Columns

ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના વિરોધી જસ્ટિન ટ્રુડોને ખુરશી ખાલી કરવી પડશે?

કેનેડાના નાયબ વડાં પ્રધાન અને નાણાં પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથેની અથડામણ બાદ રાજીનામું આપતાં કેનેડામાં રાજકીય કટોકટી પેદા થઈ છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા સંભવિત ટેરિફના મુદ્દે બંને વચ્ચે મતભેદો હતા. આ રાજીનામું જસ્ટિન ટ્રુડો માટે અણધાર્યો ફટકો માનવામાં આવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને આમ પણ જસ્ટિન ટ્રુડોના વિરોધી માનવામાં આવે છે. જસ્ટિન ટ્રુડો પહેલેથી જ કેનેડામાં લઘુમતી સરકાર ચલાવી રહ્યા છે.

લિબરલ પાર્ટીના નેતા જસ્ટિન ટ્રુડો પહેલાંથી જ લોકપ્રિયતાના સર્વેક્ષણમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પૌલિવરેથી ૨૦ ટકા પાછળ છે. એક પોલ ટ્રેકર અનુસાર જ્યારે તેઓ પહેલી વાર વડા પ્રધાન બન્યા ત્યારે ૬૩ ટકા લોકોએ જસ્ટિન ટ્રુડોને પસંદ કર્યો હતો. હવે તેમને સમર્થન કરનારાં લોકોની ટકાવારી માત્ર ૨૮ ટકા છે. કેબિનેટના સભ્ય દ્વારા આ પહેલો ખુલ્લો વિરોધ છે અને આ પગલા બાદ સત્તા પરની જસ્ટિન ટ્રુડોની પકડ ઢીલી થવાની સંભાવના છે. ક્રિસ્ટિયા ફ્રીલેન્ડની જગ્યાએ કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડોમિનિક લેબ્લેન્કને નાણાં મંત્રી બનાવવામાં આવ્યા છે. ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે નાયબ વડાં પ્રધાન પદ છોડ્યા બાદ ટ્રુડો પર હુમલાઓ વધી ગયા છે. ઘણા વિરોધ પક્ષોએ જસ્ટિન ટ્રુડોના રાજીનામાની માગણી કરી છે. 

જસ્ટિન ટ્રુડોના સાથી એનડીપી પાર્ટીના ખાલિસ્તાનવાદી શીખ નેતા જગમીત સિંહે પણ વડા પ્રધાનના રાજીનામાની માંગણી કરી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પૌલિવિયરે પણ હાઉસ ઓફ કોમન્સમાં વડા પ્રધાન પર આકરા પ્રહારો કર્યા છે. જસ્ટિન ટ્રુડો પર બીજા ફટકાના રૂપમાં કેબિનેટના હાઉસિંગ મિનિસ્ટર સેન ફ્રેઝરે પણ રાજીનામું આપી દીધું છે. તેમણે નાણાં પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડને પ્રોફેશનલ અને મદદરૂપ સાથીદાર ગણાવ્યા હતા. ઓટાવા યુનિવર્સિટીના પ્રોફેસર જાનેવ ટેલિયર કહે છે કે અત્યાર સુધી કેબિનેટ સંપૂર્ણ રીતે ટ્રુડોની સાથે હતી, પરંતુ હવે તેઓ મોટી મુશ્કેલીમાં છે. જો જસ્ટિન ટ્રુડોને સમર્થન આપી રહેલા એનડીપી પાર્ટી જેવા પક્ષો ટેકો પાછો ખેંચી લેશે તો જસ્ટિન ટ્રુડો સમક્ષ રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.

