Charchapatra

માત્ર રૂપિયાથી સુખ શાંતિ મળે?

વર્તમાન સમયમાં દરેક સમાજમાં કન્યાઓની કમી છે તેથી લગ્નલાયક સંસ્કારી, મહેનતુ, કમાઉ યુવાનોને પણ મોટી ઉંમર સુધી કન્યાઓ મળતી નથી. કન્યાવાળા હવામાં ઊડી રહ્યા છે. કન્યા 10-12 હજાર કમાતી હોય તો 50 હજારથી લાખ રૂ. કમાતો છોકરો શોધે છે. 25 થી 30 હજાર કમાવાવાળાને તો જવાબ પણ નથી આપતા અને વળી જાતજાતની ડિમાન્ડ તો ખરી જ, ફોર વ્હીલર છે? કામવાળી છે? ઘરમાં AC છે? થોડા દિવસ પહેલાં ગુજ.મિત્રમાં સમાચાર હતા કે બેન્કમાં નોકરી કરતી અને વળી બેન્ક મેનેજરની પત્નીએ બે જ વર્ષના લગ્નજીવનમાં આત્મહત્યા કરી લીધી. લોભી લાલચુ કન્યાવાળાઓએ બધું જોયું હશે.

બેન્ક બેલેંસ-પગાર ફોર વ્હીલર- AC બંગ્લા- આરામની નોકરી અને છતાં બે જ વર્ષમાં દીકરી ગુમાવી શું કાંદો કાઢયો? મારા એક મિત્રના પરિવારની અઢળક આવક છે. ફોર વ્હીલર છે, AC છે, ઘરમાં કામવાળી છે પણ શાંતિ નથી. દર મહિને ત્રણ લાખ જેટલી આવક છતાં ઘરડાં મા-બાપને દીકરી જમાઈને ત્યાં રહેવું પડે છે. અઢળક આવક, મોટું નામ છતાં ઘરમાં સુ:ખ શાંતિ નહીં, આવા રૂપિયાને શું કરશો? મોટા ભાગના છોકરીવાળા વધુ ને વધુ સુખની શોધમાં દોડી રહ્યા છે પછી ભલે 4/6 મહિનામાં ડાઈવોર્સ લેવા પડે! યા વર્ષમાં દીકરી ગુમાવવી પડે પણ ઓછું કમાઈ શાંતિનો રોટલો ખવડાવતો જમાઈ નથી ગમતો. સંઘર્ષમાં જ માણસ ઘડાય છે એ તેઓ ભૂલી જાય છે. આજે દરેક સમાજની આ સમસ્યા છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top