Business

હોલમાર્ક (BIS) થી સોનામાં સુગંધ ભળશે કે દેશનું હોલમાર્ક કરપ્શન વધશે?

વડાપ્રધાન વખતોવખત કહેતા રહે છે કે એમની સરકાર બિનજરૂરી કાયદાઓ રદ કરીને ટોપલીમાં પધરાવી રહી છે. જરીપુરાણા, નકામા કાયદાઓ રદ કરો તે સારી બાબત છે. કામકાજ સ્ટ્રીમલાઇન થાય. પરંતુ તેથી પણ વધુ મહત્ત્વની, વધુ જરૂરી વાત એ છે કે જે ચલણમાં છે તે આવશ્યક કાનૂનોનું યોગ્ય પાલન થાય. જૂના કાનૂનો રદ કરવાથી કાર્યદક્ષતામાં કોઇ ખાસ ફરક જણાતો નથી અને વર્તમાનમાં જરૂરી કાયદાના પાલનમાં કોઇ ચુસ્તી, સ્ફુર્તિ જણાતી નથી. તેનાં ઘણાં દ્રષ્ટાંતો મોજૂદ છે.

સરકાર ગમે તે પક્ષની હોય, ઘણાં વરસોથી એવું થતું જોવા મળે છે કે પાલન કરવાના કોઇ મનોરથ, કોઇ ઇરાદા વગર સરકારો કાનૂન બનાવતી રહે છે. કોંગ્રેસના શાસનમાં ગુંડાઓને સંસદમાં આવકારવા માટે લીલી જાજમ બિછાવવાની જોગવાઇ કરતો કાનૂન બનવાની તૈયારીમાં હતો. હિન્દુ-મુસ્લિમના ઝઘડામાં હિન્દુને જ કસૂરવાર ગણીને પોલીસકામ ચલાવવાનો કાયદો સોનિયા ગાંધીની પાઇપલાઇનમાં હતો. સોનિયા એ રાજીવ ગાંધીના વિધવા છે જે રાજીવ દેશને એકવીસમી સદીનો આસ્વાદ કરાવવાના નારા લગાવતાં લગાવતાં દેશને શાહબાનુ કાયદાની ભેટ આપીને સાતમી સદીમાં લઇ ગયા હતા. આવી કોંગ્રેસ પાસેથી કોઇ તાર્કિક ન્યાયની આશા ન રખાય પણ ઇરાદા વગર, ઇચ્છાશકિત વગર કાયદો ઘડવાનો ઉમંગભર્યો વારસો કોંગ્રેસે ભાજપને સોંપ્યો હોય એ રીતે ભાજપની સરકારો વર્તી રહી છે.

કાનૂન ઘડવા પડે એટલે ઘડે છે કે પછી શુભ ઇરાદાથી ઘડાય છે તે કહેવું મુશ્કેલ છે. લોકોને હવે ખાતરી થવા માંડી છે કે સરકારો પ્રજાને હેરાન કરવા અને કરપ્શન વધારવા માટે જ કાયદાઓ લઇ આવે છે. સંસારસારમ એ કે એવા કોઇ નવા, જરૂરી અને શુભઇરાદાઓ સાથેના કાનૂન અમલમાં આવે તો પણ પ્રજા વિરોધ કરવા માંડે છે. પ્રજાને સરકારો પર વિશ્વાસ રહયો નથી. સામૂહિક પ્રજા પોતે પણ ખૂબ સ્વાર્થી હોય છે. પોતાનાં થોડાં હિતો ઘવાય એટલે રાષ્ટ્ર કે સમાજની બૂરી દશા થશે એવી દલીલો કરીને વિરોધ કરવા માંડે છે. નેતાઓની આપસી લડાઇ પણ દેશહિતને નેવે મૂકીને સ્વાર્થપૂર્તિ માટે લાગી જાય છે.

