Columns

વિપક્ષી એકતાનો સંઘ ૨૦૨૪માં કાશીએ પહોંચશે ખરો?

ભારતમાં જ્યારે જ્યારે લોકસભાની ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે ત્યારે વિપક્ષી એકતાનું ભૂત ધૂણવા લાગે છે અને જ્યારે ચૂંટણી પતી જાય ત્યારે જઈને કબરમાં પોઢી જાય છે. હમણાં હમણાં કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ હોવાથી રાહુલ ગાંધી ઉપડ્યા ઉપડતા નથી. તેમાં પણ તેઓ અમેરિકા જઈ આવ્યા અને વ્હાઇટ હાઉસના ડેલે હાથ દઈ આવ્યા તે પછી તેમને ૨૦૨૪માં વડા પ્રધાનની ખુરશીને પરણવાનાં સપનાં આવી રહ્યાં છે.

હમણાં પટનામાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારના નિમંત્રણથી કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓ ભેગા થયા હતા. તેમની સૌથી મોટી ઉપલબ્ધિ એ હતી કે તેમણે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જો કે આ બેઠકમાં આમ આદમી પાર્ટીની નારાજગી વ્યક્ત થયા વિના રહી નહોતી. જો માત્ર આંકડાની વાત કરીએ અને દેશનાં દરેક રાજ્યોમાં વિપક્ષો સંગઠિત થઈને ભાજપ સામે એક બેઠક પર એક જ ઉમેદવાર ઊભો રાખે તો સૈદ્ધાંતિક રીતે ભાજપને હરાવી શકાય તેમ છે. તેનું લોજિક બહુ સિમ્પલ છે કે ભાજપ માત્ર ૩૫ ટકા મતોથી આખા ભારત પર શાસન કરતો આવ્યો છે, કારણ કે બાકીના ૬૫ ટકા મતો બાકીના પક્ષો વચ્ચે વહેંચાઈ જાય છે.

જો તે ૬૫ ટકા મતદારોને એક જ વિકલ્પ આપવામાં આવે તો ભાજપને હરાવી શકાય તેમ છે; પણ તે કામ કાગળ ઉપર દેખાય છે તેટલું આસાન નથી. પટનામાં જે વિપક્ષો એક છત તળે આવ્યા હતા તેઓ પોતપોતાનાં રાજ્યોમાં એકબીજા સામે લડી રહ્યા છે. મોટા ભાગનાં રાજ્યોમાં કોંગ્રેસ જ સ્થાનિક પક્ષો સામે લડી રહી છે. તેમને મતભેદો ભૂલીને સંગઠિત કરવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે. આ કામ સિદ્ધ કરી શકાય તો પણ છેવટે વિપક્ષના વડા પ્રધાનપદના ઉમેદવાર કોણ? તે કાળમુખો સવાલ આવીને ઊભો રહેશે. તેમાં ઓછામાં ઓછા અડધો ડઝન મૂરતિયાઓ એકબીજાનું પત્તું કાપવા તત્પર છે. કોંગ્રેસને સાથે રાખ્યા વગર વિપક્ષી એકતા ધારદાર બની શકે તેમ નથી; પણ કોંગ્રેસને સાથે રાખવા માટે રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારવું પડે, જેના માટે વિપક્ષો તૈયાર નથી.

આ પહેલી વાર નથી જ્યારે ચૂંટણી પહેલાં શાસક પક્ષ અથવા શાસક ગઠબંધનનો સામનો કરવા માટે મહાગઠબંધન અથવા સંયુક્ત વિપક્ષની વાતો કરવામાં આવી રહી છે. કટોકટી પછી ૧૯૭૭ માં સંપૂર્ણ વિપક્ષી એકતા હાંસલ કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસને હરાવવા માટે ઘણા નાના પક્ષોએ જનતા પાર્ટીની રચના કરવા માટે વિલીનીકરણ કર્યું હતું. આ ગઠબંધન શંભુમેળા જેવું પુરવાર થયું હતું અને પોતાના જ ભારથી પાંચ વર્ષ પૂરાં કરતાં પહેલાં તૂટી પડ્યું હતું. ૧૯૯૬માં પી.વી. નરસિંહા રાવનો વડા પ્રધાન તરીકેનો કાર્યકાળ પૂરો થયો ત્યારે ભાજપ ૧૬૧ બેઠકો જીતીને એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી અને તેણે શિવસેના, સમતા પાર્ટી અને હરિયાણા વિકાસ પાર્ટી સાથે જોડાણ કરીને સરકાર બનાવી હતી, પણ તે સરકાર ૧૩ જ દિવસમાં ભાંગી પડી હતી.

ફરીથી ૨૦૦૩માં તત્કાલીન પ્રમુખ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીઓ માટે વ્યાપક ભાજપવિરોધી ગઠબંધનનો સફળ પ્રયોગ કર્યો હતો. તે પ્રયોગ સફળ થયો હતો, કારણ કે તેમાં કેન્દ્રસ્થાને કોંગ્રેસ હતી. ૨૦૧૯ની ચૂંટણીમાં પણ મુખ્ય વિપક્ષી પાર્ટીઓ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક અને તમિલનાડુ જેવાં રાજ્યોમાં એક સાથે આવી હતી, પણ તેઓ ભાજપના વિજયરથને રોકી શક્યા નહોતા. આપણા દેશમાં કેન્દ્રમાં ભાજપ અથવા કોંગ્રેસને મધ્યમાં રાખ્યા વિના કોઈ પણ ગઠબંધન સફળ થયું નથી અને સફળ થાય તેવી કોઈ સંભાવના પણ નથી.

