SURAT

શું 23મી જાન્યુઆરીથી સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ થશે?, લેટેસ્ટ અપડેટ જાણો…

સુરતનાં ખજોદ ખાતે ડ્રીમ સિટીમાં 3600 કરોડનાં જંગી ખર્ચે નિર્માણ કરવામાં આવેલા સુરત ડાયમંડ બુર્સમાં ત્રીજી વખતનાં અનૌપચારિક ઉદ્ઘાટન કરવા માટે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી તારીખ 23મી જાન્યુઆરી-2026 એટલે કે વસંત પંચમીનો દિવસ નિશ્ચિત કર્યો હતો.

વસંત પંચમી આડે હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે શનિવારે રાત્રે હર્ષ સંઘવીએ સુરતનાં કેટલાક દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ અને વેપારીઓને મીટિંગ માટે તેડાવ્યાં હતાં અને તારીખ 23મી જાન્યુઆરીએ ઉદ્યોગપતિઓ અચૂક પણે સુરત ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસો શરૂ કરીને ત્યાંથી જ હીરાનો વેપાર કરે તેવો આગ્રહ કર્યો હતો.

શનિવારની મીટિંગ પછી સોમવારે જ્યારે મહિધરપુરા હીરાબજારમાં કામ કરી રહેલા નાના વેપારીઓ તેમજ હીરા દલાલો તથા કારખાનેદારોને જ્યારે હર્ષ સંઘવી એ કરેલાં દબાણની વાત કરવામાં આવી ત્યારે મોટાભાગનાં લોકોએ હાલમાં મંદીનાં સમયમાં કોઈપણ સંજોગોમાં સુરત ડાયમંડ બુર્સની ઓફિસમાં શિફ્ટ થઈ શકાય નહીં તેવી સ્પષ્ટ વાત વ્યક્ત કરી હતી.

મહિધરપુરા હીરા બજારમાં કામ કરતા અનેક નાના-મોટા વેપારીઓ તથા દલાલોએ સુરત ડાયમંડ બુર્સમાં કોઈપણ રીતે હાલ તુરંત તો જઈ શકાય જ નહીં અને જવું હોય તો મીનીબજાર અને મહિધરપુરા હીરા બજાર સંપૂર્ણ પણે બંધ થાય પછી જ સુરત ડાયમંડ શિફ્ટ થવાની વાત કરી અને સમગ્ર મામલાનો છેદ જ ઉડાડી દીધો હતો.

શનિવારે રાત્રે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવેલી મીટિંગ દરમિયાન વ્હાઇટ ડાયમંડનો વેપાર કરતાં ઉદ્યોગપતિઓએ સિફતપૂર્વક એવી જાહેરાત કરી દીધી હતી કે તારીખ 23મી જાન્યુઆરીને વસંત પંચમીએ સુરત ડાયમંડ બુર્સમાં મુહૂર્ત તો કરી દેવાશે જ પણ આગામી તારીખ 18 મી ફેબ્રુઆરીને બેસતા મહિને બીજા વ્હાઈટ ડાયમંડનો વેપાર કરતાં ઉદ્યોગપતિઓ સુરત ડાયમંડ બુર્સમાં કામકાજ શરૂ કરશે.

વ્હાઈટ ડાયમંડનાં ઉદ્યોગપતિઓએ ઓન કેમેરા કરેલી તારીખ 18 મી ફેબ્રુઆરીની વાતનો વિડીયો સુરતનાં હીરા બજારનાં સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાઇરલ થયો હતો અને લોકોએ એવી વાત ફેલાવવા માંડી હતી કે હવે સુરત ડાયમંડ બુર્સમાં 18મી ફેબ્રુઆરી-2026૬ એટલે કે બેસતા મહિનાનાં દિવસથી ઓફિસો શરૂ કરવી. પરિણામે સુરત ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક હીરા ઉદ્યોગપતિઓમાં ત્રીજા ઓપનિંગની તારીખ અંગે ભારે ગૂંચવાડાભરી સ્થિતિ સર્જાવા પામી છે.

Most Popular

To Top