સમ્રાટ અશોકે પોતાના શૌર્ય તેમજ કસાયેલી સેનાના પ્રતાપે કલિંગના મેદાનમાં યુદ્ધ લડતા શત્રુસેનામાં હાહાકાર મચાવી દીધો. સામા પક્ષે અગણિત સૈનિકો વીરગતિને પામ્યા. રણમેદાનમાં લોહીની નદી નહીં, પણ લોહીનો મહાનદ વહી નીકળ્યો. આ બધું જોતાં સમ્રાટ અશોકના હૃદયમાં કરુણા જાગૃત થઈ અને આ પ્રકારના માનવસંહાર માટેના અફસોસની એની સંવેદના સળગી ઊઠી. આ સંવેદના એને કરુણાના સાગર એવા ભગવાન બુદ્ધના ઉપદેશના શરણે લઈ ગઈ અને એણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, માત્ર એટલું જ નહીં પણ પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બોધિવૃક્ષની ડાળી લઈને ભારત બહાર બૌદ્ધ ધર્મના પ્રચાર અર્થે મોકલ્યાં. પરિણામ સ્વરૂપ શ્રીલંકાથી ચીન સુધી છેક જાવા, સુમાત્રા, બોર્નિયો સુધી બૌદ્ધ ધર્મ ફેલાયો. એક સમયે અડધા કરતાં વધારે એશિયા પર બૌદ્ધ ધર્મનો પ્રભાવ હતો અને ‘ધમ્મં શરણં ગચ્છામિ, સંઘમ્ શરણં ગચ્છામિ’નો મહામંત્ર સ્વીકારી લાખો લોકોએ શાંતિ, ક્ષમા અને ભાઈચારા, કરુણા અને અહિંસાનો બોધ જીવનમાં ઉતાર્યો જ્યારે એશિયાના પ્રભાવી બુદ્ધિસ્ટ દેશોમાં એશિયન અફેર્સ જે તાજી ઘટનાઓનું વર્ણન કરતું મેગેઝીન છે તેણે આ વિષયથી શરૂઆત કરતાં લખ્યું છે કે આજની સરકારોએ પોતાની ખોટા નિર્ણયો, અણઘડ વિદેશનીતિ અને નિષ્ફળ નીવડેલી ઘરઆંગણાની નીતિઓને કારણે થયેલી આર્થિક પડતીને કારણે માંદગીના બિછાને પછડાયેલા અર્થતંત્રને ઉગારવા અને તેમના દેશની સંપત્તિમાં વૃદ્ધિ કરવા બૌદ્ધ સાધુઓની આ સન્માનપાત્ર અને ગુણસભર પ્રથા, જે અક્ષયપાત્ર સમાન હતી, તેને તોડી મરોડીને ભીખ માંગવાના પાત્રમાં ફેરવી દીધી છે.
આવી ભિખારી વૃત્તિથી ભીખની શોધમાં હોય તેવો દેશ જો મહાસત્તાઓને અનુકૂળ આવે તેવા વિસ્તારમાં આવેલો હોય તો એ મહાસત્તાઓ દ્વારા અપાતી મદદ (ભીખ) માટે વધુ આકર્ષક બની રહે છે. આજે શ્રીલંકા બરાબર આવો જ દેશ છે. આ પ્રકારની વ્યાખ્યામાં વત્તાઓછા અંશે આપણે પાકિસ્તાનનો પણ સમાવેશ કરી શકીએ. હિંદ મહાસાગરમાં શ્રીલંકા આંતરરાષ્ટ્રીય સમુદ્રિક સીમાઓથી – જે પશ્ચિમથી પૂર્વ અને પૂર્વથી પશ્ચિમ માલસામાનનું વહન કરે છે – માત્ર ગણતરીના નોટીકલ માઇલ જેટલા અંતરે આવેલું છે. આ દેશની અર્થવ્યવસ્થા અત્યારે ખરેખર બંધનમાં જકડાયેલી છે. શ્રીલંકન પ્રમુખ ગોટાબાયા રાજપક્ષા સિંહાસને બેઠા તેના ટૂંક જ સમયમાં જ શ્રીલંકા મહામારીમાં સપડાયું અને હવે શ્રીલંકાએ પોતાનું માથું પાણીની સપાટીથી ઉપર રાખવા માટે ભીખ માંગવી પડે છે.
