Entertainment

હાઉસ અૉફ ફૂલ્સબોક્સ ઓફિસ પર ડબ્બાડૂલ કે કરશે રુલ?

બોલિવૂડની 2025ની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ઈન્ટરવલ પડવા આવ્યું છે, આ 6 મહિનામાં બોક્સઓફિસ પર ‘છાવા’ સિવાય કોઈ ફિલ્મે કઈ ખાસ ધમાલ નથી મચાવી. થિયેટરોમાં ‘હાઉસફૂલ’નાં બોર્ડ છેલ્લે ક્યારે જોવા મળેલા? યાદ નહીં હોય… સારી ફિલ્મો આવી પણ ‘પૈસા વસૂલ’ ફિલ્મ જોવા ટેવાયેલી ઇન્ડિયન ઑડિયન્સ હજી ખાસ ખુશ નથી થઇ પણ આ અઠવાડિયે આવી રહેલી હાઉસફુલ-5ની પાસે ઠીકઠીક આશા છે. આવું ફિલ્મના મેકર્સ અને થિયેટરના માલિકો પણ કહી રહ્યા છે. આ વાતનો હિસાબ લગાડતા તેમનું કહેવું છે કે અત્યાર સુધીમાં ‘હાઉસફુલ 5’ની લગભગ 13 હજાર ટિકિટ વેચાઈ ગઈ છે. જેનું 51 લાખ રૂપિયા કલેક્શન છે. તે જ સમયે, બ્લોક સીટ્સ સાથે આ ફિલ્મ પહેલાથી જ 3 કરોડ રૂપિયા કમાઈ ચૂકી છે! આ ફિલ્મના એક અઠવાડિયા પહેલાના આંકડા હતા, રિલીઝ પહેલા આ રકમ હજી ઉંચી જવાના સપના ફિલ્મ મેકર્સ જોઈ રહ્યા છે અને શક્ય પણ છે કારણે કે આટલા સમયથી રોજ IPL જોઈ થાકેલી ઑડિયન્સ હવે થિયેટર તરફ જશે. જો આ ‘હાઉસફુલ 5’ પહેલા દિવસે 30 કરોડની ઓપનિંગ કરે છે, તો તે અક્ષયના કરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની શકે છે.
પણ આ હાઉસફુલ ફક્ત અક્ષયની ફિલ્મ નથી ભાગ -5 તો અડધા બોલિવૂડ સ્ટાર્સથી ભરેલો છે. ફિલ્મની કાસ્ટ જોઈએ તો અક્ષય, રિતેશ, અભિષેક, સંજય દત્ત, ફરદીન, શ્રેયસ, નાના પાટેકર, જેકી શ્રોફ, ડીનો મોરિયા, જેકલીન, નરગીસ, ચિત્રાંગદા, સોનમ બાજવા, સૌંદર્યા શર્મા, ચંકી અને જ્હોની લીવર – અધધ કલાકાર છે. એમ તો કોમૅડી ફિલ્મમાં આટલા સ્ટારનું હોવું સામાન્ય છે પણ અત્યારના હાલ જોતા આ તમામ કલાકાર મળીને પણ થિયેટરને હાઉસફુલ કરશે કે નહીં તે સવાલ છે. આની માટે મેકર્સે ખૂબ મજેદાર પ્રયોગ કર્યો છે! હાઉસફુલ 5 બે વર્ઝન સાથે રિલીઝ કરવા જઈ રહી છે. એટલે કે એક જ ફિલ્મના બે અલગ અલગ એન્ડિંગ છે અને બંને અલગ ફિલ્મો એક સાથે રિલીઝ થવાની છે. ડિરેક્ટર તરુણ મનસુખાની કહે છે કે તમે એક જ ફિલ્મ જુઓ તો પણ બીજી ફિલ્મમાં કંઈ મિસ નથી થવાનું બસ આ બંને ફિલ્મનાં એન્ડિંગમાં જે મર્ડરર છે તે બદલાઈ જશે! બની શકે લોકો બંન્ને ફિલ્મ જોવા જાય અને બંન્ને નાપસંદ કરે તેવું પણ બને ને! મેકર્સ આ ફિલ્મને બોલિવૂડની લોન્ગેસ્ટ ફ્રેન્ચાઇઝી કહી માર્કેટિંગ કરી રહ્યા છે. આખરી હાઉસફુલ-4 2019માં રિલીઝ થઇ હતી જે લગભગ 300 કરોડની કમાણી કરીને તે 2019 માં 7મી સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મનો ટેગ મેળવ્યો હતો પણ ઑડિયન્સને તેમાં મજા નહોતી આવી તે પણ યાદ રાખવું જોઈએ. ઈન્ટરનેટ પર આટલી મોટી કાસ્ટને લોકો ક્રિટીઝાઈસ કરી રહ્યા છે, પાછલી દરેક ફ્રેન્ચાઈઝીમાં કાસ્ટ, ડિરેક્ટર ચેન્જ કર્યા બાદ આને કોની ફિલ્મ કહેવી? આ બધા વચ્ચે એક વાતની ખૂબ ચર્ચા છે, આ ફિલ્મ એક્ટ્રેસ માટે ‘પનોતી’ સાબિત થઈ છે! હાઉસફુલ ફ્રેન્ચાઇઝીમાં દેખાનારી મોટાભાગની એક્ટ્રેસનું કરિયર અટકી ગયું છે. જેમ કે હાઉસફુલ 1માં લારા દત્તા- જે પછી ક્યારે દેખાઈ કોઈને જાણ નથી અને જિયા ખાન- આ તેની છેલ્લી ફિલ્મ બની. હાઉસફુલ-2ની અસીન પરણી ગઈ, ઝરીન ખાન અને શહઝાન પદમસી- ઓળખો છો આમને? એમ તો હાઉસફુલ-2 પછી જેક્લિનને પાછળથી મોટી પ્રોબ્લમ્સનો સામનો કરવો પડ્યો હતો.. હાઉસફુલ 3 માં આવેલી લિસા હેડન અને હાઉસફુલ 4 માં કૃતિ ખરબંદા; આ બધી જ એક્ટ્રેસ હાઉસફુલ પછી ક્યારેય કોઈ યાદગાર ફિલ્મ આપી નથી શકી. આ ‘5’ કોના કરિયરનો ભોગ લેશે? (ખેર સોનમ બાજવા આ ફિલ્મથી બોલિવૂડમાં લાઇમલાઇટમાં આવવા થનગની રહી છે) દીપિકા હજુ સારી ફિલ્મો કરે છે. જેકલીન પણ પોતાની રીતે આગળ વધી રહી છે. મૂળ વાત, ઘણા સમય પછી દર્શકોને પેટ પકડીને હસાવે તેવી ઇન્ડિયન ‘પૈસા વસૂલ’ ફિલ્મ જોવાની આશા સાથે ઑડિયન્સ થિયેટરમાં આવવાની છે. હેરાફેરી, ધમાલ, હંગામા અને માલામાલ વીકલી જેવી ફિલ્મો હજીયે મનગમતી ફિલ્મોની યાદીમાં છે. એવી ફિલ્મ જોવાની મજા ગાયબ છે. ઍવોર્ડ લાવે કે બોક્સ ઓફિસ પર ખૂબ પૈસા કમાય એ વિચાર્યા વગર બનેલી આ ફિલ્મોનો ખાસ ફોર્મ્યુલા હતો જે હાલની ફિલ્મમાં નથી દેખાઈ રહ્યો. આળસુ મેકર્સ દર વખતે કોપી અને રિમેકના નામે તે ફિલ્મની મજા મારતા આવ્યા છે. પ્રિયદર્શન અને નીરજ વોરા જેવા ડિરેકટરો ખરેખર જાણતા હતા કે તે આ હ્યુમરને કેવી રીતે હેન્ડલ કરવું. ઉપરાંત, કોમેડી હવે થોડી જોખમી પણ બની છે. લોકો મજાકને ખૂબ ગંભીર રીતે સમજે છે! જોવું રહ્યું આ ફુલ્સથી ભરેલા હાઉસમાં લોકોને ફુલ એન્ટરટેઈનમેન્ટ મળે છે કે ડિસએપોઈન્ટમેન્ટ! •

Most Popular

To Top