નવી દિલ્હી: આગામી મહિને તા. 10 ડિસેમ્બરે ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાની ટુર પર જઈ રહી છે. દ. આફ્રિકામાં ભારતીય ટીમ 2 ટેસ્ટ, 3 વન ડે અને 2 ટી-20 મેચની સિરિઝ રમશે. વન ડે અને ટેસ્ટ સિરિઝમાં રોહિત શર્મા કેપ્ટન તરીકે નક્કી જ છે, પરંતુ પસંદગીકારો સામે ટી-20 ફોર્મેટના નેતૃત્વનો પ્રશ્ન છે. રોહિત શર્મા ટી-20 વર્લ્ડકપ બાદથી ટી-20 મેચ રમ્યો નથી. ત્યારથી હાર્દિક પંડ્યા ટી-20 ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, પરંતુ હાલ હાર્દિક ઈન્જર્ડ છે. ત્યારે બીસીસીઆઈ ટી-20 ફોર્મેટનું નેતૃત્વ પણ રોહિત શર્મા સંભાળે તેમ ઈચ્છે છે. આ મામલે આજે બોર્ડ રોહિત શર્મા સાથે ચર્ચા કરશે. આજે આ અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
બીસીસીઆઇના સચીવ અને પસંદગી સમિતિના કન્વીનર જય શાહ આજે રાજધાની દિલ્હીમાં પેનલના અધ્યક્ષ અજીત અગરકરને ટીમોની ચર્ચા કરવા માટે મળશે. સાથે જ તેઓ રોહિતને આ ફોર્મેટમાં રમવા માટે તેમજ ટીમની સુકાન સંભાળવા માટે રાજી કરવાના પ્રયાસો પણ કરશે. પરંતુ આ મામલે રોહિતે પહેલાંથી જ જણાવી દીધું છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ટી-20 ફોર્મેટમાં રમવા માંગતો નથી. પરંતુ જે રીતે તેણે વનડે વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરી હતી. તેના પરથી બીસીસીઆઈને લાગે છે કે તેણે ટી20 વર્લ્ડ કપ સુધી રમવું જોઈએ. તેમજ ટી-20ના પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યાનું પદ પણ સંભાળવુ જોઇયે.
ગુરુવારની જાહેરાતમાં ટી20 અને ઓડીઆઇ સિરીઝમાં કયા ખેલાડીઓને રમવાની તક મળશે તે જાણવું રસપ્રદ રહેશે. કારણકે આ સિરીઝમાં કે.એલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યરની વાપસી થવાની સંભાવના છે. જેમાં કે.એલ રાહુલ વિકેટકીપીંગ સંભાળે તેવી સંભાવના છે. ઉપરાંત અય્યરની ટેસ્ટ ટીમમાં પસંદગી થઇ શકે છે. આ સાથે જ બુમરાહ ટીમમાં ફાસ્ટ બોલર તરીકે ભૂમિકા નિભાવતા જોવા મળશે.
આ ટુર્નામન્ટમાં ઋતુરાજ ગાયકવાડ, રિંકુસિંહ, યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓ પોતાનું સ્થાન બરકરાર રાખવામાં સમર્થ રહેશે કે નહી તે જાણવું પણ રસપ્રદ રહેશે. કારણકે ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટનું સંપૂર્ણ ધ્યાન ટેસ્ટ શ્રેણી માટે ખૂબ જ મજબુત ટીમ બનાવવા ઉપર છે.
કોહલીએ આ ટેસ્ટ સિરીઝમાં રમવાની ના પાડી ટુંક સમયનો બ્રેક લીધો છે. દરમિયાન રોહિત પણ જો રમવાની ના પાડશે તો ટીમને નુકશાન પણ થઇ શકે છે. ભારતે ક્રિકેટના આ ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકામાં હમણા સુધી કોઇ સિરીઝ જીતી નથી. તેમજ આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ ટેબલમાં ભારતનું નામ સુધારવા માટે પણ મદદરૂપ બનશે. માટે રોહિતને બીસીસીઆઇ મનાવવામાં સફળ થશે કે કેમ તે આજની ચર્ચા બાદ જ જાણી શકાશે.