ડિસેમ્બર સુધીમાં શ્રીલંકાની વિદેશ મુદ્રા માત્ર ત્રણ અઠવાડિયાની આયાત માટે ચાલે તેટલી ૧.૨ મિલિયન ડોલરે પહોંચી ગઈ. તાજેતરમાં જ શ્રીલંકાએ અગાઉના મહિનાના વિદેશી દેવાની પરત ચુકવણીના ૫૦૦ મિલિયન ડોલર ચુકવ્યા. આ તો હજુ માત્ર શરૂઆત જ હતી. બીજા એક અબજ ડોલરની જુલાઈમાં જરૂર પડશે. ૨૦૨૨ માં કુલ પેઓફ ૭ અબજ ડોલરે પહોંચશે. દરમિયાનમાં મહામારીએ આ દેશમાં વિકસેલ ટુરિઝમનો કચ્ચરઘાણ વાળી દીધો. ટુરીઝમ શ્રીલંકાની વિદેશી મુદ્રા કમાનાર મુખ્ય પ્રવૃત્તિ છે. આટલું જેમ ઓછું હોય તેમ શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે દેશમાં આવતી વિદેશી મુદ્રા પર કડક નિયંત્રણો લાદ્યાં છે. આને પરિણામે શ્રીલંકામાં આવતા વિદેશી મુદ્રા ભંડોળ માટે પ્રવાસી મજૂરો હવે પોતાના કુટુંબને પૈસા મોકલવા માટે પૂરતું વળતર મળે તેવો કાળા બજારનો રસ્તો અજમાવી રહ્યા છે.
પણ આના કરતાં વધારે ગંભીર પરિસ્થિતિ તો રાજપક્ષા સરકારે રાતોરાત ગયા મે મહિનામાં શ્રીલંકામાં કેમિકલ ફર્ટીલાઇઝરની આયાત પર પ્રતિબંધ મૂકીને વિશ્વનો પહેલો ગ્રીન કન્ટ્રી બનવા માટે જે તઘલખી દાવ ખેલ્યો છે તેને કારણે સર્જાઈ છે. આ પગલું આમ તો પ્રશંસાપાત્ર છે, પણ કેમિકલ ફર્ટીલાઇઝર ઉપરનો એકાએક મુકાયેલો પ્રતિબંધ અને બીજા એગ્રો કેમિકલ્સ જે શ્રીલંકન ખેડૂતો છેલ્લાં ૫૦ વરસથી વધુ સમયથી વાપરે છે તેને પણ પ્રતિબંધિત કરી દીધાં છે. પરિણામ સ્વરૂપ ચોખા અને અન્ય પાકની વાવણી અને ઉછેર ખાડે ગયા છે. કૃષિનિષ્ણાતો અને અન્ય એક્સપર્ટ દ્વારા નિષ્ફળ ગયેલ વાવણીને કારણે અને માત્ર કેટલાંક ખેતરો જ ખેડાયેલાં હોવાને કારણે ખાદ્ય પદાર્થોની તીવ્ર અછતની આગાહી કરાઇ હતી.
પણ સરકારે આ ચેતવણીને ફગાવી દીધી હતી અને ઉલટાનું કૃષિ મંત્રાલયના વિવિધ વિભાગોના વડાને નોકરીમાંથી છૂટા કરી દીધા એટલું જ નહીં પણ કૃષિ નિષ્ણાતોને પણ આવી ગભરાટ ફેલાવે એવી આગાહી કરવા માટે ઘરભેગા કરી દેવામાં આવ્યા. આને કારણે ઊભી થયેલી અનાજની તીવ્ર તંગીમાં અટવાયેલી સરકાર તંગી વધુ વકરે તેવું કરી રહી છે. બીજી બાજુ આયાતો ઘટાડી દેવામાં આવી છે અને જરૂરી દવાઓ પણ ફોરેન કરન્સીના અભાવે આયાત કરવામાં નથી આવી રહી. આને પરિણામે જાહેર જનતામાં રોષ ઊભો થયો છે અને ખેડૂતો પણ તેમાં જોડાઇને રસ્તા પર આવી જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક સમયના સમૃદ્ધ કૃષિ બજારમાં આ કટોકટી ઊભી થઈ છે તેમ છતાં સરકાર જાહેર જનતામાં ખાસ કરીને સિંહાલા-બુદ્ધિસ્ટ વોટર્સમાં તેમજ ગ્રામ્ય પ્રજામાં પોતે હજુ પણ લોકપ્રિય છે ને પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવી હોય તો શ્રીલંકાએ આ ગંભીર સ્થિતિનો સામનો કરવા એના વફાદાર અને દરેક ક્ષેત્રે મિત્ર ચીન સિવાય પણ બીજે નજર દોડાવવા માંડી છે.