નીતિન ગડકરી રસ્તા અને વાહનો માટે જરૂરી કડક કાયદો લઇ આવ્યા હતા. અમલ શરૂ થયો. પ્રજાને આકરું પડવા માંડયું. વિરોધ થયો તો તે વિરોધમાં ગુજરાતના અને હરિયાણાના ભાજપના મુખ્ય મંત્રીઓ જોડાયા. ગડકરીના પોતાના પક્ષમાં અને સરકારમાં વિરોધીઓ ઘણા છે. કેન્દ્ર સરકારે પણ કાનૂનપાલનમાં લચીલું વલણ અપનાવ્યું. છો ને લોકો મરતા. કોઇને ખુદકશીનો શોખ જાગે તો શું કરવું? દર વરસે રસ્તાઓ પર લગભગ દોઢ લાખ જેટલાં લોકો અને તેમાંય લબરમૂછિયાં યુવાનો માર્યા જાય છે. સમજો કે દોઢ લાખની વસતિ ધરાવતું એક શહેર દર વરસે સાફ થઇ જાય છે. હવે એ કાયદાની શી સ્થિતિ છે? કોઇ જાણતું નથી.

સરકાર ગુટખા પર પ્રતિબંધ મૂકે છે અને સાથે લૂપહોલની પણ ગણતરીપૂર્વક વ્યવસ્થા રાખે છે. તમાકુ, ચૂનો, સોપારી અલગ અલગ પાઉચમાં ભરીને વેચી શકાય પણ એક પાઉચમાં ભરીને ન વેચી શકાય. હવે અલગ અલગ મળે છે. કાયદો પણ છે. જેથી એક વર્ગને લાગે કે સરકાર પ્રજાના હિતમાં નિર્ણયો લે છે. ખાવા હોય તેને મળી રહે છે અને તેઓને પણ લાગે છે કે સરકાર અમારી છે. સરકારને આખરે તમામ લોકોના મત જોઇએ છે.

પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ છે પણ વેપારીઓને ડરાવીને પૈસા પડાવવા પૂરતો છે. વડા પ્રધાન પેરિસ પરિષદમાં પર્યાવરણ જાળવવાની પ્રબળ ઝુંબેશ ઉઠાવીને આવ્યા હતા. ફલત: આંતરરાષ્ટ્રીય સમુદાયને ખુશ કરવા કોથળી (પ્લાસ્ટિક) વિરોધી કાયદો તો ઘડવો જ પડે પણ કોથળીઓ બંધ કરાય તો મતદાન અગાઉ વહેચાતી કોથળીનું શું થાય? એટલા બધા કાનૂનો છે જે લાગે છે કે ઇન્સ્પેકટરોનાં કુટુંબો અને તેમના યોગક્ષેમ માટે જ ખાસ ઘડવામાં આવ્યા છે.

એ વાત પણ ઉપજાવી કાઢેલી નથી કે ઇન્સ્પેકટરથી શરૂ થતી શ્રૃંખલા ધારાસભ્યથી માંડીને પ્રધાન, મુખ્ય પ્રધાન અને પક્ષપ્રધાન સુધી જાય છે. વાહન અને રસ્તાઓના કાનૂનોના પાલનમાં આ વાત અનેક વખત જાહેર થઇ છે. કાયદાઓ છે તો કમાણી છે. તે માટે પણ ઘડવા પડે. ભારતમાં કે ગુજરાતમાં કોઈ પણ શાકભાજીની માર્કેટમાં તોલમાપ સાચાં હોતાં નથી. ઇન્સ્પેકટરો ઇચ્છતા નથી કે તે સાચા હોય. ઇન્સ્પેકટરો ઇચ્છતા નથી કે કોઇ ખોરાકમાં ભેળસેળ ન હોય. પોલીસ ઇચ્છતી નથી કે દારૂની ભઠ્ઠીઓ બંધ થાય. સરકાર ઇચ્છતી નથી કે દારૂબંધી દૂર થાય. જે કારખાનાં પ્લાસ્ટિકની પ્રતિબંધિત થેલીઓનું ઉત્પાદન કરે તેવાં કારખાનાંને સીલ મારી દે તો મૂળમાંથી જ ઓછા ખર્ચે દૂષણ કાઢી શકાય.

