Business

ઈરાનનું ભૂમિયુદ્ધ અમેરિકા માટે બેટલ ઓફ વોટરલૂ જેવું પુરવાર થશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાલત હાર્યો જુગારી બમણું રમે તેવી છે. અમેરિકાએ અને ઈઝરાયેલે મળીને જ્યારે ઈરાન પર આક્રમણ કર્યું ત્યારે તેમણે ધારી લીધું હતું કે એકાદ અઠવાડિયામાં ઈરાન શરણે આવશે અને યુદ્ધનો અંત આવશે. તેના બદલે યુદ્ધ લાંબું ચાલ્યું છે. એક મહિનાના યુદ્ધ પછી પણ ઈરાન જરાય ઢીલું પડ્યું નથી. ઈરાનની ટોચની નેતાગીરીને અમેરિકાએ ખતમ કરી નાખી તે પછી પણ બીજી હરોળના નેતાઓ આગળ આવીને બમણા ઝનૂનથી લડી રહ્યા છે. ઈરાને તેલ અવીવ ઉપરાંત ગલ્ફના દેશો પર મિસાઈલ હુમલા કરીને અમેરિકાના તમામ લશ્કરી અડ્ડાઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

ઈરાને હોર્મુઝની સામુદ્રધૂની બ્લોક કરીને આખી દુનિયાનો ઊર્જાનો પુરવઠો ખોરવી કાઢ્યો છે. અમેરિકા લાચાર બનીને ઈરાનની આ દાદાગીરી જોઈ રહ્યું છે. ઈરાને હોર્મુઝમાં અમેરિકાનું નાક કાપ્યું તેનો બદલો લેવા ડોનાલ્ડ ટ્રમ્પ હવે તેમના સૈનિકો ઈરાનમાં મોકલવા તૈયાર થઈ ગયા છે. તેઓ માને છે કે અમેરિકાના સૈનિકો ઈરાનના ખાર્ગ ટાપુ પર પ્રવેશ કરશે ત્યારે ઈરાનના સૈનિકો શરણે આવશે, પણ તેમની આ માન્યતા શેખચલ્લીના તરંગો જેવી છે. ભૂતકાળમાં અમેરિકાએ વિયેતનામ, અફઘાનિસ્તાન, ઇરાક, સોમાલિયા વગેરે જે દેશોમાં પોતાના સૈનિકો મોકલ્યા છે, ત્યાં હજારોની સંખ્યામાં અમેરિકન સૈનિકોની કતલ થઈ ગઈ છે, પણ તેઓ એક પણ યુદ્ધ જીતી શક્યા નથી.

ઈરાનમાં પણ અમેરિકાના સૈનિકોની હાલત ખરાબ થવાની છે, કારણ કે ઈરાનના સૈનિકો ઝનૂનથી લડે તેવા છે. બીજી બાજુ અમેરિકાના સૈનિકો પારકી પ્રજા માટે શહીદ થવા બહુ ઉત્સુક નથી. અમેરિકામાં પણ ઈરાન સામેના યુદ્ધનો પ્રચંડ વિરોધ થયો છે અને લોકો લાખોની સંખ્યામાં રસ્તાઓ ઉપર ઊતરી આવ્યા છે. જો યુદ્ધમાં અમેરિકાના થોડાક પણ સૈનિકો મરશે અને તેમનાં કોફીનો ઘરે આવશે તો અમેરિકાના લોકોનો યુદ્ધનો વિરોધ તીવ્ર બનશે. અમેરિકા આ યુદ્ધ જીતી શકે તેમ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ માટે તો ઈરાનનું યુદ્ધ બેટલ ઓફ વોટરલૂ જેવું પુરવાર થવાની તમામ શક્યતાઓ છે.

