બેટ અને બોલનો મહાસંગ્રામ,પાવરપ્લે થી ડેથ ઓવરો સુધી યુદ્ધ,
અમદાવાદ: Narendra Modi Stadium ખાતે રમાનાર સુપર 8 મુકાબલામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ભારે ટક્કર જોવા મળી શકે છે. આ મુકાબલો માત્ર બે મજબૂત ટીમોની ટકર નથી, પરંતુ સમગ્ર ગ્રુપના આગળના દિશા નક્કી કરી શકે એવો મહત્વનો મેચ છે. અત્યાર સુધીના ટુર્નામેન્ટમાં અમદાવાદની પિચ પર જે ટ્રેન્ડ જોવા મળ્યો છે, તે મુજબ આ મેદાન 180 થી 200 રનની લડત માંગે છે.

આ વર્લ્ડ કપમાં અમદાવાદ ખાતે 213, 193, 187 અને 175 જેવા સ્કોર બન્યા છે. કેટલીક મેચોમાં 175 તથા 178ના ચેઝ સફળ થયા છે, જ્યારે 187ની મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી. એટલે સ્પષ્ટ છે કે અહીં 170નો સ્કોર પણ સુરક્ષિત નથી. ટીમો માટે માત્ર રન બનાવવું પૂરતું નથી, મધ્ય ઓવરોમાં વિકેટ લેવી એટલી જ મહત્વની બનશે.

ભારતની બેટિંગ અને બોલિંગનું સંતુલન
ભારત માટે આ ટુર્નામેન્ટમાં ઇશાન કિશન સૌથી મોટી શક્તિ તરીકે સામે આવ્યા છે. તેમણે 176 રન 200થી વધુ સ્ટ્રાઈક રેટ સાથે બનાવ્યા છે, જે પાવરપ્લેમાં ટીમને ઝડપી શરૂઆત અપાવે છે. બીજી તરફ સૂર્યકુમાર યાદવ 162 રન સાથે મધ્યક્રમને સ્થિરતા આપે છે. અમદાવાદ જેવી પિચ પર આ બંનેની ભૂમિકા મહત્વની રહેશે.પરંતુ ભારત માટે ચિંતાનો વિષય અભિષેક શર્માનું પ્રદર્શન છે. ત્રણ મેચમાં ત્રણ ડક પછી ટોચના ક્રમમાં ખાલી જગ્યા ઉભી થઈ છે. જો આ મેચમાં પણ શરૂઆત ન મળે તો મધ્ય ઓવરોમાં દબાણ વધી શકે છે.
બોલિંગ વિભાગમાં ભારત મજબૂત દેખાઈ રહ્યું છે. વરુણ ચક્રવર્તીએ 9 વિકેટ અને 5.16ની ઇકોનોમી સાથે મધ્ય ઓવરોમાં કાબૂ જમાવ્યો છે. અક્ષર પટેલે 6 વિકેટ સાથે સ્પિન વિભાગને મજબૂત બનાવ્યો છે. જયારે જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા વિકેટ સાથે ડેથ ઓવરોમાં અસરકારક સાબિત થયા છે.
દક્ષિણ આફ્રિકાનો ઝડપી ટોપ ઓર્ડર
દક્ષિણ આફ્રિકા માટે એઇડન માર્કરમે 178 રન 187થી વધુ સ્ટ્રાઈક રેટ સાથે બનાવ્યા છે, જ્યારે રાયન રિકલ્ટન 145 રન સાથે ટોપ ઓર્ડરને મજબૂત બનાવે છે. ક્વિન્ટન ડી કોકના 118 રન પણ ટીમને સારો આધાર આપે છે. આ ટીમ પાવરપ્લેમાં જ મેચનું મોમેન્ટમ બદલવા માટે જાણીતી છે.બોલિંગમાં લુંગી એન્ગિડી (8 વિકેટ), માર્કો જાન્સેન (7 વિકેટ) અને કોર્બિન બોશ (5 વિકેટ) સતત વિકેટ લઈને દબાણ બનાવે છે. જોકે કાગિસો રબાડાનું પ્રદર્શન અત્યાર સુધી સામાન્ય રહ્યું છે, અને જો તેઓ લયમાં આવે તો દક્ષિણ આફ્રિકાની બોલિંગ વધુ ખતરનાક બની શકે છે.
મેચ નક્કી કરશે ત્રણ મહત્વના ફેઝ
આ મુકાબલો મુખ્યત્વે ત્રણ ફેઝમાં નક્કી થશે:
પાવરપ્લે: બંને ટીમ માટે ઝડપથી રન બનાવતા સાથે વિકેટ બચાવવી મહત્વની રહેશે.
મધ્ય ઓવરો (7–15): અહીં ભારતના સ્પિનરો અને દક્ષિણ આફ્રિકાના ઝડપી બેટરો વચ્ચેનો મુકાબલો મેચનું દિશા નક્કી કરશે.
ડેથ ઓવરો: અહીં ચોક્કસ લાઇન-લેન્થ અને એક્ઝિક્યુશન જીત નક્કી કરશે.
190નો સ્કોર કેમ મહત્વનો
અમદાવાદની પિચ પર જો કોઈ ટીમ 195 સુધી પહોંચે તો તે ચેઝ પર દબાણ ઉભું કરી શકે છે. પરંતુ 170 કે તેનાથી ઓછો સ્કોર સામેની ટીમ માટે તક બની શકે છે. એટલે બંને ટીમો માટે આ મેચમાં ઊંચો સ્કોર અને મધ્ય ઓવરોમાં વિકેટ મેળવવી જીતની કી બનશે.એક રીતે કહીએ તો, અમદાવાદમાં આ મુકાબલો માત્ર રનનો નહીં પરંતુ સ્ટ્રેટેજી અને ક્ષણોને કબ્જે કરવાની લડત બનવાનો છે.