Columns

ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર જવાબી હુમલો કરશે?

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે. અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ ભારતની સત્તાવાર મુલાકાતે છે તે દરમિયાન આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલો ખૂની હુમલો બહુ સૂચક છે. ભારતીય સેનાએ આતંકવાદીઓ સામે મોરચો ખોલી દીધો છે. સેનાના ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાનો તેમનો પ્રવાસ પૂરો કરીને નવી દિલ્હી પાછા ફર્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ભારતના ટોચના નેતાઓ અને અધિકારીઓની મીટિંગ મળી હતી, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહ અન્ય અધિકારીઓ સાથે હાજર રહ્યા હતા. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિને લગતા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરના પોલીસ કંટ્રોલ રૂમમાં પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોનાં પરિવારજનોને મળ્યા હતા. ભારતીય સૈનિકો પહેલગામના બૈસરન વિસ્તારમાં પહોંચી ગયા છે, જ્યાં આતંકવાદી હુમલો થયો હતો. ભાજપના કેટલાક નેતાઓ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર હુમલો કરીને તેને ભારતમાં જોડી દેવાની માગણી કરી રહ્યા છે. જો ભારતે પાકિસ્તાન પર હુમલો કરવો હોય તો તેના માટે મજબૂત કારણ મળી ગયું છે.

ગૃહમંત્રી અમિત શાહ પહેલગામ હુમલાના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીને શ્રદ્ધાંજલિ આપી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પર અમિત શાહનું નિવેદન આવ્યું છે કે ‘‘ભારે હૃદયે, મેં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં લોકોને મારી અંતિમ શ્રદ્ધાંજલિ આપી. ભારત આતંકવાદ સામે ઝૂકશે નહીં. આ જઘન્ય આતંકવાદી હુમલાનાં દોષિતોને માફી બક્ષવામાં આવશે નહીં.’’અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન મોદીને ફોન કર્યો હતો અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોનાં મોત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી અને આ જઘન્ય હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડા પ્રધાન મોદીએ સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત ટૂંકાવી દીધી હતી અને તેઓ મંગળવારે રાત્રે નવી દિલ્હી જવા રવાના થયા હતા. નરેન્દ્ર મોદી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેમના સંયુક્ત નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદ અને હિંસક ઉગ્રવાદ માનવતા માટે સૌથી ગંભીર ખતરાઓમાંનો એક છે અને કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ આતંકવાદી કૃત્યને વાજબી ઠેરવી શકાય નહીં. બંને નેતાઓએ અન્ય દેશો વિરુદ્ધ આતંકવાદી કૃત્યો કરવા માટે મિસાઇલો અને ડ્રોન સહિતનાં શસ્ત્રોની પહોંચ અટકાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોએ ૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની સખત નિંદા કરી, જેમાં નિર્દોષ નાગરિકોના જીવ ગયા હતા. આ સંદર્ભમાં બંને પક્ષોએ આતંકવાદ અને હિંસક ઉગ્રવાદને તેનાં તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં વખોડી કાઢ્યો હતો અને ભાર મૂક્યો હતો કે તે માનવતા માટે સૌથી ગંભીર ખતરાઓમાંનો એક છે. તેઓ સંમત થયા કે કોઈ પણ કારણોસર કોઈ પણ આતંકવાદી કૃત્ય માટે કોઈ વાજબીપણું હોઈ શકે નહીં. તેઓએ આતંકવાદને કોઈ ચોક્કસ જાતિ, ધર્મ અથવા સંસ્કૃતિ સાથે જોડવાના કોઈ પણ પ્રયાસને નકારી કાઢ્યો હતો.

તેમણે આતંકવાદ અને આતંકવાદી ભંડોળનો સામનો કરવામાં બંને પક્ષો વચ્ચેના ઉત્તમ સહયોગનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ સરહદ પારના આતંકવાદની નિંદા કરી હતી અને બધા દેશોને એકબીજા સામે આતંકવાદના ઉપયોગને નકારવાની, જ્યાં પણ આતંકવાદી માળખાં હોય ત્યાં તેને તોડી પાડવા અને આતંકવાદના ગુનેગારોને ઝડપથી ન્યાયના કઠેડામાં લાવવા હાકલ કરી હતી. બંને પક્ષોએ અન્ય દેશો વિરુદ્ધ આતંકવાદી કૃત્યો કરવા માટે મિસાઇલો અને ડ્રોન સહિતનાં શસ્ત્રોની પહોંચ અટકાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભારતના વડા પ્રધાનની સાઉદી અરેબિયા જેવા મુસ્લિમ દેશની મુલાકાત અને તેને પગલે બહાર પાડવામાં આવેલું સંયુક્ત નિવેદન બહુ સૂચક મનાય છે.