પેન્ટાગોનની યોજના ઈરાનમાં અઠવાડિયા સુધી મર્યાદિત ભૂમિ આક્રમણ કરવાની છે, જેમાં ખાર્ગ ટાપુ અને હોર્મુઝ સ્ટ્રેટ નજીકના દરિયાકાંઠાનાં સ્થળો પર દરોડા પાડવાનો સમાવેશ થઈ શકે છે. અમેરિકા દ્વારા ખાર્ગ ટાપુ કબજે કરવા માટે મધ્ય પૂર્વ માટે ૧૦,૦૦૦ જેટલા વધારાના ભૂમિ સૈનિકો મોકલવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાંથી ૧,૫૦૦ સૈનિકો પહેલાંથી જ અમેરિકન સૈન્યના ૮૨મા એરબોર્ન યુનિટમાંથી તૈનાત છે. અમેરિકન નૌકાદળનું યુએસએસ ટ્રિપોલી નામનું વિમાનવાહક જહાજ આશરે ૨૫૦૦ સૈનિકો સાથે ઈરાનના સમુદ્રકાંઠા નજીક પહોંચી ગયું છે. તેમાં ચુનંદા સૈનિકોનો સમાવેશ થાય છે. જો કે હજુ સુધી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના સૈનિકોને ઈરાનની ભૂમિ પર ઊતરવાનો આદેશ આપવામાં આવ્યો નથી.

જો ખરેખર અમેરિકા દ્વારા ઈરાન પર ભૂમિ આક્રમણ થાય છે, તો પછી શું થશે તેનો ઇતિહાસ સારી રીતે દસ્તાવેજીકૃત થયેલ છે, કારણ કે આપણે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા દ્વારા કરવામાં આવેલાં આવાં તમામ આક્રમણોનો ઇતિહાસ જાણીએ છીએ. જેમણે અમેરિકાનાં અગાઉનાં યુદ્ધોનો અભ્યાસ કર્યો છે અથવા તેમાંથી પસાર થયા છે તેઓ ચિંતિત છે કે અગાઉનાં યુદ્ધોની જેમ આ યુદ્ધ પણ લાંબું ચાલશે, તેમાં હજારો અમેરિકન સૈનિકો માર્યા જશે, અબજો ડોલરની બરબાદી થશે પણ વર્ષોનાં યુદ્ધ પછી પણ કોઈ નક્કર પરિણામ આવશે નહીં.

વર્ષ ૧૯૬૫માં અમેરિકા દ્વારા વિયેતનામ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ યુદ્ધનો ઉલ્લેખ ઈરાનીઓ અમેરિકાને ભૂમિ સેના તૈનાત કરવા માટે પડકાર ફેંકતી વખતે ધબડકા તરીકે કરે છે. લગભગ આઠ વર્ષ ચાલેલા આ યુદ્ધમાં ૫૮,૦૦૦ થી વધુ અમેરિકનો માર્યા ગયાં હતાં. વિયેતનામનાં લોકોના મૃત્યુનો અંદાજ ૩૦ લાખ સુધીનો છે. જે સરકાર તે યુદ્ધને ટેકો આપી રહી હતી તે બે વર્ષ પછી પડી ભાંગી પડી હતી અને ઉત્તર વિયેતનામનું સામ્યવાદી શાસન એકીકૃત વિયેતનામનું વહીવટીતંત્ર બન્યું હતું. અમેરિકન પોપ સંસ્કૃતિમાં વિયેતનામના યુદ્ધને ઘણી વાર એક નિષ્ફળ સાહસ તરીકે ટાંકવામાં આવે છે જે, અમેરિકા માટે ઘાતક સાબિત થયું હતું.

તે સમયે ઘણી પ્રખ્યાત હસ્તીઓએ વિયેતનામમાં અમેરિકાની સેનામાં સેવા આપવાનો ઇનકાર કર્યો હતો, જેમાં બોક્સર મુહમ્મદ અલીનો પણ સમાવેશ થતો હતો. આ યુદ્ધ દરમિયાન દુશ્મન લડવૈયાઓને જંગલના આવરણથી વંચિત રાખવા માટે, અમેરિકન સૈન્યે વિયેતનામી ગ્રામ્ય વિસ્તારોના વિશાળ વિસ્તારોમાં રાસાયણિક યુદ્ધના ભાગરૂપે એજન્ટ ઓરેન્જ નામના ઝેરી હર્બિસાઇડનો છંટકાવ કર્યો હતો. આ રસાયણના ઉપયોગને વિયેતનામમાં કસુવાવડ, કેન્સર, જન્મજાત ખામીઓ અને ગંભીર વિકૃતિઓના ઊંચા દર માટે જવાબદાર માનવામાં આવે છે.