કેનેડામાં આવતા વર્ષે ઓક્ટોબરની આસપાસ સંસદીય ચૂંટણી યોજાવાની છે. જસ્ટિન ટ્રુડો ત્યાં સુધી પોતાની ખુરશી ટકાવી રાખી શકે તેવી શક્યતા બહુ ધૂંધળી જ છે. ઘણા નિષ્ણાતો માને છે કે તાજેતરની ઘટનાઓ પછી લિબરલ પાર્ટીમાં નેતૃત્વનું સંકટ આવશે. આ લિબરલ પાર્ટીની અંદર નેતૃત્વ કટોકટીની શરૂઆત હોઈ શકે છે. જસ્ટિન ટ્રુડો માટે વ્યક્તિગત અને રાજકીય રીતે આ મોટો ફટકો છે. ટોરોન્ટો યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર નેલ્સન વાઈઝમેને જણાવ્યું હતું કે ફ્રીલેન્ડનું રાજીનામું ટ્રુડો માટે મોટો આંચકો હતો. આ ખરેખર એક ધડાકો છે. મને લાગે છે કે લિબરલ પાર્ટીની સૌથી મોટી સમસ્યા એ છે કે તેની પાસે જસ્ટિન ટ્રુડોને હટાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ માત્ર પાર્ટીની અંદર સામાન્ય બળવા દ્વારા જ થઈ શકે છે.

ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે તેમના રાજીનામાના પત્રમાં કેનેડા પર ૨૫ ટકા વેરો લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકા કેનેડાનું મુખ્ય વેપારી ભાગીદાર છે. કેનેડાની નિકાસનો ૭૫ ટકા ભાગ અમેરિકામાં જાય છે. જ્યારથી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે ત્યારથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કેનેડા માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ કેનેડાથી અમેરિકા આવતા દરેક ઉત્પાદન પર ૨૫ ટકા વેરો લાદશે. કેનેડા ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય પાડોશી દેશ મેક્સિકોનાં તમામ ઉત્પાદનો પર ૨૫ ટકા વેરો લાદવાની પણ જાહેરાત કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ તમામ ચીની ઉત્પાદનો પર ૧૦ ટકા વેરો લાદશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે કેનેડા અને મેક્સિકોમાંથી આવતાં વસાહતીઓ  અને ગેરકાયદે ડ્રગ્સને રોકવા માટે આ વેરો લાદવો જરૂરી છે. કેનેડા અને અમેરિકા વિશ્વની સૌથી લાંબી ભૂમિ સરહદ ધરાવે છે અને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો એક ટ્રિલિયન ડોલરથી વધુ છે. જો અમેરિકા વેરો લાદશે તો કેનેડાનું અર્થતંત્ર કટોકટીમાં આવી જશે.કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્રમ્પની જીત પછી તરત જ તેમને અભિનંદન આપ્યા હતા, પરંતુ બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર તણાવ જોવા મળ્યો છે.

અમેરિકામાં કમાન સંભાળ્યા પછી કોઈ પણ રાષ્ટ્રપતિની પ્રથમ વિદેશ મુલાકાત પરંપરાગત રીતે કેનેડા અથવા મેક્સિકોની હોય છે, પરંતુ ૨૦૧૭ માં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ વિદેશ મુલાકાત સાઉદી અરેબિયાની હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પણ જસ્ટિન ટ્રુડો પર અંગત પ્રહારો કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જસ્ટિન ટ્રુડોને ડાબેરી પાગલ ગણાવ્યા હતા. કેનેડાની આર્થિક સ્થિતિ પહેલાંથી જ ચિંતાજનક છે અને ટ્રમ્પના વેરાથી અર્થતંત્રમાં મંદી આવવાની શક્યતા વધી જશે. કેનેડાની નિકાસનો ૭૫ ટકા ભાગ અમેરિકા જાય છે. આવી સ્થિતિમાં નિકાસ પરનો ૨૫ ટકાનો વેરો કેનેડા માટે મોંઘો સાબિત થઈ શકે છે.

કેનેડામાં ચૂંટણી નજીક છે ત્યારે જસ્ટિન ટ્રુડો માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ચૂંટણી પહેલાંનાં ઘણાં સર્વેક્ષણો સૂચવે છે કે ટ્રુડો ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી સામે હારી શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેનેડામાં રહેવું ઘણું મોંઘું બની ગયું છે. બીજી તરફ, કેનેડા પહેલેથી જ ચીન અને ભારત સાથે ભેરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં કેનેડા માટે તેનો વેપાર અમેરિકાથી બહાર કાઢવો સરળ નથી.