પહેલગામના હુમલાની જવાબદારી સ્વીકારનાર TRF લશ્કર-એ-તૈયબાનું એક સહયોગી સંગઠન છે, જેને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI તરફથી સમર્થન મળતું હોવાની શંકા છે. ભારતીય ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલો કરવા માટે આતંકવાદીઓને ખાસ તાલીમ અને હથિયારો પૂરાં પાડવામાં આવ્યાં હતાં. જમ્મુ અને કાશ્મીર ભાજપના અધ્યક્ષ સત શર્માએ આ હુમલાને પાકિસ્તાનનું કાવતરું ગણાવ્યું અને કહ્યું કે આ હુમલો નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવીને કાશ્મીરના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવેલાં લોકોને ડરાવવાનો પ્રયાસ છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પણ આ હુમલાની નિંદા કરી હતી અને વચન આપ્યું હતું કે ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.

ભારતના વડા પ્રધાન મોદી ૨૪ એપ્રિલે કાનપુરની મુલાકાતે આવવાના હતા, જ્યાં તેઓ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનાં વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના હતા. જો કે, તાજેતરના આતંકવાદી હુમલામાં કાનપુરના બહાદુર યુવાન પુત્ર શુભમ સહિત ઘણાં લોકોના જીવ ગયા હતા. લોકોના ગંભીર મુડ અને લાગણીઓને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ શોકના સમયગાળા દરમિયાન કાનપુરમાં કોઈ પણ ઉજવણી અથવા ઔપચારિક જાહેર કાર્યક્રમો મુલતવી રાખવાનું યોગ્ય માનવામાં આવ્યું હતું.

દિલ્હીમાં વડા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ કમિટિની બેઠકમાં આગામી વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી શેષ પોલ વૈદ સચોટ નિરીક્ષણ કરતાં કહે છે કે ‘‘આ ભારતની પુલવામા-૨ની ક્ષણ છે. તે ૭ ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર હમાસ શૈલીનો હુમલો હતો. બે દિવસ પહેલાં પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરે વાહિયાત શબ્દો કહ્યા તે કોઈ સંયોગ નથી અને પછી એક હુમલો થાય છે, જ્યાં પ્રવાસીઓના ધર્મનો પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણો પ્રતિભાવ યોગ્ય હોવો જોઈએ, જેમ ઇઝરાયલે હમાસના હુમલાનો જવાબ આપ્યો હતો.

આ આતંકવાદી હુમલો પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવ્યો હતો. આ બધું અસીમ મુનીરના આદેશ હેઠળ થઈ રહ્યું છે. હું કહેતો રહ્યો છું કે આ પાકિસ્તાન સેનાના સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ કમાન્ડો છે, જેઓ આતંકવાદીઓ તરીકે દેખાઈ રહ્યા છે. તે એક સુનિયોજિત હુમલો હતો. હું બલુચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને પીઓકેનાં તમામ લોકોને અપીલ કરું છું કે તેઓ પાકિસ્તાન સેનાની આતંકવાદી કાર્યવાહી સામે બળવો કરે અને સ્વતંત્રતા જાહેર કરે. ભારતે પાકિસ્તાન સેનાની કમર તોડી નાખવી જોઈએ અને પાકિસ્તાનને ચાર ભાગમાં તોડી નાખવું જોઈએ.’’

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને ભારતના વળતા પ્રહારનો ડર લાગ્યો છે. પાણી પહેલાં પાળ બાંધતાં તેમણે કહ્યું છે કે જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે તો તેનો જડબાંતોડ જવાબ આપવામાં આવશે. તેમણે પોતાનો બચાવ કરતાં કહ્યું છે કે પાકિસ્તાનનો આ હુમલા સાથે કોઈ સંબંધ નથી. ભારત વિરુદ્ધ કહેવાતાં રજવાડાંઓમાં બળવા થઈ રહ્યા છે. નાગાલેન્ડથી કાશ્મીર સુધી, છત્તીસગઢમાં, મણિપુરમાં, દિલ્હીના શાસન સામે બળવો થઈ રહ્યો છે. હિન્દુત્વ સરકાર લઘુમતીઓ પર અત્યાચાર અને હત્યા કરી રહી છે.

એટલા માટે આ ઘટનાઓ બની રહી છે. અમે કોઈ પણ સંજોગોમાં આતંકવાદને સમર્થન આપતાં નથી. નિર્દોષ લોકો ક્યાંય પણ આવાં સ્થાનિક યુદ્ધોનું નિશાન ન બનવા જોઈએ. કેટલીક જગ્યાએ ભારતીય સેના અને પોલીસ અત્યાચાર કરી રહ્યા છે, તેથી સ્થાનિક લોકોમાં રોષ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનને દોષ આપવો યોગ્ય નથી. અમારી પાસે ઘણા પુરાવા છે. તેનો લાંબો ઇતિહાસ છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનનું આ નિવેદન ટૂંક સમયમાં ભારતીય સેના તરફથી મોટું પગલું લેવાની સંભાવના વ્યક્ત કરે છે.
            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top