વર્ષ ૧૯૯૧માં ઇરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈને તેના પડોશી દેશ કુવૈત પર કબજો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અમેરિકાના નેતૃત્વ હેઠળના ૩૪ દેશોના ગઠબંધને લગભગ ૧૦૦ કલાકની જમીની લડાઈમાં ઈરાકી દળોને કુવૈતમાંથી બહાર કાઢ્યાં હતાં. આ યુદ્ધ પછી પણ સદ્દામ ઈરાકમાં સત્તા પર રહ્યા હતા, પરંતુ ૨૦૦૬ માં અમેરિકા દ્વારા બીજા ઈરાક હસ્તક્ષેપના ભાગ રૂપે, ખટલો માંડ્યા પછી તેમને ગાદી પરથી ઊતારી દેવામાં આવ્યા હતા અને ફાંસી આપવામાં આવી હતી. સાઉદી અરેબિયામાં છોડી દેવાયેલાં મોટા અમેરિકન લશ્કરી થાણાંઓ ઓસામા બિન લાદેનના અમેરિકા સામે યુદ્ધ જાહેર કરવાના કારણોમાંનું એક બન્યા હતા. વિશ્લેષકો સૂચવે છે કે આ દોર ૯/૧૧ અને પછી અફઘાનિસ્તાનમાં અમેરિકન હસ્તક્ષેપ વગેરે તરફ દોરી જાય છે.

૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ ન્યૂયોર્ક શહેરના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાના ગુનેગારોની શોધ શરૂ કરતી વખતે અમેરિકાના આક્રમણનાં થોડાં અઠવાડિયામાં જ અમેરિકા દ્વારા અફઘાનિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ઓસામા બિન લાદેનને પકડવા માટે કરવામાં આવ્યો હોવાનું કહેવાયું હતું પણ તે તો પાકિસ્તાનમાં છૂપાયેલો હતો. અમેરિકાના હુમલાને પગલે તાલિબાનની કટ્ટરપંથી ઇસ્લામિક સરકારનું પતન થયું હતું. વીસ વર્ષ અને અબજો ડોલર પછી પણ અમેરિકાનું સૈન્ય અફઘાનિસ્તાનમાં સ્થાપવામાં આવેલી કઠપૂતળી જેવી સરકારનું રક્ષણ કરી શકી નહોતી. છેવટે ૨૦૨૧ માં અમેરિકન સેનાના પાછા ખેંચાયાના થોડા દિવસોમાં જ તાલિબાન સત્તામાં પાછા ફર્યા હતા.

આ દરમિયાન, અમેરિકા અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેનને મારી નાખવામાં સફળ રહ્યું હતું, જેને તાલિબાનોએ આશ્રય આપ્યો હતો. જો કે, તે ૨૦૧૧ માં પાકિસ્તાનમાં રહેતો હતો અને ત્યાં જ માર્યો ગયો હતો. અમેરિકાએ ૨૦૦૩ માં ઇરાક પર આક્રમણ કર્યું અને દાવો કર્યો કે સદ્દામ હુસૈનના શાસનકાળમાં દેશમાં સામુહિક વિનાશનાં શસ્ત્રો તૈનાત કરવા માટે તૈયાર છે. જો કે ઇરાકમાં ક્યારેય કોઈ સામુહિક સંહારનાં શસ્ત્રો મળ્યાં નથી. સત્તાવાર માહિતી અનુસાર ૪,૪૯૨ અમેરિકન લશ્કરી કર્મચારીઓ અને ૨,૦૦,૦૦૦ ઇરાકી નાગરિકો માર્યા ગયાં હતાં.

અમેરિકાના સંરક્ષણ વિભાગે ૨૦૦૩ અને ૨૦૧૨ વચ્ચેના ઇરાક યુદ્ધ પર સીધા ૭૨૮ અબજ ડોલર ખર્ચ કર્યા હોવાના અહેવાલ છે. બગદાદના પતન પછી અમેરિકાએ આખી ઇરાકી સેનાને વિખેરી નાખી હતી અને લાખો સશસ્ત્ર, તાલીમ પામેલા સૈનિકોને અચાનક બેરોજગાર કરી દીધા હતા. આ સૈનિકો આતંકવાદમાં જોડાઈ ગયા હતા. વિયેતનામ, અફઘાનિસ્તાન અને ઇરાક જેવા દેશોમાં અમેરિકાના ધબડકા છતાં તેઓ આપઘાત કરવા માટે ઈરાનમાં ભૂમિસૈન્ય ઊતારવા ઉતાવળા થયા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top