Entertainment

મિસ વર્લ્ડ માનુષી હવે (યશ) રાજ કરશે?

માનુષી છિલ્લર ફિલ્મોમાં આવી તો ગઇ છે પણ તેનો પગ ગોળ પૈંડા પર પડી ગયો છે એટલે જયાં છે ત્યાં જ ફર્યા કરે છે. વાંક એનો નથી, અક્ષયકુમાર જેવા સ્ટાર સાથે ‘પૃથ્વીરાજ’ જેવી ઇતિહાસના વિષયવાળી ફિલ્મથી આરંભ કરતી હોય તો નિરાશ થવાને કારણે નથી પણ કોરોનાને કારણે તેની આ તૈયારી થઇ ચુકેલી ફિલ્મ હજુ રજૂ નથી થઇ. મિસ વર્લ્ડ-2017 એવી માનુષીને યશરાજની ફિલ્મથી આરંભ કરવા મળ્યો હોય તો તે ડ્રીમ સ્ટાર્ટ કહેવાય. પરંતુ ‘પૃથ્વીરાજ’ હવે નવેમ્બર મહિનામાં રજૂ થશે એટલે માનુષી ફકત રાહ જોઇ શકે.

માનુષીને અંદરોઅંદર ખાત્રી છે કે એક વાર ફિલ્મ રજૂ થશે પછી તે એકદમ પ્રોમીનંટ સ્ટારની ઓળખ મેળવી જ લેશે. ચન્દ્રપ્રકાશ દ્વિવેદી કે જે ભૂતકાળમાં ‘ચાણકય’ જેવી ખૂબ સફળ સિરીયલ અને ‘પિંજર’ જેવી દેશ વિભાજનને પાર્શ્વમાં રાખતી ફિલ્મ બનાવવા ઉપરાંત ‘મોહલ્લા અસ્સી’ જેવી ફિલ્મ બનાવી ચુકયા હોય તેની ફિલ્મમાં કામ કરો એટલે એક ધોરણની ખાત્રી હોય છે. કોઇ પણ નવી એકટ્રેસને સારા નિર્માતા અને સારા દિગ્દર્શકની ફિલ્મ મળે તો શરૂથી જ ઘણો લાભ થતો હોય છે.

માનુષી કેવી એકટ્રેસ છે તેની ખબર આદિત્ય ચોપરાને જ હોય કારણ કે ‘પૃથ્વીરાજ’ની સંયુકતા તે છે અને એ ફિલ્મનું કામ જોયા પછી વિકી કૌશલ સાથેની ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી’ નામની કોમેડી ફીલ્મ આપી છે. આ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના દિગ્દર્શક વિજય કૃષ્ણ આર્ય કરી રહયા છે. એ ફિલ્મ ભલે નિષ્ફળ ગઇ હોય તે પહેલાં તે ‘ધૂમ’ શ્રેણીની બે ફિલ્મો લખવા ઉપરાંત ત્રીજીમાં તો દિગ્દર્શક પણ હતો અને ‘ટશન’ પણ યશરાજની જ ફિલ્મ હતી. આદિત્ય ચોપરાને તેની પર ખૂબ ભરોસો છે એટલે માનુષી-વિકી કૌશલવાળી ફિલ્મ કોમેડીમાંથી ટ્રેજેડીમાં ન ફેરવાશે તેની ખાત્રી છે.

માનુષી નસીબવાળી કહેવાય કે ટોપના બેનરની ફિલ્મો મળવા ઉપરાંત અક્ષય કુમાર, વિકી કૌશલ જેવા સ્ટાર્સ સાથે આરંભે જ ફિલ્મ મળી અને હવે ફરી યશરાજ ફિલ્મ્સે તેને વળી એક સુપર હીરો ફિલ્મમાં લીધી છે ને આ વખતે સાથે કોઇ મોટો સ્ટાર નથી બલ્કે ચંકી પાંડેનો ભત્રીજો અહાન પાંડે છે કે જે આરંભ કરી રહયો છે. એક ફિલ્મ થયા વિના ત્રણ ફિલ્મોમાં કામ કરી રહયા હોય તો તેને મોટી સફળતા ગણવી જોઇએ. હવે આવતા વર્ષે તેની આ ત્રણે ત્રણ ફિલ્મો રજૂ થશે અને સમજાશે કે તેની કારકિર્દી કઇ દિશામાં કેટલી આગળ વધી રહી છે. માનુષી બ્યુટીફૂલ પણ છે ને સારા અભિનય બાબતે સભાન છે એટલે તે આશા રાખે છે કે ત્રણ ફિલ્મો અપેક્ષા વધારશે.

Most Popular

To Top