આ દુનિયામાં કેટલાક લોકોને ભવિષ્યનું જ્ઞાન હોય છે તો કેટલાક લોકો ગપ્પેબાજ હોય છે. મહાભારતમાં સહદેવની વાત આવે છે, જેને ભવિષ્યકાળનું જ્ઞાન હતું, પણ સાથે શરત હતી કે કોઈ પૂછે તો જ જવાબ આપવો. બાપડો સહદેવ બહુ દુ:ખી હતો, કારણ કે તેને મહાભારતના યુદ્ધમાં થનારા વિનાશની જાણ હતી. સદીઓ પહેલાં નોસ્ટ્રાડામસ નામનો ભવિષ્યવેતા થઈ ગયો, જેણે કરેલી ભવિષ્યવાણીઓ આજે પણ સાચી પડે છે.
જોકે તેમાં રાઇડર એવી છે કે આ ભવિષ્યવાણીઓ એવી જટિલ અને ગૂઢ ભાષામાં કરવામાં આવી છે કે જેને જે અર્થો કરવા હોય તે કરવાની મજા પડી જાય છે. નજીકના ભૂતકાળમાં બાબા વેંગા નામના ભવિષ્યવેતા થઈ ગયા, જે હકીકતમાં એક આંધળી મહિલા હતી. તેની પણ કેટલીક ભવિષ્યવાણીઓ સાચી પડતી જણાય છે. આજકાલ જાપાનમાં નવા બાબા વેંગા પેદા થયા છે, જેમણે આગામી પાંચમી જુલાઈએ જાપાનમાં ભારે સુનામીથી વિનાશ વેરાવાની ભવિષ્યવાણી કરી છે. આ ભવિષ્યવાણી સાચી કે ખોટી પુરવાર થાય તે માટે આપણે બહુ રાહ જોવી નહીં પડે, કારણ કે પાંચમી જુલાઈ બહુ જ નજીક છે.
આ આગાહી એક લોકપ્રિય માંગા કલાકાર દ્વારા કરવામાં આવી છે. માંગા કલાકાર ર્યો તાત્સુકીને જાપાનનો નવો બાબા વેંગા કહેવામાં આવી રહ્યો છે. ર્યો તાત્સુકી ફક્ત એક માંગા કલાકાર નથી. તેઓ પોતાની કલાને સપનાં પર આધારિત આગાહીઓ સાથે જોડે છે. આ આગાહી તેમના ૨૦૨૧ ના ‘મંગા ધ ફ્યુચર આઈ સો’ નામનાં પુસ્તકમાં પ્રકાશિત થઈ છે. આ આગાહી મુજબ આવતા મહિને જાપાનમાં કયામતનો દિવસ આવી શકે છે. ઘણા લોકો તેમની આગાહીથી ડરી ગયા છે. આ કારણે તેઓ જાપાન જતી તેમની ફ્લાઇટો કેન્સલ કરી રહ્યા છે.
ર્યો તાત્સુકીની આગાહી જાપાનના અર્થતંત્ર પર પણ અસર કરી રહી છે. જે લોકોએ જુલાઈ મહિનામાં જાપાનની મુસાફરી કરવાની યોજના બનાવી છે તેઓ તેમની ફ્લાઇટો અને હોટેલ બુકિંગ રદ કરી રહ્યા છે. જાપાનની ૮૦ ટકા ફ્લાઇટ બુકિંગ રદ કરવામાં આવી છે. હોટેલ બુકિંગમાં પણ ૫૦ ટકાથી વધુ ઘટાડો થયો છે. ચીન, થાઇલેન્ડ અને વિયેતનામથી મુસાફરી બુકિંગમાં ૮૩% ઘટાડો થયો છે. લોકો ડરી ગયા છે કારણ કે જાપાનના બાબા વેંગાની અગાઉની ઘણી આગાહીઓ સાચી પડી છે.
