ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સોગંદ લીધા છે ત્યારથી તેઓ સૂંઠ ખાઈને ભારતની પાછળ પડી ગયા છે. સૌ પ્રથમ તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની સોગંદવિધિમાં આમંત્રણ નહીં આપીને મોદીનું અને ભારતનું નાક કાપ્યું હતું. ત્યાર બાદ તેમણે ટ્રેડ વોર શરૂ કરી હતી, જેમાં ભારતને પણ સપાટામાં લીધું હતું. તેમણે ભારત ઉપર વેપાર ખાધ ઘટાડવા દબાણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે ભારતનાં ૧૦૪ નાગરિકોને હાથકડી પહેરાવીને લશ્કરી વિમાનમાં અપમાનજનક રીતે ભારતમાં પાછાં મોકલી દીધાં હતાં.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારાજ થયેલા ટ્રમ્પને મનાવવા ફોન કર્યો તો તેમણે જાણે મોદીને પોતાના દરબારમાં હાજર થવાનું ફરમાન છોડતાં હોય તેમ અમેરિકાની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. મોદી અમેરિકા પહોંચી ગયા તે પછી બિનરહેવાસી ભારતીયોની ખીચોખીચ હાજરીવાળી જાહેર સભામાં તેમણે ભારત ઉપર રેસિપ્રોકલ ટેરિફ નાખવાની ધમકી આપી હતી. આટલું ઓછું હોય તેમ દ્વિપક્ષી વાટાઘાટો દરમિયાન મોદી ઉપર અમેરિકાનાં એફ-૩૫ ફાઈટર જેટ વિમાનો ખરીદવા માટે પણ દબાણ કર્યું હતું. ભારત તરફથી તેનો સત્તાવાર કોઈ જવાબ આપવામાં ન આવ્યો હોવા છતાં ટ્રમ્પે જાહેરાત કરી દીધી હતી કે ભારત અમેરિકા પાસેથી ફાઈટર જેટ ખરીદવાનું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ભારત વેપાર ખાધ ઘટાડવા માટે અમેરિકા પાસેથી F-35 ફાઇટર જેટ સહિત વધુ તેલ, ગેસ અને લશ્કરી હાર્ડવેર ખરીદશે,પરંતુ બંને દેશો દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં F-35 વિમાનોની ખરીદીનો કોઈ ઉલ્લેખ નથી. મોદી અને ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ પછી, ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ કહ્યું છે કે હાલમાં F-35 ખરીદવાનો પ્રસ્તાવ ફક્ત એક પ્રસ્તાવ છે. ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ભારતને રેસિપ્રોકલ ટેરિફથી બચાવશે નહીં. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે ભારત સહિતના અન્ય દેશો અમેરિકા પર ગમે તેટલો ટેરિફ લાદે, અમેરિકા હવે તેમના પર એટલો જ ટેરિફ લાદશે. વધુ નહીં કે ઓછું પણ નહીં.
વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નેતાઓએ એકબીજાની પ્રશંસા કરી હતી અને શબ્દોના સાથિયા પૂર્યા હતા. નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના સૂત્ર MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેઇન) નો ઉલ્લેખ કરીને મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન કહ્યું હતું અને ઉમેર્યું હતું કે જ્યારે MAGA વત્તા MIGA એકસાથે આવે છે, ત્યારે તે MEGA બની જાય છે.મોદીએ ૨૦૩૦ સુધીમાં અમેરિકા સાથેના વેપારને બમણો કરવાની પણ વાત કરી હતી.
અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતાં ભારતીયોના વિવાદ અંગે મોદીએ કહ્યું કે આ મુદ્દા પર અમારા વિચારો સમાન છે અને જો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતાં કોઈ પણ ભારતીયની ચકાસણી થાય છે, તો અમે તેમને ભારત પાછા લઈ જવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. કેટલાક ઇમિગ્રન્ટ્સને માનવ તસ્કરો દ્વારા લાવવામાં આવે છે અને તેમને ખબર પણ નથી હોતી કે તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા છે.આ ખૂબ જ સામાન્ય પરિવારનાં લોકો હોય છે અને તેમને મોટાં સપનાં બતાવવામાં આવે છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા માટે મૂર્ખ બનાવીને સંવેદનશીલ યુવાનોને સુરક્ષિત રાખવા માટે માનવ તસ્કરી પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી અમેરિકાએ તેના લશ્કરી વિમાનનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સના સમૂહને લશ્કરી વિમાનમાં ભારત પાછા મોકલી દીધા છે.તેમને હાથકડી અને બેડી પહેરાવીને ભારત મોકલવામાં આવ્યા તે બાબતમાં ગયા અઠવાડિયે ભારતના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ભારત અમેરિકા સાથે મળીને કામ કરી રહ્યું છે જેથી ખાતરી કરી શકાય કે સ્વદેશ પરત ફરવાની પ્રક્રિયા દરમિયાન ભારતીય નાગરિકો સાથે કોઈ દુર્વ્યવહાર ન થાય.જો કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોદીને કોઈ ખાતરી આપવામાં નથી આવી કે આગામી દિવસોમાં ભારત પાછાં ફરનારાં ભારતનાં નાગરિકોનું અગાઉની જેમ હાથકડીઓ પહેરાવીને અપમાન કરવામાં નહીં આવે.
