Editorial

વસ્તી ઘટાડો સમય જતા ચીનને કફોડી હાલતમાં મૂકી દેશે?

વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનમાં હવે વસ્તી ઘટવાનો ટ્રેન્ડ શરૂ થઇ ગયો છે. છેલ્લા કેટલાયે વર્ષોથી તેનો વસ્તી વૃદ્ધિ દર ખૂબ ધીમો પડી ગયો હતો, પરંતુ ધીમા દરે પણ વસ્તી વધતી તો હતી જ, પરંતુ ૨૦૨૨ના વર્ષમાં ચીનની વસ્તીમાં વધારાને બદલે ઘટાડો નોંધાયો છે એમ ચીને હાલમાં જાહેર કર્યું છે. ચીને જાહેરાત કરી છે કે તેની વસ્તીમાં છ દાયકામાં પ્રથમ વખત વાર્ષિક ધોરણે ઘટાડો નોંધાયો છે. એક વર્ષમાં તેની વસ્તીમાં સાડા આઠ લાખ લોકોનો ઘટાડો નોંધાયો છે અને એવો અંદાજ છે કે ૨૧૦૦નું વર્ષ આવતા સુધીમાં ચીનની વસ્તી હાલમાં છે તેના કરતા અડધી થઇ જશે.

ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૨૨ના અંતે ચીનમાં ૨૦૨૧ના વર્ષ કરતા ૮પ૦૦૦૦ લોકો ઓછા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ચીન તેની વસ્તીમાં ફક્ત ચીનની મુખ્યભૂમિ પરની વસ્તીની જ ગણના કરે છે અને હોંગકોંગ તથા મકાઉને બાકાત રાખે છે જે તેના હસ્તકના સ્વાયત્ત પ્રદેશો છે જ્યારે ચીનમાં વસતા વિદેશીઓને પણ તે ગણતરીમાં સમાવતું નથી. ચીન લાંબો સમય સુધી વિશ્વનો સૈાથી વધુ વસ્તી ધરાવનાર દેશ રહ્યો છે પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં તેની કડક વસ્તી નિયંત્રણની નીતિ અને લોકોની બદલાયેલી માનસિકતાને કારણે તેનો જન્મદર ઘટી રહ્યો છે અને વસ્તી વૃદ્ધિ ધીમી પડતી જતી હતી જેમાં પ્રથમ વખત હવે વૃદ્ધિને બદલે ઘટાડો થયો છે.

ઘટતા જતા જન્મદરને કારણે ચીનમાં યુવાનોનું પ્રમાણ ઘટી રહ્યું છે અને વૃદ્ધોનું પ્રમાણ વધી રહ્યું છે જે આર્થિક-સામાજીક રીતે એક મોટી ચિંતાનો વિષય છે. યુવાનોની વસ્તી ઘટવાને કારણે ચીનમાં કામદારોની સંખ્યા ઘટી રહી છે અને જેમને અન્યોના ટેકાની જરૂર હોય તેવા વૃદ્ધોની વસ્તી વધી રહી છે. અનેક ક્ષેત્રોમાં જો કામ કરવા લાયક લોકોની સંખ્યા ઘટી જશે તો ચીન માટે મોટી મુશ્કેલી ઉભી થઇ શકે.ચીનની વસ્તીમાં ગત વર્ષે જે ઘટાડો નોંધાયો તેમાં કોવિડના રોગચાળાનો પણ ફાળો હોય તેવો અટકળો પણ થઇ રહી છે પરંતુ ચીનના વસ્તી ઘટાડામાં કોવિડના રોગચાળાને કારણે થયેલા મૃત્યુઓનો કોઇ ફાળો છે કે કેમ? તેની કોઇ ટિપ્પણી એનબીએસના અહેવાલમાં કરવામાં આવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીનમાં કોવિડના રોગચાળાના તાજેતરના મોજામાં મોટા પ્રમાણમાં લોકોનાં મૃત્યુઓ થયાના અનેક અહેવાલો ફરતા થયા હતા. જો કે તેના વસ્તી ઘટાડામાં કોવિડના રોગચાળાનો મોટો ફાળો હોય તેવું જણાતુ નથી. ચીનમાં હાલનો વસ્તી ઘટાડો પ્રથમ નથી. આ પહેલા ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં ચીનની વસ્તીમાં મોટો ઘટાડો નોંધાયો હતો, ૧૯૬૧માં નોંધાયેલા વસ્તી ઘટાડા માટેનુ કારણ ત્યાં પડેલો સખત દુકાળ હતો. તે દુકાળમાં લાખો લોકો મરી ગયા હતા અને તેથી ચીનની વસ્તીમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