ર્યો તાત્સુકીએ ભૂતકાળમાં ઘણી મોટી ઘટનાઓની આગાહી કરી છે. તેમણે આગાહી કરી હતી કે માર્ચ ૨૦૧૧ માં જાપાનમાં ભૂકંપ અને સુનામી આવશે. તે સમયે જાપાનમાં એક વિશાળ સુનામી આવી હતી. આ ઉપરાંત તેમણે પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ, ફ્રેડી મર્ક્યુરીના મૃત્યુ અને કોરોનાના રોગચાળાની પણ સચોટ આગાહી કરી હતી. તેમનો દાવો છે કે કોરોનાનું એક નવું અને ખતરનાક સ્વરૂપ ૨૦૩૦ માં પાછું આવશે. તેમની જાપાનવિષયક આગાહીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. લાખો લોકો આ તારીખ વિશે ચિંતિત છે અને આ વિષય પર સતત પોસ્ટ અને વીડિયો શેર કરી રહ્યા છે.
લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ આપત્તિ સુનામી અથવા ભૂકંપ હોઈ શકે છે, જેનાં મૂળ જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચે સમુદ્રની નીચે એક તિરાડમાં હોઈ શકે છે. જાપાની વહીવટીતંત્રે આ આગાહીઓને સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી છે. મિયાગી પ્રીફેક્ચરના ગવર્નર યોશીહિરો મુરાઈએ કહ્યું કે જો સોશિયલ મીડિયા પર આવી અવૈજ્ઞાનિક અફવાઓ પર્યટનને અસર કરે તો તે એક ગંભીર સમસ્યા બની શકે છે. ડરવાની કોઈ જરૂર નથી, જાપાની નાગરિકો દેશ છોડીને જઈ રહ્યા નથી. હું લોકોને અફવાઓને અવગણવાની અને જાપાન આવવાની અપીલ કરું છું. જોકે ગભરાયેલા પર્યટકો તેમની વાત માનવા પણ તૈયાર નથી.
બલ્ગેરિયાના અંધ પયગંબર બાબા વેંગાની મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. બાબા વેંગા હકીકતમાં મહિલા હતાં. તેમનો જન્મ ૧૯૧૧માં થયો હતો અને ૧૯૯૬માં ૮૬ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તેમના મૃત્યુ પહેલાં બાબા વેંગાએ વર્ષ ૫૦૭૯ સુધીની આગાહીઓ કરી હતી. બાબા વેંગાએ સોવિયેત યુનિયનનું વિઘટન, અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદા દ્વારા ૯/૧૧ના હુમલા સહિત ઘણી આગાહીઓ કરી હતી, જે સંપૂર્ણપણે સાચી સાબિત થઈ છે. આ કારણે તેમને બાલ્કન ક્ષેત્રના નોસ્ટ્રાડેમસ કહેવામાં આવે છે. નોસ્ટ્રાડેમસ એક ફ્રેન્ચ જ્યોતિષી હતા, જે તેમની સચોટ આગાહીઓ માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે. આ બંને પયગંબરોએ ૨૦૨૫ માં ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆતની આગાહી કરી છે. બાબા વેંગાએ આગાહી કરી હતી કે ૨૦૨૫ માં યુરોપમાં એક સંઘર્ષ થશે, જે વિશ્વના અંતની શરૂઆત કરશે. આ સંઘર્ષ ખંડની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો કરશે.
તેમણે એવી પણ આગાહી કરી હતી કે ૨૦૨૫ માં એવી ભયંકર ઘટનાઓ બનશે જે માનવતાના અંત તરફ દોરી જશે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પછી લોકોના મનમાં ભય પેદા થયો છે કે બાબા વેંગાની આગાહી સાચી પુરવાર થઈ રહી છે. દુનિયા પર ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં ગંભીર પરિસ્થિતિ ઊભી કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ સમયે દુનિયા લાંબા યુદ્ધના ભયથી ઘેરાયેલી છે. આ ભય વચ્ચે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું બાબા વેંગાની આગાહી સાચી પડી રહી છે?
નોસ્ટ્રાડેમસ અને બાબા વેંગાની જેમ સિમ્પસન નામની કાર્ટૂન પટ્ટીમાં કરવામાં આવેલી આગાહીઓ આશ્ચર્યજનક ઢબે સાચી પુરવાર થઈ રહી છે, જેને કારણે લોકો સિમ્પસનને પણ ભવિષ્યવેતા તરીકે ઓળખવા લાગ્યા છે. જાણીને નવાઈ લાગશે કે સિમ્પસન નામના આ કાર્ટૂનોમાં જે કંઈ પણ બતાવવામાં આવ્યું છે તે થોડાં વર્ષો પછી સાચું પડે છે. આ કાર્ટૂન ફિલ્મમાં સિમ્પસનનો એક પરિવાર છે. તેઓ કાલ્પનિક પાત્રો છે. તેમાં પરિણીત યુગલ હોમર-માર્જ અને ત્રણ બાળકો બાર્ટ, લિસા અને મેગીનો સમાવેશ થાય છે.
