Comments

રાહુલ કરતા વધુ સફળ થશે પ્રિયંકા?

રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક છોડી અને વાયનાડ બેઠક છોડી ત્યારથી લગભગ નક્કી હતું કે, પ્રિયંકા ગાંધી ત્યાંથી ચૂંટણી લડશે અને આખરે એણે વાયનાડથી ફોર્મ ભર્યું છે. ગાંધી પરિવારમાંથી વધુ એક સભ્યની એન્ટ્રી થઈ છે. આમ તો પ્રિયંકા ગાંધી ઘણા સમયથી રાજકારણમાં સક્રિય છે પણ ચૂંટણી લડવી એ જુદી બાબત છે. એ ચૂંટાશે એ નક્કી છે , જોવાનું એ છે કે, લોક્સભાના સભ્ય બન્યા બાદ પ્રિયંકા ગાંધીની મજલ કઈ રીતે આગળ વધે છે.

ફિરોઝ ગાંધીથી ગાંધી પરિવાર રાજકારણમાં છે. ઇન્દિરા ગાંધી , રાજીવ, સંજય , એમની પત્નીઓ અને એમનાં સંતાનો પણ રાજકારણમાં છે. એક પ્રિયંકાએ હજુ સુધી ચૂંટણી લડી નહોતી , હવે એ પણ લડી રહી છે. સાયકોલોજીમાં સ્નાતક થઇ રોબર્ટ વાઢેરા સાથે લગ્ન કરી ઠરીઠામ થનારી પ્રિયંકા ગાંધી રાજકારણમાં આવે એવી માગણી કોંગ્રેસમાં એકથી વધુ વાર થઇ છે  અને રાહુલ ગાંધીની શરૂઆતની સરિયામ નિષ્ફળતા બાદ તો એ માગણી બુલંદ બની હતી. પણ પ્રિયંકા ચૂંટણીથી દૂર રહી હતી. પછી એ યુપીમાં રાયબરેલી અને અમેઠી બેઠક માટે કામ કરતી થઇ. એટલી સીમિત ભૂમિકા હતી.

પણ ૨૦૨૦માં યુપીની કમાન પ્રિયંકાને સોંપવામાં આવી. ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસ કંઈ કરિશ્મો કરી બતાવશે એવી આશા હતી પણ એવું ના થયું. પ્રિયંકાએ લાડકી હું , લાડ શક્તિ હું …એવું સૂત્ર આપ્યું જે બહુ જાણીતું થયું હતું. એટલું જ નહિ પણ ૪૦ ટકા બહેનોને ટિકિટ પણ અપાઈ. પણ કોંગ્રેસ ૪૦૩ બેઠકોમાંથી માત્ર ૨ બેઠકો જ મેળવી શકી. ૨૦૧૯માં કોન્ગ્રેસના મહામંત્રી બન્યા બાદ એમના કેટલાક નિર્ણયો વિવાદ સર્જી ગયા. કહે છે કે, પંજાબમાં અમરીન્દ્ર સિંહને હટાવી ચન્નીને બાગડોર સોંપવી એ પ્રિયંકાનો નિર્ણય હતો પણ એ નિષ્ફળ ગયો. અમરિંદર બાગી બન્યા. અલગ પાર્ટી કરી , ભાજપ સાથે જોડાયા અને એનું નુકસાન કોંગ્રેસને થયું.

આપ સત્તા મેળવી ગયો. રાજસ્થાનમાં પણ અશોક ગેહલોત સામે સચિન પાયલોટે મોરચો માંડ્યો ત્યારે એમની સામે કોપી એક્શન ના લેવા એવો નિર્ણય પણ પ્રિયંકાનો હતો અને એ પણ ભૂલભરેલો હતો એમ માનનારા કોંગ્રેસમાં ઘણાં બધાં છે. પણ રાહુલ ગાંધી કરતાં પ્રિયંકા અલગ પડે છે. એક તો લોકોને એનામાં ઇન્દિરાજીની છાંટ નજરે પડે છે. એ પ્રિયંકાને મદદરૂપ છે. બીજું કે, રાહુલ ગાંધી મોદી અને ભાજપ – આર. એસ. એસ. પર તીખા પ્રહારો કરે છે પણ પ્રિયંકાની ભાષા સૌમ્ય છે. એ વાતને સારી રીતે લોકો સમક્ષ મૂકી શકે છે. એક મહિલા જ્યારે જાહેર જીવનમાં આવે ત્યારે એની પાસે કેટલીક અપેક્ષા રહે છે. પ્રિયંકા એ અપેક્ષાએ ખરી ઊતરે એવું લાગી રહ્યું છે.

રાહુલે વાયનાડ બેઠક છોડી એ પાછળનું ગણિત બહુ સ્પષ્ટ છે. એક તો યુપીમાં કોંગ્રેસનો દેખાવ સુધર્યો છે અને યુપીનું મહત્ત્વ શું છે એ બધા સમજે છે. એટલે રાહુલે રાયબરેલી બેઠક છોડી નથી. વાયનાડમાં પ્રિયંકાને મેદાનમાં ઉતારી એનાથી ત્યાંના મતદારોએ એમની સાથે દગો થયો છે એવી ભાવના નહિ થાય કારણ કે, ગાંધી પરિવારમાંથી જ પ્રિયંકા હવે લડી રહી છે અને આ રીતે કોંગ્રેસ દક્ષિણ સાથે પારિવારિક નાતો જાળવી રાખવા માગે છે.

