અત્યારે મોટા બજેટની ફિલ્મો એક પછી એક રજૂ થઇ એટલે થિયેટરમાં પ્રેક્ષકો પાછા વળ્યા છે. બે વર્ષ પછી આમ બનવાના કારણે અનેક નિર્માતાઓ અને સ્ટાર્સ ખુશ છે. જોકે મોટી ફિલ્મો ચાલતી હોય ત્યારે નવી ફિલ્મ રજૂ કરનારાઓને ડર લાગતો હોય છે. આવો ડર હમણાં શાહીદ કપૂરને પણ છે કારણકે તેની ‘જર્સી’ રજૂ થઇ રહી છે. ક્રિકેટ હવે કોઇ નવી વિષય નથી રહ્યો. હમણાં રાજામૌલીએ વીએચએફ ટેકનિકવાળી ફિલ્મોનું ઘેલું ઊભું કર્યું છે. સુપર હીરોવાળી ફિલ્મોનું ચલણ વધ્યું છે ત્યારે માત્ર ૫૦ કરોડના ખર્ચે બનેલી ‘જર્સી’ ચાલશે? શાહીદ કપૂરની ઇમેજ પણ કોઇ મોટા સ્ટારની નથી. અત્યારે ઋતિક, સલમાન, આમીરની ફિલ્મોને મુકાબલામાં ઊભી રાખી શકાય યા રણબીર, રણવીર કે અક્ષય – અજય પડકાર ઉઠાવી શકે. શું શાહીદ મોટા શોટ્સ મારી મેચ જીતાડી શકશે?
શાહીદની છેલ્લી રજૂ થયેલી ફિલ્મ ‘કબીરસીંઘ’ છે જે ૨૦૧૯ માં આવી હતી. કોઇપણ સ્ટાર માટે અઢી-ત્રણ વર્ષ ખાલી જવા નુકશાનકારક હોય શકે. અલબત્ત, ફિલ્મ સારી હોય તો ફરી પોતાની જગ્યા મેળવી શકાય છે. શાહીદે ‘વિવાહ’, ‘જબ વી મેટ’, ‘હૈદર’, ‘ઉડતા પંજાબ’ ‘પદ્માવત’થી મેળવેલી પ્રતિષ્ઠા રિવાઇઝ કરવી પડશે. તે એક સારો એકટર છે પણ તેના સમયમાં મોટા સ્ટાર્સની હાજરીને કારણે થોડો ઝાંખો લાગે છે. તેના પછી આવેલા ટાઇગર શ્રોફ, વરુણ ધવનની સ્થિતિ પણ સારી છે એટલે મુકાબલો જોરાવર બની ગયો છે. જોકે શાહીદ હવે જુદા પ્રકારની ફિલ્મો અજમાવી રહ્યો છે તે ‘ન્યૂટ બ્લેન્ચ’ની હિન્દી રિમેકમાં કામ કરી રહ્યો છે જેમાં એક પોલીસ અધિકારીના અંડરવર્લ્ડ સાથેના સંબંધની વાત છે જેમાં તેની સિક્રેટ લાઇફ ખૂલી જાય છે ને એક નવો ડ્રામા ઊભો થાય છે. તેની અન્ય એક ફિલ્મ ‘બુલ’ છે જે ભારતીય લશ્કરના બ્રિગેડિયર બલસારાના જીવન આધારીત છે. અત્યારે પોલીસ અને લશ્કરના વીર આધારીત ફિલ્મોનો ટ્રેન્ડ છે તો શાહીદ એવી ફિલ્મો માટે તૈયાર છે પરંતુ આ ફિલ્મો આવશે ત્યાં સુધીમાં ‘બ્રહ્માસ્ત્ર’ સહિતની સુપરહીરો ફિલ્મોએ નવું વાતાવરણ બનાવ્યું હશે ત્યારે શાહીદ ટકી જશે?
શાહીદ કેટલીક રિમેકમાં કામ કરી પોતાનો સેફઝોન ઊભો કરવા માંગે છે. અને તેમાં ‘મગાધીરા’ની રિમેક પણ છે અને ‘વો કૌન થી’ની રિમેક પણ. આ બન્ને સુપરહીટ ફિલ્મો હતી અને ‘વો કૌન થી’ જો યોજના પ્રમાણે બનશે તો તેમાં ઐશ્વર્યા રાય ભૂમિકા કરશે. આમ તો આ મિસમેચ કહી શકાય પણ પ્રેક્ષક ફિલ્મો જોવા માટે કારણો શોધતો હોય તો આ જોડી ગમે પણ ખરી. શાહીદ હવે અગાઉની હીરોઇનોના બદલે અન્ય હીરોઇનો ટ્રાય કરી રહ્યો છે એટલે જ મૃણાલ ઠાકુર, ક્રિતી સેનોન, પૂજા હેગડે સાથે પણ કામ કરે છે. શાહીદ એકશન ફિલ્મો માટેનું શરીર ધરાવતો નથી એટલે આજકાલની એકશન ફિલ્મોમાં તે પસંદગી પામતો નથી. આમ છતાં ‘બુલ’ પછી ‘ફર્જી’ પણ તેને મળી છે જે એકશન નહીં પણ થ્રીલર છે અને ‘એર લિફટ’ના દિગ્દર્શક રાજક્રિષ્નાની ફિલ્મમાં તો તે બોકસર બન્યો છે.
શાહીદ અત્યારે જરાક પછડાટ ખાય છે તેનું બીજું કારણ એ પણ છે કે તે બીજા હીરોની જેમ ફિલ્મ નિર્માણનું સાહસ કરી શકતો નથી. મોટા મોટા સ્ટાર સ્વયં નિર્માતા હોય અને મોટા બેનરને મોટા સ્ટાર અનુકૂળ પડતા હોય ત્યારે શાહીદ માટે ઓછી જગ્યા બચે છે. શાહીદ તો કોઇ રિયાલિટી શો પણ હોસ્ટ કરતો નથી. ફિલ્મનાં જગતમાં સ્ટાર્સે ઘણું બધું કરતા રહેવું પડે છે. શાહીદ એવું કરતો નથી. મીરા રાજપૂતને છ વર્ષથી પરણ્યો છે ને મઝાથી જીવે છે પણ ફિલ્મજગતની અપેક્ષાનું શું? ‘જર્સી’ ફિલ્મ કેવો દેખાવ કરે તેના પછી જ તે નવી ભાષામાં વાત કરી શકશે, બાકી આવનારી ફિલ્મો તો આવે પછી જ કહી શકાય. •