વિપક્ષોની પટના બેઠકમાં ૧૫ રાજકીય પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. તેમાં જનતા દળ (યુનાઇટેડ), કોંગ્રેસ, આપ, રાષ્ટ્રીય જનતા દળ, શિવસેના (યુબીટી), નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી), સમાજવાદી પાર્ટી, દ્રવિડ મુનેત્ર કળગમ (ડીએમકે), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ), સીપીઆઈ (માર્ક્સવાદી), નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP), ઝારખંડ મુક્તિ મોરચા (JMM), CPI (માર્કસવાદી લેનિનિસ્ટ) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) નો સમાવેશ થાય છે. હાલમાં લોકસભાની કુલ સંખ્યા ૫૪૩ છે.

૨૦૧૯ ની સામાન્ય ચૂંટણીનાં પરિણામો મુજબ ભાજપ પાસે પોતાની તાકાત પર ગૃહમાં ૩૦૩ સાંસદો છે. ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) પાસે ૩૫૩ સાંસદો છે. કોંગ્રેસ પાસે ૫૨ સાંસદો છે, જ્યારે યુપીએ પાસે કુલ ૯૧ સાંસદો છે. પટના બેઠકમાં હાજર રહેલા ૧૫ વિપક્ષોના મળીને કુલ ૧૩૬ સાંસદો છે. જો મતોની ટકાવારીના હિસાબે જોવામાં આવે તો વિપક્ષો ભાજપની બહુ નજીક છે. જો ૨૦૨૪માં વિપક્ષો સંપ કરી શકે તો બેઠકોની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ શકે છે.

વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર ૩૭.૩૬ ટકા હતો. જ્યારે શાસક એનડીએ ગઠબંધનનો વોટશેર ૩૮.૪ ટકા હતો. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનાં પરિણામો અનુસાર પટનામાં હાજર રહેલાં ૧૫ વિપક્ષી દળો પાસે ૩૭.૯૯ ટકા વોટ શેર છે. તેમાં એ વાતની ખાસ નોંધ લેવી પડે કે ૨૦૧૯માં નીતીશકુમારનો પક્ષ અને શિવસેના ભાજપની સાથે રહીને ચૂંટણી લડ્યા હતા, માટે તેમના મતોનો સમાવેશ એનડીએના વોટ શેરમાં કરવામાં આવ્યો છે. અત્યારે નીતીશકુમારના પક્ષ ઉપરાંત શિવસેનાનું ઉદ્ધવ ઠાકરે જૂથ ભાજપથી અલગ પડી ગયું છે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ ૪૮ બેઠકો છે, જેમાંની ૪૩ ભાજપ તથા તેના સાથી પક્ષો પાસે છે. ભાજપે એકનાથ શિંદેને આગળ કરીને ઉદ્ધવ ઠાકરેને ઉથલાવી પાડ્યા તેને કારણે મહારાષ્ટ્રના મતદારો ભાજપથી સખત નારાજ છે. તેમના માટે આ મરાઠી અસ્મિતાનો મુદ્દો બની ગયો છે. મહારાષ્ટ્રમાં આજે ભાજપને ૪૮ પૈકી ૮ બેઠકો પણ માંડ મળે તેમ છે.

તેને જે ૩૫ બેઠકોનું નુકસાન જશે તેનું સાટું બીજા કોઈ રાજ્યમાં વાળી શકાય તેમ નથી. મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટક ભાજપ માટે માથાના દુખાવા જેવું પુરવાર થવાનું છે. વર્ષ ૨૦૧૯માં ભાજપને કર્ણાટકની ૨૮ પૈકી ૨૫ બેઠકો મળી હતી. જો હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીને પ્રમાણ માનવામાં આવે તો હવે કર્ણાટકમાં ભાજપને ૨૮ પૈકી ૮ બેઠકો પણ મળે તેમ નથી. વર્ષ ૨૦૨૪માં આ બે રાજ્યોમાં જ ભાજપને સખત માર પડવાની સંભાવના છે. મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર જેવાં રાજ્યોમાં વિપક્ષ પહેલેથી જ એક થઈ ગયો છે. આ રાજ્યો કુલ ૧૪૮ સાંસદોને લોકસભામાં મોકલે છે. તામિલનાડુ, કેરળ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યોમાં તો ભાજપને સમ ખાવા પૂરતી બેઠકો પણ મળતી નથી.

જો સમગ્ર ભારતનું ચિત્ર જોઈએ તો પ્રાદેશિક પક્ષો ૧૮૦ બેઠકો પર મજબૂત છે તો કોંગ્રેસ આશરે ૨૩૦ બેઠકો પર જીતી શકે તેમ છે. આ ૨૩૦ બેઠકો પર કોંગ્રેસનો મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપ નથી પણ પ્રાદેશિક પક્ષો છે. કર્ણાટકમાં કોંગ્રેસનો મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપ નહોતો પણ જેડી (એસ) હતો. જેડી (એસ) ના નોંધપાત્ર મતો કોંગ્રેસ તરફ વળ્યા હતા. ભાજપના વોટશેરમાં જરા જેટલો પણ ઘટાડો નહોતો થયો તો પણ તેના બૂરા હાલ થયા હતા. જો ૨૦૨૪ની ચૂંટણીમાં કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષો સંપીને ભાજપ સામે સંયુક્ત ઉમેદવારો ઊભા રાખે તો ૨૩૦+૧૮૦ બેઠકો પર ચમત્કાર થઈ શકે છે. જો કે તે માટે વિપક્ષ પાસે ચાણક્યની જરૂર છે. જે કોઈ વિપક્ષી નેતા આ કામ કરી શકે તે ભારતનો વડા પ્રધાન બની જશે. આ કામ કરી શકે તેવો કોઈ ચાણક્ય હાલ તો દેખાતો નથી.

Most Popular

To Top