કેરળ, કર્નાટક , તેલંગણામાં કોંગ્રેસ મજબૂત છે અને તામીલનાડુમાં ડીએમકે સાથે ગઠબંધનમાં છે. પ્રિયંકા વાયનાડથી લડે છે એમાં કોઈને નુકસાન હોય તો એ ડાબેરીઓને છે. હવે એ મહત્ત્વનું બનશે કે, પ્રિયંકા રાહુલને જે સરસાઈ મળી એનાથી વધુ માટે જીતે છે કે કેમ? રાહુલે કહ્યું છે, વાયનાડને બે પ્રતિનિધિ મળશે. પોતે તો છે જ , હવે પ્રિયંકા પણ મળશે. આ વાત સ્પર્શી જાય એવી છે.

જો કે, ભાજપ માટે પરિવારવાદનો મુદો્ ફરી મદદે આવશે અને એની શરૂઆત થઇ છે. કોંગ્રેસ પરિવારની પાર્ટી છે એવી વાતો પ્રચારમાં ફરી મુદો્ બનશે. પણ આ મુદો્ એટલો અસરકારક હવે રહ્યો નથી. કારણ કે, ભાજપમાં પણ પરિવારનાં સભ્યોને સ્થાન મળે છે. ભાજપમાં જેવું મોદીનું સ્થાન છે એવું કોંગ્રેસમાં રાહુલનું છે. ભારત જોડો અને ન્યાયયાત્રા બાદ રાહુલની ઈમેજમાં ઘણો બધો સુધારો થયો છે. હવે સવાલ માત્ર એ છે કે, પ્રિયંકા ચૂંટાશે એ તો નક્કી છે પણ આગળ ઉપર એ કોંગ્રેસને કેટલી મદદરૂપ બને છે, ભાઈ રાહુલથી આગળ નીકળી શકે છે કે કેમ એ મહત્ત્વનું છે.

જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો ક્યારે?
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી શાંતિપૂર્વક પૂરી થઈ અને એનસી – કોંગ્રેસની સરકાર રચાઈ છે. ઓમર અબ્દુલ્લાહ ફરી વાર મુખ્યમંત્રી બન્યા છે પણ આ રાજ્યને રાજ્યનો દરજ્જો ક્યારે મળશે એ સ્પષ્ટ નથી. આ રાજ્યમાંથી ક.૩૭૦ દૂર કરાયા બાદ રાજ્ય કેન્દ્રના તાબા હેઠળ છે એ એલજીને સત્તા અપાઈ છે. પણ હવે તો ચૂંટાયેલી સરકાર આવી ગઈ છે છતાં રાજ્યનો દરજ્જો ક્યારે મળશે એ વિષે કેન્દ્ર કોઈ વાત કરતું નથી. કેન્દ્રના કોઈ અધિકારીના હવાલે અહેવાલ આવ્યો છે એમાં એમ કહેવાયું છે કે, કેન્દ્ર સરકાર રાજ્યનો દરજ્જો આપવા મુદે્ કોઈ ઉતાવળ કરવા માગતી નથી. એ થોડો સમય રાહ જોવા માગે છે. ત્રણ છ મહિના પછી કોઈ નિર્ણય લેશે. અમિત શાહે પણ હમણાં કહેલું કે, યોગ્ય સમયે નિર્ણય થશે.

ભાજપે એકથી વધુ વાર વચન આપ્યું છે કે જમ્મુ કાશ્મીરને બહુ જલદી રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. ચૂંટણી પ્રચારમાં પણ આવા વાયદાઓ કરવામાં આવ્યા હતા પણ ભાજપને અહીં સત્તા મળી નથી એ પછી કેન્દ્ર સરકારનું મન જાણે બદલાયું છે. બીજું કે, ચૂંટણી પછી ખીણમાં હુમલા વધ્યા છે. ટાર્ગેટ કિલિંગના કિસ્સા વધ્યા છે. જમ્મુમાં હુમલા થવા લાગ્યા એ પણ પરેશાન કરનારી બાબત છે. ઓમર સરકાર રચાઈ અને પહેલી કેબીનેટ બેઠકમાં જ રાજ્યના દરજ્જા મુદે્ ઠરાવ થયો હતો. ઓમરે સ્પષ્ટ કર્યું છે કે એ કેન્દ્ર સરકાર સાથે કોઈ ઘર્ષણ ચાહતી નથી. એ ગૃહ મંત્રી અમિત શાહને પણ મળ્યા છે. નવી સરકાર સાથે એલજી કેવો વર્તાવ કરે છે એ પણ મહત્ત્વનું છે. દિલ્હી જેવું ખીણમાં ના બને એ જરૂરી છે. આ રાજ્ય વિકાસ ઝંખે છે અને એ માટે રાજ્યનો દરજ્જો જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સુમેળ પણ આવશ્યક છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top