World

પાકિસ્તાને પણ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં કૂદવું પડશે? ગયા વર્ષે સાઉદી અરેબિયા સાથે કરેલો કરાર ગાળામાં બરાબર ફસાયો છે!

સાઉદી અરેબિયામાં એક નાનકડા ઈરાની આત્મઘાતી ડ્રોન દ્વારા કરવામાં આવેલો હુમલો પાકિસ્તાનને પણ મધ્ય-પૂર્વના યુદ્ધમાં ઉતરવા મજબૂર કરશે કે કેમ, એની ઉપર અત્યારે સહુની મીટ છે. સવાલ એ છે કે શું પાકિસ્તાન સપ્ટેમ્બર ૨૦૨૫માં સાઉદી અરેબિયા સાથે કરેલા કરારને અમલમાં મૂકશે, જેમાં બંનેમાંથી કોઈ એક પર હુમલો બંને પર હુમલો ગણાશે? પાકિસ્તાન માટે હવે નિર્ણાયક ક્ષણ આવી પહોંચી છે જે એનું હવે પછીનું ભવિષ્ય નક્કી કરશે. કારણ કે સાઉદી સાથેના સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ (SMDA)માં સંયુક્ત અને સંકલિત પ્રતિ હુમલાની જોગવાઈ છે – તેમાં ન્યુક્લિયર હથિયારોનો સમાવેશ થાય છે કે નહીં તેની સ્પષ્ટ વ્યાખ્યા નથી.
આ તરફ પાકિસ્તાનના મનમાં શું છે તેનો એક રફ ખ્યાલ તેના વિદેશ મંત્રી ઈશાક દારના ઈરાની વિદેશ મંત્રીને મોકલેલા સંદેશમાંથી મળી શકે છે, જેમાં તેમણે સાઉદી અરેબિયા પર હુમલો ન કરવા માટે ચેતવણી આપી હતી.”મેં તેમને (ઈરાનને) સમજાવ્યું કે સાઉદીનું અમારી સાથે ડિફેન્સ એગ્રીમેન્ટ છે.”

SMDAનો સૌથી વિવાદાસ્પદ ભાગ એ છે કે આ કરારથી પાકિસ્તાન સાઉદી અરેબિયાને પોતાનું ન્યુક્લિયર સંરક્ષણ આપી શકે છે. એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બર ૨૦૨૫માં ઈઝરાયેલ દ્વારા દોહા અને કતાર પર હવાઈ હુમલા કર્યા બાદ અમેરિકાની ગલ્ફને સુરક્ષિત રાખવાની ક્ષમતા પર સંદેહ ઉભો થયો, ત્યારબાદ રિયાધ વધુ રક્ષણ માટે ભાગીદારો શોધવા લાગ્યું. એ વખતે પાકિસ્તાનને એમાં તક દેખાઈ હતી. જો કે હાલનું ચિત્ર પાકિસ્તાનની ધારણા કરતા વિપરીત છે. વિશ્લેષકો માને છે કે પાકિસ્તાન મધ્ય પૂર્વના યુદ્ધમાં ભાગ લેશે નહીં.

હાલમાં પાકિસ્તાની વિદેશ મંત્રીએ માત્ર ચેતવણી આપી છે. તેમણે એવું સ્પષ્ટ કર્યું નથી કે તેમનો દેશ સાઉદી અરેબિયા માટે લડશે. પાકિસ્તાન હમણાં અફઘાનિસ્તાન મોરચે પહેલેથી જ લડી રહ્યું છે. વળી ખામેનાઈના મોત બાદ પાકિસ્તાની પ્રજામાં ઇઝરાયેલ-અમેરિકા વિરુદ્ધની લાગણીઓ બળવત્તર બની છે. તેઓ આ દેશોને મુસ્લિમ વિરોધી તરીકે જોતા થયા છે. ખુદ સાઉદી અરેબિયા સામે પણ અમેરિકાનો સાથ આપવા બદલ વિરોધ છે. આમ આર્થિક દ્રષ્ટિએ કે જીઓપોલિટિકલ સમીકરણોની દ્રષ્ટિએ પાકિસ્તાન માટે SMDA કરારનું પાલન અતિશય દુષ્કર બની રહેવાનું છે.

Most Popular

To Top