બાહુબલી’ની સફળતા પછી દક્ષિણના દિગ્દર્શકો, સ્ટાર્સ અને નિર્માતાઓએ હિન્દી ફિલ્મોદ્યોગ પર મોટા પાયે આક્રમણ શરૂ કર્યું છે અને આ આક્રમણ કેટલાંક દિગ્દર્શકોને કારણે અત્યંત જોરાવર બન્યું છે. ‘બાહુબલી’ પણ તેના દિગ્દર્શક અને દક્ષિણના ઇનોવેટિવ ટેકનોલોજીસ્ટોના કારણે જ દેશના બધા જ રાખ્યોમાં જબરદસ્ત સફળ રહી હતી. આ બની રહ્યું હતું ત્યારે તેમનો ટોપ વન સ્ટાર રજનીકાંત ઘરડો થઇ રહ્યો હતો એટલે તેઓ તેના વિકલ્પે પ્રભાસને મોટો, લાર્જર ધેન લાઇફ ઉભો કરી રહ્યા છે. દક્ષિણ પાસે એસ.એસ. રાજામૌલી અને શંકર બહુ મોટા દિગ્દર્શક છે જે હોલીવુડના સ્તરે ફિલ્મો બનાવવાનું બીડું ઝડપી શકે છે.
મણી રત્નમ તો છે જ પણ આ બે દિગ્દર્શક અત્યારે ડ્રાઇવીંગ સીટ પર છે. રાજા મૌલી 550 કરોડ જેવા વિરાટ બજેટ સાથે ‘આરઆરઆર’ ફિલ્મ લાવી રહ્યા છે ને આ ફિલ્મ વડે તેઓ ‘બાહુબલી’થી પણ આગળ વધી જવા માંગે છે. 550 કરોડના બજેટે ફિલ્મ બનાવવાનું સાહસ કરનારની હિંમત અને આત્મવિશ્વાસને દાદ દેવી પડે. આ તેમની 12મી ફિચર ફિલ્મ છે ને જાન્યુઆરીમાં તે રજૂ થશે. તેમને ફિલ્મની સફળતા વિશે કોઇ સવાલ જ નથી અને કહે છે કે મેં આ ફિલ્મ પાછળ પૂરા ત્રણ વર્ષ લગાડયા છે. ‘બાહુબલી’ની બંને ફિલ્મો પાછળ જેટલી ઉર્જા લગાડેલી તેનાથી પણ વધારે ઉર્જા આ ફિલ્મમાં લગાડી છે.
‘બાહુબલી’ જેમ કાલ્પનિક વાર્તા ધરાવતી હતી તેમ ‘આરઆરઆર’ની વાર્તા પણ કાલ્પનિક જ છે, જેમાં બે ક્રાંતિકારી કોમારમ ભીમ અને સીતારામ રાજુના પાત્રો કેન્દ્રમાં છે. બ્રિટીશ સરકાર સામે લડતી વેળા તેઓ એકબીજાના પરિચયમાં આવે છે. વાર્તા ફરી વી. વિજયેન્દ્ર પ્રસાદની જ છે કે જે રાજા મૌલીના પિતા છે જેમણે રાજા મૌલી માટે નવ ફિલ્મો લખવા ઉપરાંત ‘બજરંગી ભાઇજાન’ અને ‘મણિકર્ણિકા’ લખી છે. રાજા મૌલી એકદમ ડ્રામેટિક ઘટનાક્રમ ઉભા કરે છે અને પોતાના પાત્રોને સુપર હીરોમાં ફેરવી નાંખે છે. તેઓ ‘રામાયણ’, ‘મહાભારત’ પરથી ફિલ્મ નથી બનાવતા પણ ફિલ્મના કથાનક બીજા અર્થમાં મહાનાયક જ ઉભા કરે છે. એસ.એસ. રાજા મૌલી ભવ્યતા ઊભી કરવામાં માને છે. રાજા મૌલી કોમિકસ વાંચવાના શોખીન છે ને એવી ફેન્ટસી તેઓ પરદા પર ઊભી કરે છે. એનિમેશન વડે ફિલ્મના વિઝયુઅલ્સને તેઓ નવી ઉંચાઇ આપે છે. તેમની પાસે જબરદસ્ત ટીમ છે.
વી. શ્રીનિવાસ મોહન જેવા વિઝયુઅલ ઇફેકટસ સુપરવાઇઝર અને સેંથિલકુમાર જેવા સિનેમેટોગ્રાફર છે. આ બધા હોવાના કારણે જ 2000 જૂનિયર આર્ટિસ્ટ સાથે કામ શકય બન્યું છે. 300 દિવસનું શૂટિંગ છે. આટલા દિવસનું શૂટિંગ પોતે જ બેફામ ખર્ચ કરાવે. પણ ‘બાહુબલી’ પછી તેઓ ‘આરઆરઆર’થી ત્રાટકવા માંગે છે. આ વખતે તેમણે પ્રભાસ નહીં બલ્કે એન.ટી. રામારાવ જૂનિયર અને રામચરણને લીધા છે. એક ભીમ તો બીજો અલ્લુરી. સાથે જ અજય દેવગણ અને આલિયા ભટ્ટને પણ મહત્વની ભૂમિકાઓ આપી છે. આ ફિલ્મ જો જબરદસ્ત સફળ જશે તો ભારતને જાણે જેમ્સ કેમરન, સ્ટિવન સ્પિલબર્ગ મળી ગયા જેવું લાગશે.
રાજા મૌલી અત્યારે 48 વર્ષના છે અને આ પહેલા ‘મગધીરા’માં પણ ખૂબ સફળ રહી ચૂકયા છે. તેમણે તેમની બધી જ ફિલ્મો તેલુગુમાં બનાવી છે અને ‘બાહુબલી’ પછી એકથી વધુ ભાષામાં ડબ્ડ કરી ફિલ્મો રજૂ કરે છે. ‘બાહુબલી’ પછી તેમણે સાઉથના અનેક નિર્મતાઓને 2 યા 4-5 ભાષામાં ફિલ્મરજૂ કરવાની દ્રષ્ટિ આપી છે. ‘આરઆરઆર’ હિન્દી, તમિલ, મલયાલમ, કન્નડ ઉપરાંત અન્ય ભારતીય ભાષામાં અને વિદેશી ભાષામાં પણ રજૂ થશે અને રજૂ થવા પહેલાં જ તે 400 કરોડનો ધંધો કરી ચુકી છે. 7મી જાન્યુઆરી પછી લાંબો સમયઆ ફિલ્મની જ ચર્ચા રહે તો નવાઇ ન પામશો.