સિમ્પસનના જૂના એપિસોડમાં કોરોના, ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકાના રાષ્ટ્રપતિ બનવું, યુક્રેન યુદ્ધ, રાણી એલિઝાબેથનું મૃત્યુ, એલોન મસ્કનું ટ્વિટરના માલિક બનવું અને ટાઇટનનું ડૂબવું, આવા બધા પ્રસંગો બતાવવામાં આવ્યા છે. આ કાર્ટૂન શોમાં ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને કેપિટોલ હિલ હિંસા અને નોબેલ પુરસ્કાર વિજેતાઓનાં નામોની ૧૦ થી ૧૫ વર્ષ અગાઉ આગાહી કરવામાં આવી હતી. સિમ્પસનની ૧૯૯૬ની ફિલ્મ ધ ડે ધ વાયોલન્સ ડાઈડ માં કેપિટોલ હિલ ખાતેની ઘટનાઓ સાથે સામ્ય ધરાવતાં દૃશ્યો દર્શાવવામાં આવ્યાં હતાં. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા જો બિડેનને રાષ્ટ્રપતિના પદ પરથી હટાવીને સત્તાવાર રીતે ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિપદ પર બેસાડવા માટે કેપિટોલ હિલ બિલ્ડિંગ પર હુમલો કરવામાં આવ્યો હતો. સિમ્પસનમાં દર્શાવવામાં આવેલી ૨૫થી વધુ આગાહીઓ સાચી પડી છે.
હવે વર્ષ ૨૦૨૩ માં સિમ્પસનનો જે એપિસોડ હિટ બન્યો તે દરિયાના પેટાળમાં ડૂબેલું ટાઇટન જહાજ જોવા માટે ગયેલી સબમરીન ડૂબવાનો છે. આ વિડીયો ૨૦૦૬ ના એપિસોડનો હોવાનું કહેવાય છે. તેમાં બતાવવામાં આવ્યું હતું કે શ્રીમંત લોકો સબમરીનમાં સમુદ્રમાં મુસાફરી કરવા ગયા હતા. તેમને ખજાનાથી ભરેલા જહાજનો ટુકડો મળ્યો. તેને જોવાનો પ્રયાસ કરતી વખતે સબમરીન ફસાઈ ગઈ. આ વિડીયોમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું હતું કે સબમરીનમાં ઓક્સિજનનું સ્તર ઓછું હતું. થોડા મહિના પહેલા કંઈક આવું જ બન્યું હતું. જો કે, તે વિડીયોમાં એક માણસ બચી ગયો હતો, પરંતુ વાસ્તવિક જીવનમાં પાંચેય લોકોએ જીવ ગુમાવ્યો હતો.
૨૦૧૦ માં સિમ્પસનના ૨૨મી સીઝનના પહેલા એપિસોડમાં કેટલાંક બાળકો અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હશે તે અંગે શરત લગાવી રહ્યા છે. એક પાત્ર હાથમાં કાગળનો ટુકડો પકડીને ઊભેલો જોવા મળે છે, જેના પર બેંગટ હોલ્મસ્ટ્રોમનું નામ લખેલું હતું. હકીકતમાં બેંગટ હોલ્મસ્ટ્રોમને ૨૦૧૬ માં અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. વર્ષ ૨૦૦૦ માં સિમ્પસનની સીઝન ૧૧ ના એપિસોડ ૧૭ માં બતાવવામાં આવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ એક પાગલ માણસ બની ગયા છે અને તેમનું નામ ટ્રમ્પ છે. આ પાગલ માણસ દુનિયાને મહાયુદ્ધ તરફ લઈ જશે તેવી ભવિષ્યવાણી પણ સિમ્પસન દ્વારા કરવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ આ ભવિષ્યવાણીઓને સાચી પુરવાર કરવાની દિશામાં પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યા છે.