નેપાળની શેર બહાદુર દેઉબા સરકારે અમેરિકા સાથેના સૈન્ય અને સુરક્ષા સંબંધિત કાર્યક્રમ સ્ટેટ પાર્ટનરશીપ પ્રોગ્રામ (એસપીપી)માં આગળ નહીં વધવાનો નિર્ણય જાહેર કર્યો છે. નેપાળે આ નિર્ણય ચીનની નારાજગીથી બચવા કર્યો હોવાનું મનાય છે કેમ કે અમેરિકાના કોઈ પણ સૈન્ય કાર્યક્રમને ચીનવિરોધી ગઠબંધન તરીકે જોવામાં આવે એવી પ્રબળ શક્યતા છે. તાજેતરમાં જ મળેલી જી-૭ સમિટમાં, અમેરિકન પ્રમુખ જો બિડેને ૬૦૦ બિલિયન ડોલરના આંતરરાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જાહેરાત કરી હતી જેને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. ચીન પર સકંજો કસવા અમેરિકા એશિયા-પેસિફિક ક્ષેત્રમાં તેનો પ્રભાવ વધારવા માંગે છે અને એશિયા-પેસિફિક દેશો સાથે સુરક્ષા સમજૂતી કરી આ ક્ષેત્રમાં પોતાનું સૈન્ય પકડ મજબૂત કરવા ઈચ્છે છે. નેપાળ સાથે એસપીપી સહયોગ અમેરિકાની આ યોજનાનો જ એક હિસ્સો હતો.
નેપાળના આ કાર્યક્રમમાં ન જોડાવાનું મોટું કારણ નેપાળી પ્રજાનું આના પ્રત્યેનું વલણ છે. અમેરિકાની નેપાળને આ ‘બિનશરતી સહાય’ને મોટા ભાગના નેપાળીઓ લોકોની આજીવિકા સુધારવા માટેના વ્યવહારુ લાભને બદલે ભૂરાજકીય લાભ તરીકે વધુ જુએ છે. નેપાળની પ્રજામાં વિદેશી સૈન્ય કાર્યક્રમનો વિરોધ જોવા મળી રહ્યો છે. આવી યોજનાને આગળ ધપાવવાથી નવેમ્બરમાં આવનારી ચૂંટણીમાં સત્તા પક્ષને નુકસાન થવાની શક્યતા છે. તેથી હાલ તો નેપાળના રાજકારણીઓ સામાન્ય જનતાની લાગણીઓને ભડાકાવવાના મૂડમાં નથી, પરંતુ ચૂંટણી પછી આ અંગેની વાટાઘાટો આગળ વધે તો નવાઈ પામવા જેવું નહીં હોય.
અમેરિકન પ્રચાર માધ્યમોનું એવું માનવું છે કે નેપાળ સરકારે આ કરારમાં આગળ ન વધવાના નિર્ણયની જાહેરાત કર્યા પછી પણ અમેરિકાએ નેપાળ સાથેના આ પ્રોગ્રામને આગળ ધપાવવાના પ્રયાસો છોડ્યા નથી. નેપાળ સરકારે જનતાની જબરજસ્ત પ્રતિક્રિયાના દબાણ હેઠળ ૨૦ જૂને જાહેરાત કરી કે તે એસપીપી પર આગળ વધશે નહીં, કારણ કે આ યોજના દેશને નુકસાન પહોંચાડી શકે છે. જો કે એક શંકા એવી પણ છે કે આ સોદો રદ કરવામાં આવ્યો નથી કારણ કે કેટલાંક રાજકીય દળો હજુ પણ ગુપ્ત રીતે તેને પ્રોત્સાહન આપી રહ્યાં છે.
તાજેતરમાં જ નેપાળના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હજુ સુધી નેપાળે એસપીપીમાં ભાગ ન લેવાના સરકારના નિર્ણયની જાણ કરવા માટે અમેરિકાને સત્તાવાર પત્ર લખ્યો નથી. આ બધું જોતાં હજુ સુધી એસપીપીને સંપૂર્ણપણે સસ્પેન્ડ કે નકારી કાઢવામાં આવ્યું નથી ત્યારે નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા જુલાઈના મધ્યમાં વોશિંગ્ટનની સત્તાવાર મુલાકાતે જવાના છે ત્યારે અમેરિકા એસપીપી નહીં તો તેના વિકલ્પ તરીકે બીજી લશ્કરી સહકાર યોજના તૈયાર કરી તેમની સામે રજૂ કરે તેવી પણ શક્યતા છે. એસપીપીના વિકલ્પ તરીકે મુકાનાર નવી યોજનામાં એસપીપીના બધા મુદ્દા આવરી લેવાશે. ઉપરાંત શક્યતઃ દેઉબા અમેરિકા સાથે ૧૯.૮ મિલિયન ડોલરના શસ્ત્રખરીદી કરાર પર હસ્તાક્ષર કરી શકે છે.
અમેરિકાની અગ્રતા તો હજુ પણ એસપીપી પર જ આગળ વધવાની છે પરંતુ જો તે કામ ન કરે તો વૈકલ્પિક યોજના તૈયાર કરવામાં આવી છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે અમેરિકા અને નેપાળનાં મૂળભૂત હિતો અને એકંદર રાષ્ટ્રીય વ્યૂહરચના એકબીજા સાથે જોડાયેલાં નથી. અમેરિકાના વ્યૂહાત્મક વર્તુળમાં હોવાના ફાયદા કરતાં નેપાળ માટે સ્થિર રાજકીય પરિસ્થિતિ વધુ મહત્ત્વની છે. તેથી એસપીપી પ્રોજેક્ટ આખરે કાઢી નાખવામાં આવે એવી પ્રબળ શક્યતા છે કારણ કે તે નેપાળના રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ છે.
જો કે અમેરિકા જે તેની ઈન્ડો-પેસિફિક વ્યૂહરચનામાં નેપાળ જેવા નાના દેશોનો પ્યાદા તરીકે ઉપયોગ કરવા માટે જાણીતું છે તે હજુ પણ એસપીપીને લઈને અલગ રીતે દબાણ કરી શકે છે. અમેરિકાએ નેપાળની રાજનીતિ અને તેનાં પોતાનાં હિતો વચ્ચે સંતુલન સાધવા બાબત ખરેખર ક્યારેય ધ્યાન આપ્યું નથી. જો કે, નેપાળના રાજકારણમાં એક કહેવત છે કે ‘નેપાળ પથ્થરો વચ્ચેના ઇંડા જેવું છે, જે કાળજીપૂર્વકનું સંતુલન શોધે છે’. નેપાળ સરકાર એક બાજુ ભારત અને બીજી બાજુ ચીન વચ્ચે નાજુક સંતુલિત સંબંધોને ખતરામાં નાખે એવો કોઈ કરાર કરે એવી શક્યતા નથી દેખાતી.
– ડૉ. જયનારાયણ વ્યાસ
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.