Entertainment

નવાઝુદ્દીન ‘હોલી કાવ’ને દોહી શકશે?

આજકાલ અમુક પ્રકારના વિષય પર ફિલ્મ બનાવવી તે સામે ચાલીને બખડજંતર ઊભા કરવા જેવું છે. આ અઠવાડિયે ‘હોલી કાવ’ રજૂ થઇ રહી છે જેમાં સલીમ અન્સારી તેની રુકસાર નામની ખોવાયેલી ગાયને શોધી રહ્યો છે. આ એક ડાર્ક કોમેડી ફિલ્મ છે. અત્યારના વર્ષોમાં ‘ગાય’ એક એવો વિષય છે જે ધારે તો મોટો રાજકીય અને ધાર્મિક મુદ્દો બની શકે. સાંઇ કબીર કે જેણે ‘ધ શૌકીન્સ’, ‘કિસ્મત કનેકશન’ અને ‘રિવોલ્વર રાની’નું દિગ્દર્શન કરેલું તેની આ ફિલ્મ છે અને નવાઝુદ્દીન સિદ્દીકી અને સંજય મિશ્રા તેના મુખ્ય અભિનેતા છે. ફિલ્મમાં સંજય મિશ્રા અને સાદિયા સિદ્દીકીની ગાય ખોવાય જાય છે અને તે રાજકીય મુદ્દો બની જાય છે.

નવાઝુદ્દીન સિદ્દીકી આ ફિલ્મમાં પોલીસ અધિકારીની ભૂમિકામાં છે જે કહે છે કે ખોવાય નહીં હશે, તમે એને મારી નાંખી હશે. આ ફિલ્મનું નિર્માણ નવાઝુદ્દીનની પત્ની આલિયા સિદ્દીકીએ જ કર્યું છે. મતલબ નવાઝુદ્દીનની જ ફિલ્મ છે અને સંજય મિશ્રાને મુખ્ય ભૂમિકા આપી છે. નવાઝુદ્દીને જે વિષય પર ફિલ્મ બનાવવાની તૈયારી બતાવી તે સાહસ ગણી શકાય. ગાય પર હિન્દુઓ પોતાનો વધારે અધિકાર માને છે ને ફિલ્મમાં તે મુસ્લિમ કુટુંબની છે ને નામ રૂકસાર છે. સંજય મિશ્રા કે જેની આ ગાય છે તેનું નામ સલીમ અન્સારી છે જે સલમાન ખાન સ્ટાઇલમાં ગોગલ્સ પહેરે છે. હાથમાં લકી ચાર્મ બ્રેસલેટ પણ પહેરે છે. ફિલ્મમાં તિગ્માંશુ ધૂલિયા છે જે વાતને રાજકીય બનાવે છે.

નવાઝુદ્દીન આ ફિલ્મને સફળતા મળે એવું ઇચ્છતો હશે પણ તે અપેક્ષા આર્થિક બાબતથી વધુ મુદ્દા બાબતે હશે. લોકો જો મુદ્દો સમજશે તો આપોઆપ ફિલ્મ સફળ જશે. નવાઝુદ્દીન આ પહેલાં ‘ગુલાબી’, ‘ધ ડેટ’ અને ‘ઇન રિલેશનશીપ વિથ’ નામની ત્રણ શોર્ટ ફિલ્મનો નિર્માતા રહી ચૂકયો છે અને ‘નો લેન્ડસ મેન’ નામની ઇંગ્લિશ ફિલ્મ પણ બનાવી છે. આ વખતે ‘હોલી કાઉ’ પત્નીના નામે બનાવી છે.

બાકી તે તેના અભિનેતા તરીકેના કામમાં વ્યસ્ત છે. ‘હીરોપંતી-2’, ‘ટીકુ વેડસ શેરુ’, ‘ધ માયા ટેપ’, ‘નૂરાની ચહેરા’, ‘લક્ષમણ લોપેઝ’, ‘બ્લેક કરન્સી’ અને ‘અદ્‌ભૂત’ ફિલ્મોના કામ વચ્ચે આ ફિલ્મ બનાવી છે. આ માટે સાચે જ તેને બિરદાવવો જોઇએ. તે મૂળ ઉત્તરપ્રદેશનો છે અને સાવ સામાન્ય વ્યકિત તરીકેની જિંદગી જીવી ચૂકયો છે એટલે ગાય ખોવાવાનો મુદ્દે કોવો બની શકે તે સમજે છે. તેના માટે આ ફિલ્મ કોઇ ધંધાદારી સાહસ નથી. અત્યારના સંજોગોમાં આ ફિલ્મ પ્રેક્ષકોના પ્રતિભાવ ઇચ્છે છે. •

Most Popular

To Top