માઓ ઝે ડોંગની ઉટપટાંગ કૃષિ નીતિને કારણે તે દુકાળ પડ્યો હતો એમ કહેવાય છે. તે વખતે દુકાળને કારણે વસ્તી ઘટાડો થયો હતો પરંતુ હાલનો વસ્તી ઘટાડો સ્પષ્ટપણે વસ્તી નિયંત્રણ માટેના સખત નિયમોને કારણે તથા અન્ય કારણોસર લોકોની બદલાયેલી માનસિકતાને કારણે જણાય છે, જે લોકો બાળકો જન્માવવાનું ટાળી રહ્યા છે. એક સમયે ચીન એક દંપતિ દીઠ એક બાળકની સખત નીતિ ધરાવતું હતું, વસ્તી વૃદ્ધિ દર ઘટવા માંડતા તેણે પછી બે બાળકોની અને પછી ત્રણ બાળકોની છૂટ આપી પરંતુ લોકોની માનસિકતા તો બદલાઇ જ નહીં. લોકોએ બાળકો જન્માવવાનું ટાળ્યે રાખ્યું અને ચીનની વસ્તી હવે વધારા પરથી ઘટાડા પર આવી ગઇ. લોકોને વધુ બાળકો જન્માવવા પ્રેરવા માટે ચીની સરકાર અનેક પ્રલોભનો આપી રહી છે જેમાં કરવેરામાં છૂટછાટ, લાંબી મેટરનીટી રજાઓ, હાઉસિંગ સબસીડી વગેરેનો સમાવેશ થાય છે. અરે! નાના બાળકો ધરાવતા દંપતિઓને વર્ક ફ્રોમ હોમની છૂટ આપવાની પણ વિચારણા થઇ રહી છે! ચીનને ભય છે કે વસ્તી ઘટાડો, ખાસ કરીને યુવા વસ્તીમાં ઘટાડો તેને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દેશે.

ચીનની ઘટતી વસ્તી એ ભારત માટે એક સાવચેતીના સૂર તરીકે ગણાવી જોઇએ એમ કહેતા નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વસ્તીને કાબૂમાં લેવા માટેના કોઇ પણ દમનાત્મક પગલાઓ નુકસાનકારક બની શકે છે. ચીનની સ્થિતિની ભારત સાથે સરખામણી કરતા નિષ્ણાતોએ કહ્યું છે કે ભારત અને તેના રાજ્યોએ ચીનના અનુભવ પરથી શીખવું જોઇએ. વસ્તી નિયંત્રણના કડક પગલાઓને કારણે આજે ચીની વસ્તી કટોકટીની મધ્યમાં આવીને ઉભું રહી ગયું છે. ભારતમાં આજે સિક્કીમ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, કેરળ, પુદુચેરી, પંજાબ, લડાખ, પશ્ચિમ બંગાળ અને લક્ષદ્વીપ પણ વૃદ્ધ થતી જતી વસ્તી અને ટૂંકા ગાળામાં કામદારોની તંગીની સમસ્યાઓનો અને લિંગ લક્ષી વ્યવહારોમાં વધારાનો સામનો કરી રહ્યા છે.

જો કે ભારતમાં વસ્તી હજી વધી રહી છે અને આ એપ્રિલ માસમાં ચીનને બાજુએ મૂકીને ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવનાર દેશ બની જશે એવો અંદાજ છે. આ સદીની મધ્ય એટલે કે ૨૦પ૦ સુધીમાં ભારતની વસ્તી ૧.૬૬ અબજ જેટલી થઇ જશે. ભારતમાં ઘણા રાજ્યોમાં વસ્તી વધારો હજી પણ સમસ્યાઓ સર્જી રહ્યો છે પરંતુ ચીનનો અનુભવ જોતા વસ્તી નિયંત્રણ માટેના આકરા નહીં પણ હળવા પગલાઓ અમલમાં મૂકવા જોઇએ એમ જણાય છે.

Most Popular

To Top