Charchapatra

હિંદુ રાષ્ટ્રથી ફાયદો થશે?

કેન્દ્રમાં 11 વર્ષથી કહેવાતી હિંદુ સરકાર યેનકેન પ્રકારે ખુરશી પકડીને બેઠી છે. જે ચૂંટણી આવતાં હિંદુઓને સતત ઉશ્કેરાયેલાં રાખે છે. હિંદુઓ પોતાનાં મકાનો-વાહનો ઉપર ભગવી ઝંડીઓ લગાવી રહ્યાં છે. વાહનો ઉપર હિંદુ લખાવી ફરી રહ્યાં છે. આ દેશની અને એમના જીવનની તમામ સમસ્યાઓ માટે મુસલમાનોને જવાબદાર ગણી રહ્યા છે અને ઉપર જણાવ્યા મુજબનાં નાટકો કરવાથી એ તમામ સમસ્યાઓ દૂર થશે ના ભ્રમમાં જીવે છે. સંઘ અને ભાજપે આજે એમના દિમાગમાં ઠાંસી દીધુ છે. મારા વિચાર મુજબ તો દેશની મોટા ભાગની સમસ્યાઓ પાછળ હિંદુઓની માનસિકતા જવાબદાર છે.

શું દેશને હિંદુ રાષ્ટ્ર જાહેર કરાય તો આ માનસિકતા બદલાઇ જશે? તમારી શેરી કે સોસાયટીમાં વાળવા માટે આવતો 40/50 હજારનો પગાર ખાતો હિંદુ સફાઇ કામદાર યોગ્ય કામ કરે છે? તમે હિંદુ છો અને કોઇ કામ લઇને કચેરીમાં જાઓ છો. ત્યાંનો હિંદુ અધિકારી રૂપિયા ખાધા વગર ફટાફટ તમારું કામ કરે છે. હિંદુ ટ્રસ્ટીઓ સંચાલિત શાળાઓ ડોનેશન વિના ગરીબ હિંદુઓનાં બાળકોને પ્રવેશ આપે છે? તમે દલિત હિંદુ છો. તમારી પડોશમાં રહેતો બ્રાહ્મણ કે વણિક પરિવાર પોતાની દીકરી તમારા દીકરા સાથે પરણાવશે? દલિતો-પીડિતો અને વંચિતો ઉપરના અત્યાચારો બંધ થશે? દેશમાં 95 ટકા ભ્રષ્ટાચાર હિંદુઓ જ કરે છે એ બંધ થશે? જો ના તો કેવું હિંદુ રાષ્ટ્ર આ લોકો બનાવશે?
સુરત     – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top