Entertainment

હીરોઈન બહુવાર બની… હવે મા બની ક્રિતી કારકિર્દી બનાવશે?

આપણા કાન્તિ મીડિયાએ ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’ નામે નાટક કરેલું જેમાં સરોગેટ મધરની વાત હતી. હવે ‘મીમી’ નામની ફિલ્મ આવી રહી છે. જેનો વિષય પણ સરોગેટ મધર જ છે. એક વિદેશી સ્ત્રી યશોદાને સરોગેટ મધર બનવા માટે રૂપિયા આપી રોકે છે. યશોદા એ રીતે ગર્ભવતી બને છે પણ ગર્ભકાળ દરમ્યાન ડોકટર કહે છે કે જે બાળક જન્મશે તે અપંગ હશે. પેલી વિદેશી સ્ત્રી આ જાણીને પોતાના દેશ ચાલી જાય છે.

હવે ? બાળક તો યશોદાના ગર્ભમાં છે અને તે એ બાળકથી છૂટવા નથી માંગતી.અપંગ હોય તો ભલે હું બાળકને જન્મ આપીશ. એવું જ કરે છે પણ થોડા વર્ષ રહી પેલી વિદેશી સ્ત્રીનું ય મન બદલાઈ જાય છે ને તે બાળક લેવા આવે છે. હવે ? કાયદાકીય રીતે ય તેનો જ અધિકાર છે તો આ સરોગેટ માનું શું ? પેલી તો પેલા બાળકને જન્મવા પહેલાં જ તરછોડી ગઈ હતી તો કાયદો કોના પક્ષે રહેવો જોઈએ ?

2011માં ‘મલા આઈ વ્હાયચ’ (મારે મા બનવું છે) નામે ફિલ્મ બનેલી તે હવે હિન્દીમાં આવી રહી છે ને ક્રિતી સેનોન સરોગેટ મા બની છે. મરાઠીમાં આ ભૂમિકા ઉર્મિલા કાનેટકરે ભજવી હતી અને ખૂબ સફળ રહેલી. ક્રિતી પણ એવી જ સફળ જશે એવી ધારણા છે. ગુજરાતી નિર્માતા દિનેશ વિજનની આ ફિલ્મનું દિગ્દર્શન ‘ઈગ્લિશ વિંગ્લીશ’, ‘102 નોટઆઉટ’ જેવી ફિલ્મોના સિનેમેટોગ્રાફર અને ‘લુકાછીપી’ના દિગ્દર્શક લક્ષ્મણ ઉતેરકરના દિગ્દર્શનમાં બની છે. મરાઠીમાં સમૃધ્ધિ પોરેનું દિગ્દર્શન હતું. ક્રિતી આ ફિલ્મ બાબતે ખૂબ ઉત્સાહમાં છે. ‘છેલ્લે ‘પાણીપત’ માં તેણે પાર્વતીબાઈની ભૂમિકા કરેલી પછી આ એક મેજર ફિલ્મ છે. ગર્ભવતી સ્ત્રીની ભૂમિકા કરવા ઘણી અભિનેત્રી તૈયાર નથી થતી પણ ક્રિતી તૈયાર થયેલી કારણકે પાત્ર જ એકદમ રસપ્રદ છે. ભારતના પ્રેક્ષકોને ગમે તેવું છે.

ક્રિતી ઘણો વખતથી ઈચ્છતી હતી કે કોરોના હળવો થાય તો તેની આ ફિલ્મ રજૂ થાય. અલબત્ત, તેની ‘હમ દો હમારો દો’ અને ‘ભેડીયા’ પણ બનીને તૈયાર છે. ‘ભેડીયા’ પણ દિનેશ વિજનની જ ફિલ્મ છે જેમાં તે વરુણ ધવન સાથે આવી રહી છે. એ એક હોરર કોમેડી છે. ક્રિતીને લાગી રહ્યું છે કે આવનારા એક વર્ષમાં તેની ચારેક ફિલ્મ રજૂ થશે અને દરેકના વિષય અને સ્ટાર એવા છે કે ફિલ્મો સફળ જશે. તેની ‘બચ્ચન પાંડે’ તો અક્ષયકુમાર સાથે છે અને તમિલ ફિલ્મ ‘જિગર થાન્ડા’ની રિમેક છે. ક્રિતીને આવી રિમેકમાં કામ કરવું ગમે છે.

મૂળ ફિલ્મમાં શું બન્યું હતું તે જોઈ શકે એટલે પોતે હવે શું કરવું એ નક્કી થઈ શકે. તેની ‘આદિપુરુષ’ તો પ્રભાસ સાથે છે જેમાં તે સીતા બની છે. આ ઉપરાંત ‘સેંકડ ઈનિંગ્સ’ અને ‘ગનપથ’ ‘હાઉસફૂલ 5’ છે. ‘સેંકડ ઈનિંગ્સમાં તે રાજકુમાર રાવ અને પરેશ રાવલ સાથે છે. જે આપણા ગુજરાતી દિગ્દર્શક અભિષેક જૈનનાં દિગ્દર્શનમાં બની રહી છે. ‘ગનપથ’ માં તે ટાઈગર શ્રોફ સાથે આવશે. જેનો દિગ્દર્શક વિકાસ બહલ છે. ‘હાઉસફુલ-5’ તો આમ પણ સફળ રહેલી કોમેડીની જ સિકવલ છે.

ક્રિતી અત્યારે તો ‘મીમી’ ની સફળતા પર નજર રાખી રહી છે. તેને એ વાતનો આનંદ છે કે તેને તેની આગલી ફિલ્મોના દિગ્દર્શકો નવી ફિલ્મ આપે છે. અગાઉ અમર કૌશિકની સ્ત્રીમાં તે આવી હતી હવે એજ દિગ્દર્શકની ભેડીયા’ માં ક્રિતી છે. અક્ષયકુમાર સાથે તો તેની ચારેક ફિલ્મ થઈ જશે. ટાઈગર શ્રોફ સાથે ‘હીરોપંતી’ માં હતી ને હવે ‘ગનપથ’માં છે. કાર્તિક આર્યન સાથેની ‘લુકાછિપી’ની પણ સિક્વલ બની રહી છે. ક્રિતી કોરોનાના સંકટ સમયમાં પણ હસી રહી છે.

Most Popular

To Top