાજે 22 બોલમાં માત્ર 11 રન કરતાં ભારત માત્ર 130 રન બનાવી શક્યું હતું અને કુમાર સંગાકારાના 35 બોલમાં 52 રનની મદદથી શ્રીલંકાએ 17.5 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને 6 વિકેટે મેચ જીતી લેતા ટીમ ઇન્ડિયાએ રનર્સ અપ તરીકે સંતોષ માનવો પડ્યો.

2016ની સેમીફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતની બાજી બગાડી
વર્લ્ડ કપ 2016નું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું. એવી આશા હતી કે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ટાઈટલ જીતશે. ટીમ ઈન્ડિયાએ આ વખતે પણ પોતાની જોરદાર રમત દેખાડીને અંતિમ ચારમાં પ્રવેશ કરી લીધો હતો, જો કે સેમિફાઈનલમાં ટીમ ઇન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ સામે પરાજય થયો હતો. આ મેચમાં ફરી એકવાર વિરાટ કોહલીએ 47 બોલમાં 89 રનની નોટઆઉટ ઇનિંગ રમતા ભારતે 2 વિકેટે 192 રન બનાવ્યા હતા.જો કે લેન્ડલ સિમન્સની 82 રનની આક્રમક ઇનિંગથી વેસ્ટઇન્ડિઝે જીત મેળવીને ભારતીય ટીમને ટાઈટલની રેસમાંથી બહાર ફેંકી દીધી હતી.

2021માં પાકિસ્તાન સામે પહેલીવાર વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાનો પરાજય
કોરોના કાળમાં ભારતીય ટીમની યજમાનીમાં યુએઇ ખાતે રમાયેલા T20 વર્લ્ડકપની સાતમી સિઝનમાં ભારતીય ટીમ સાથે પહેલીવાર એવું થયું હતું કે જે આ પહેલા કદીપણ આઇસીસીના કોઇ વર્લ્ડકપ દરમિયાન થયું નહોતું. ભારતીય ટીમ સુપર 12ની પોતાની પહેલી મેચમાં પરંપરાગત હરીફ પાકિસ્તાનની ટીમ સામે હારી ગઇ હતી. વિરાટ કોહલીની 57 રનની ઇનિંગની મદદથી ભારતે 152 રન બનાવ્યા અને પાકિસ્તાને વિના વિકેટે લક્ષ્યાંક આંબી લઇને મેચ 10 વિકેટે જીતી લીધી, તે પછી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે પણ હારી ગઇ હતી. ભારતે તે પછી સ્કોટલેન્ડ, અફઘાનિસ્તાન અને નામિબીયા સામે જીત મેળવી પણ તે સેમી ફાઇનલમાં પ્રવેશી શકી નહોતી.

Most Popular

To Top