ભારતની નરેન્દ્ર મોદી સરકાર જસ્ટિન ટ્રુડો પર કેનેડામાં રહેતા ખાલિસ્તાની અલગતાવાદીઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહી છે. બીજી તરફ જસ્ટિન ટ્રુડો સરકાર ભારત પર ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવી રહી છે. જો બિડેન વહીવટીતંત્ર આ મામલે ટ્રુડોની સાથે હતું, પણ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પછી જસ્ટિન ટ્રુડોને ખાલિસ્તાની અલગાવવાદીઓના મામલે કોઈ સમર્થન નહીં મળે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથેના સંબંધો ગાઢ બનાવવા માગે છે.

જેમ ટ્રમ્પ અને ટ્રુડો વચ્ચે અંગત સંબંધો સારા નથી રહ્યા, તેવી જ રીતે મોદી અને ટ્રુડો વચ્ચેના પરસ્પર સંબંધોમાં પણ ઉષ્મા નથી. મોદી મે ૨૦૧૪માં પ્રથમ વખત ભારતના વડા પ્રધાન બન્યા અને જસ્ટિન ટ્રુડો ઓક્ટોબર ૨૦૧૫માં પ્રથમ વખત કેનેડાના વડા પ્રધાન બન્યા હતા. ૨૦૧૯માં નરેન્દ્ર મોદી બીજી ટર્મ માટે ચૂંટાયા હતા અને ટ્રુડો પણ ઓક્ટોબર ૨૦૧૯માં બીજી ટર્મ માટે ચૂંટાયા હતા. ટ્રુડોની લિબરલ પાર્ટી ઓફ કેનેડા પોતાને ઉદાર લોકશાહી તરીકે વર્ણવે છે અને વડા પ્રધાન મોદીની ભાજપને હિન્દુત્વવાદી અને જમણેરી રાષ્ટ્રવાદી તરીકે ઓળખાવે છે.

વડા પ્રધાન બન્યા બાદ મોદીએ એપ્રિલ ૨૦૧૫માં કેનેડાની બે દિવસની મુલાકાત લીધી હતી. તે સમયે કેનેડાના વડા પ્રધાન કન્ઝર્વેટિવ પાર્ટીના સ્ટીફન હાર્પર હતા. ૨૦૧૦માં ભારતના તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહ જી-૨૦ સમિટમાં ભાગ લેવા કેનેડા ગયા હતા. પરંતુ સમિટ સિવાય ભારતીય વડા પ્રધાનની કેનેડાની મુલાકાત ૪૨ વર્ષ પછી જ થઈ હતી, જ્યારે વડા પ્રધાન મોદીએ ૨૦૧૫માં કેનેડાની મુલાકાત લીધી હતી. જસ્ટિન ટ્રુડો વડા પ્રધાન બન્યા ત્યારથી નરેન્દ્ર મોદીએ કેનેડાની મુલાકાત લીધી નથી.

કેનેડા ક્રુડ ઓઈલનું વિશ્વનું ચોથું સૌથી મોટું ઉત્પાદક છે, પરંતુ ટ્રમ્પના વેરાથી કેનેડાની ઊર્જાની આવકને પણ સખત અસર થશે. બીજી તરફ ટ્રમ્પ અમેરિકામાં ઘરેલું ઊર્જા ઉત્પાદન વધારવા માંગે છે. ૨૦૨૨ માં ટ્રુડોએ અમેરિકાથી આવતા ટ્રક ડ્રાઇવરો માટે કોરોના રસીકરણ ફરજિયાત બનાવ્યું હતું. આ માટે ટ્રમ્પે ટ્રુડોને  ડાબેરી પાગલ ગણાવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સોગંદ લે તે પહેલાં કદાચ તેમના પક્ષના નેતાઓ દ્વારા જ ટ્રુડોને રાજીનામું આપવાની ફરજ પડાશે અને કેનેડાને નવા વડા પ્રધાન મળશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top