સલમાન ખાનની છાતી ધક ધક ધડકી રહી છે કારણ સામે ઇદ આવી રહી છે અને ઇદ પર તેણે ‘સિકંદર’ સાબિત થવાનું છે. તેના નામે થિયેટરમાં પ્રેક્ષકો છલકાતા હોય છે, પણ દરેક વખતે સક્સેસ સ્ટોરી આગળ વધારવાની ચેલેંજ તો હોય જ છે. છેલ્લે ‘ ટાઇગર-3’ માં તે આવ્યો હતો પણ ત્રાડ નાંખી શક્યો ન હતો. હમણાં ઘણાં વર્ષોથી તે હિન્દુ-મુસ્લિમ બંને પ્રેક્ષકોને મેળવવા યુક્તિઓ લગાડે છે. એટલે ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ જેવા શીર્ષકથી તેણે ફિલ્મ રજૂ કરેલી, જેમાં તે ભાઇજાન હતો. બાકી તે મોટી ફિલ્મોમાં નાની ભૂમિકા કરી હાજરી પૂરાવે છે. ‘પઠાણ’માં તે ટાઇગર તરીકે આવેલો અને ‘સિંઘમ અગેઇન’માં ચુલબુલ પાંડે તરીકે અને હમણાં ‘બેબી જ્હોન’માં ફરી એજન્ટ ભાઇજાન બનેલો. સુરજ બડજાત્યા તેને પ્રેમ તરીકે ફેમસ કરવા માંગતા હતા, પણ તે ભાઇજાન બની ગયો છે. ભાઇજાન સંબોધનમાં ધાક અને લાગણીનું મિશ્રણ હોય છે. સલમાનની અંગત ઇમેજ પણ સંજય દત્તની જેમ ધાક અને લાગણીનું મિશ્રણ ધરાવે છે. લોરેન્સ બિશ્નોઇ ગેંગ તેની પાછળ પડી ગયેલી તે સહુ જાણે છે. ‘સિંકદર’ ફિલ્મ સલમાન માટે કમબેક ફિલ્મ પુરવાર થશે? જો કે સલમાન એવું માનતો નથી કે તે નિષ્ફળ ગયો છે અને સફળતા સાબિત કરવાની છે, પણ શાહરૂખ અને આમીર ખાનની જેમ તેણે પણ ફરી સાબિત થવાનું છે. આ માટે તેણે મુરુગાદોસને દિગ્દર્શક તરીકે પસંદ કર્યો છે. આમીર ખાન સાતે ‘ગજિની’ બનાવનાર, શું તે સલમાનને બોક્સ ઓફિસનો સિકંદર બનાવી દેશે? સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મ માટે 200 કરોડ રૂપિયા રોક્યા છે. તે તો પોર્ટુગલ અને યુરોપના દેશોમાં સિકંદરનું શૂટિંગ કરવાનો હતો, પણ મુરુગાદોસ ‘મદ્રાસી’ નામની ફિલ્મમાં પણ બિઝી હતો એટલે મુંબઇમાં જ શૂટિંગ કયું છે. સલમાન ખાને દિગ્દર્શકની ઇચ્છા પ્રમાણે ચાલવું પડ્યું છે. બાકી તે ઇચ્છે ત્યાં જ શૂટિંગ થતું. ‘સિકંદર’માં સલમાને ડબલરોલ કર્યો છે અને તેના એક પાત્રનું નામ સંજય અને બીજા પાત્રનું નામ સિકંદર છે. હિન્દુ-મુસ્લિમ બેઉ વર્ગના પ્રેક્ષકોને મેળવવાની આ તરકીબ ઇદ ઉલ ફ્રિત્ર વખતે કામ લાગશે. 59 વર્ષનો થયેલો સલમાન ‘સિકંદર’માં રશ્મિકા અને કાજલ અગ્રવાલ સાથે જોવા મળશે. મતલબ કે દિગ્દર્શક જ નહીં બંને હીરોઇનો પણ સાઉથની છે. આ ફિલ્મમાં તેણે પ્રતિક બબ્બર સાથે એક્શન પણ કરી છે. શરીર તો થોડું વધેલું છે પણ તે કેમેરા સામે મહેનત કરવામાં પાછો પડતો નથી, એટલે ધાક તો જમાવશે. આમ છતાં આ ફિલ્મનો પૂરતો પ્રચાર નથી થયો એવું કહી શકાય. સલમાન ‘સિકંદર’ની સફળતા માટે બેતાબ છે અને તો તે તેના નિર્માણ હેઠળ બનતી ‘બી હેપી’ અને ‘બિયોન્ડ ધ સ્ટાર’ માં આગળ વધશે. તેની દિગ્દર્શક એટલી સાથે પણ એક ફિલ્મ છે ને સુરજ બડજાત્યા બહુ કહેતા નથી પણ ‘પ્રેમ કી શાદી’ માટે તૈયાર છે. એ જ રીતે સાઉથની ‘પેડ્ડી’ છે. ‘બૂલ’ છે. સલમાન ખાનની આ બધી ફિલ્મોનું ભાગ્ય હમણાં તો ‘સિકંદર’ પર નભેલું છે. ઇદની રજા હોય એટલે ત્રણ દિવસ તો આ ફિલ્મ ચાલશે જ, પણ પછી જો ચાલે તો તેને સલમાન નામના સ્ટારની સફળતા ગણાશે. •