વડા પ્રધાન મોદી સાથે મુલાકાતના એક દિવસ પહેલાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત હોય કે અન્ય કોઈ દેશ, અમે તેમના પર એ જ ટેરિફ લાદવાના છીએ જે તેઓ આપણા પર લાદે છે.આ કામ કરવાની વહીવટી રીત છે અને અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ લાદશે.તાજેતરમાં જ વડા પ્રધાન મોદીએ ભારતના અન્યાયી અને ખૂબ જ કઠોર ટેરિફમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેના કારણે ભારતીય બજારમાં અમેરિકાની પહોંચ ઓછી થાય છે અને હું કહેવા માંગુ છું કે આ એક ખૂબ જ મોટી સમસ્યા છે.ભારત આપણા પર જે પણ ડ્યુટી લાદે છે, અમે પણ તેમના પર તે જ ડ્યુટી લાદીશું.ડોનાલ્ડ ટ્રમ્પે ભારત તરફ ઈશારો કરતાં કહ્યું કે આપણા સાથીઓ આપણા દુશ્મનો કરતાં પણ ખરાબ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ અને મોદી એક એવા કરાર પર પહોંચ્યા છે જે અમેરિકાને ભારતનો નંબર વન તેલ અને ગેસ સપ્લાયર બનાવી શકે છે.આ ભારત સાથેના ૪૫ અબજ ડોલરની અમેરિકાની વેપાર ખાધને ઘટાડવાની યોજનાનો એક ભાગ છે.ટ્રમ્પે કહ્યું કે આ વર્ષથી અમે ભારતને અબજો ડોલરના સંરક્ષણ વેચાણમાં વધારો કરીશું.અમે ભારતને F-35 સ્ટીલ્થ ફાઇટર પ્લેન પૂરા પાડવાનો માર્ગ શોધી રહ્યા છીએ. F-35 ફાઇટર જેટને વિશ્વનું સૌથી અદ્યતન ફાઇટર એરક્રાફ્ટ માનવામાં આવે છે. ભારતે ફ્રાન્સ પાસેથી જે રાફેલ વિમાનો ખરીદ્યાં છે તે ભારતની સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ છે. ભારતને હાલના તબક્કે નવાં ફાઈટર જેટની જરૂર છે કે નહીં, તેની પરવા કર્યા વિના ટ્રમ્પ ભારતના ગળામાં તેમનાં ફાઈટર જેટ પધરાવી દેવાના પ્રયાસો કરી રહ્યા છે.
આ બાબતમાં મોદી કેવો પ્રતિકાર કરે છે તે જોવાનું રહે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં ભારત-અમેરિકા સહયોગમાં સકારાત્મક પ્રગતિની વાત કરી હતી.તેમના કહેવા મુજબ અમેરિકન પરમાણુ ઉદ્યોગ માટે એક મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ભારત અમેરિકન પરમાણુ ટેકનોલોજીને ભારતીય બજારમાં પ્રવેશવા દેવા માટે નિયમોમાં સુધારો કરી રહ્યું છે. જો કે ભારતે અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓ પાસેથી અણુ ઊર્જાનાં કોઈ સાધનો ખરીદવાનો નિર્ણય કર્યો હોવાનું હજુ સુધી બહાર આવ્યું નથી. કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ શસ્ત્રોની જેમ અણુભઠ્ઠીઓ ખરીદવા વડા પ્રધાન મોદી પર દબાણ કરી રહ્યા છે.
મુંબઈ હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું કે મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમારા વહીવટીતંત્રે વિશ્વના સૌથી દુષ્ટ માણસોમાંના એકના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે.હવે તેમને કાનૂની કાર્યવાહીનો સામનો કરવા માટે ભારત મોકલવામાં આવશે. અમે તેમને તાત્કાલિક અસરથી ભારતને સોંપી રહ્યા છીએ અને અમને કેટલીક વધુ અરજીઓ મળી છે અને કેટલાંક અન્ય લોકોને પ્રત્યાર્પણ કરવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લા દેશમાં સત્તા પરિવર્તન પર કહ્યું કે અમેરિકાના ડીપ સ્ટેટની આમાં કોઈ ભૂમિકા નથી. ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે તમે બાંગ્લા દેશ વિશે શું કહેવા માંગો છો, કારણ કે અમે જોયું છે અને તે સ્પષ્ટપણે દેખાય છે કે જો બિડેનના વહીવટ દરમિયાન અમેરિકાનું ડીપ સ્ટેટ કેવી રીતે કામ કરી રહ્યું હતું? બાંગ્લા દેશના હાલના વડા પ્રધાન મુહમ્મદ યુનુસ જુનિયર સોરોસને પણ મળ્યા હતા. જોકે બિડેન સરકાર દ્વારા બાંગ્લા દેશમાં જે કોઈ ભૂમિકા ભજવવામાં આવી તેમાં ડોનાલ્ડ ટ્રમ્પની સંમતિ નહોતી, તેના પરથી ખ્યાલ આવે છે કે બાંગ્લા દેશમાં ફરી સત્તાપરિવર્તન થવાની સંભાવના છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