પહેલું, પૂરતી વ્યવસ્થા વગર કોઈ પણ દેશ જેમ કે શ્રીલંકાએ ઓર્ગેનિક દેશ બનવાનું નક્કી કર્યું અને કેમિકલ ફર્ટીલાઇઝરની પોતાના દેશમાં આયાત બંધ કરી તે લાંબા ગાળે સારું પગલું નીવડી શકે પણ આવનાર સમયમાં તો એના કારણે ઊભી થનાર પરિસ્થિતિ અને તાત્કાલિક અનાજ આયાત કરવાની જરૂરિયાત શ્રીલંકામાં હિંસક દેખાવો બહુ જલદી કરાવે તેવું લાગે છે. બીજું, શ્રીલંકા પાસે ત્રણ અઠવાડિયાં ચાલે તેટલો વિદેશી મુદ્રાનો જથ્થો છે. જીવનજરૂરિયાતની અતિ અગત્યની વસ્તુ એવું અનાજ અને દવાઓ બંને આયાત ન કરાય એટલે ટૂંક સમયમાં આ બંને જીવનજરૂરિયાતની વસ્તુઓની અછત શ્રીલંકામાં સર્જાશે. વિદેશી મુદ્રાના અભાવમાં શ્રીલંકાએ લીધેલ નિર્ણયોના કલ્પનાતીત ભયંકર પરિણામ આવશે, જેમાં ભૂખમરાથી માંડી રોગચાળાને કારણે મોટી સંખ્યામાં મૃત્યુ થાય એ નકારી શકાય એવું નથી. આ માટે વિશ્વ સમુદાય પાસે ધા નાખી કાંઈક રસ્તો કાઢવો પડશે જે એટલો સરળ નહીં હોય. ભારત માટે શ્રીલંકા સાથેના સંબંધો વધુ સુધારવાની આ મોટી તક છે. આપણે શક્ય હોય તેટલો તેનો લાભ લેવો જોઈએ.
ત્રીજું, શ્રીલંકાના પ્રવાસી મજૂરોનું ફોરેન એક્સચેન્જ પ્રતિબંધિત કરવાનો ખાસ કરીને એવા સમયે જ્યારે શ્રીલંકા ખૂબ મોટી ફોરેન એક્સચેન્જ ક્રાઈસિસમાંથી પસાર થઈ ગયું છે ત્યારે શું કારણ હોઈ શકે? આ વિદેશમાં કામ કરતાં શ્રીલંકન નાગરિકોને શ્રીલંકામાં રહેતાં એમનાં કુટુંબીજનોને જીવાડવા માટે પૈસા તો મોકલવા જ પડે અને એટલે કાળાબજારની વિદેશી મુદ્રા બજારમાં ચેનલ ઊભી થઈ જે સરવાળે શ્રીલંકાના પોતાના હિતમાં નથી. રાજપક્ષાની સરકારે એક કરતાં વધુ ભૂલો કરી છે, જેને પરિણામે શ્રીલંકાની અર્થવ્યવસ્થા, રોગ પ્રતિરોધક દવાઓની ઉપલબ્ધિ તેમ જ ‘રોટી’ જેવી એક પાયાની જરૂરિયાત એવા અનાજની તંગી ઊભી થઈ છે. આનાં પરિણામો યુદ્ધ કરતાં પણ વધુ ગંભીર આવી શકે છે. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી એની વિદેશનીતિ થકી શ્રીલંકાને ભૂખમરામાંથી બહાર લાવવા અનાજ તેમજ દૂધનો પાવડર જેવી બાબતે મદદ કરવી જોઈએ અને ભારત શ્રીલંકાને મદદ કરી પણ રહ્યું છે કેમ કે જો ભારત આવું નહીં કરે તો શ્રીલંકા પાસે ચીન સિવાય ભીખ માંગવા બહુ ઓછા દેશો છે.
ડૉ. જયનારાયણ વ્યાસ
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.