સહેલો અને સરળ માર્ગ અપનાવે તો દેશનું ભલું થાય પણ અભણોની આમદાની, ઐયાશી બંધ થઇ જાય. નકલી દવાઓ, નકલી નોટો, નકલી માલસામાન, નકલી માણસોના યુગમાં નકલી ઇન્સ્પેકટરો પણ સ્વાભાવિક ગણાતા થયા છે. અહીં આ ચર્ચા એ માટે થઇ રહી છે કે જૂનની આ પંદર તારીખથી ભારતમાં સોનાનાં ઘરેણાં ખરીદવા જશો તો જવેલરે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અર્થાત BIS હેઠળનો પોતાનો રજીસ્ટ્રેશન નંબર તમોને બતાવવો પડશે. આ ભારતીય માનક પ્રમાણે જવેલરી પર સૂક્ષ્મ રીતે અંકિત કરેલી નિશાનીઓ, ફીગર વગેરે મેગ્નિફાઇંગ ગ્લાસ વડે દર્શાવશે અને તેની વિગતો સમજાવશે. બિલમાં ઘરેણાનું વજન, શુધ્ધતા, કિંમત, હોલમાર્કિંગ વગેરેની વિગતો અલગ અલગથી લખીને આપશે. BISની આ સિસ્ટમ નવી નથી.

હીરાની શુધ્ધતા અને મૂલ્ય વિશેનાં પ્રમાણપત્રો ખાનગી સંસ્થાઓ દ્વારા અપાય છે. તે જ રીતે BISના ત્રિકોણનો લોગો તમે જવેરીઓની દુકાન પર કે બહાર દરવાજા પર ચીપકાવેલો જોયો હશે. ફરક માત્ર એ છે કે હમણાં સુધી એ સ્ટાન્ડર્ડ જવેલરીઓ સ્વૈચ્છિક રીતે અપનાવતા હતા, જેથી ગ્રાહકોને શરાફી વેપારીઓ પર શ્રધ્ધા બેસે. હવે આ વ્યવસ્થા ફરજિયાત બનાવવામાં આવી છે. આ સિસ્ટમ મુજબ અત્યાર સુધી દેશમાં ત્રીસ ટકા ઘરેણાં વેચાતાં હતાં. સીત્તેર ટકા એમ જ વેપારી પરના વિશ્વાસ થકી વેચાતા હતા. 2000ની સાલથી વેપારીઓએ BIS માનક અપનાવ્યો છે. પરંતુ નાનાં ગામો અને શહેરોમાં દેશના 500 જિલ્લા મથકોમાં આ માનક નક્કી કરવા માટે લેબોરેટરી સાથેનાં કોઇ કેન્દ્રો નથી. તે કારીગરો જાતે ઘરેણાં ઘડશે તેને પ્રમાણિત કરાવવા માટે ખૂબ દૂર સુધી વારંવાર જવું પડશે. નવી વ્યવસ્થા પ્રમાણે ઝવેરીઓ માત્ર BIS પ્રમાણિત ઘરેણાં જ વેચી શકશે. ઘરેણાં કે સોનાની કલાકૃતિ સાથે ચાર વિગતો અવશ્ય અંકિત કરવી પડશે. પ્રથમ BISનો માર્ક, બીજી સોનાની શુધ્ધતાનો ગ્રેડ, ત્રીજી હોલમાર્ક સેન્ટરનો લોગો અને ચોથી ઝવેરીની ઓળખાણનો નંબર.

કોરોના સંકટનો માર ખમી ગયેલા ઝવેરીઓને આ હોલમાર્કિંગ કાનૂનની અમુક જોગવાઇઓ ડરાવે છે. તેઓને હોલમાર્ક ધરાવતાં ઘરેણાં વેચવા સામે કશો વાંધો નથી. ફરજિયાત ન હતું ત્યારે પણ તેઓ આ સ્ટાન્ડર્ડ પ્રમાણે વેચાણ કરતા હતા પરંતુ હવે અનિવાર્ય બનવાથી ઇન્સ્પેકટરોની ધોંસ, દાદાગીરી વધી જશે તેનો તેમને ડર છે. અમુક જોગવાઇઓ સરકાર રદ કરે તેવી બુલિયન એન્ડ જવેલર્સ એસોસીએશને માગણી રાખી છે.

એક તો એ કે વગર માર્કાનાં ઘરેણાં વેચાતાં જોવા મળશે તો તેની કિંમતનો દસ ગણો અથવા આગલા વરસના ટર્નઓવરનો દસ ગણો દંડ વેપારીને ફટકારવામાં આવશે. માર્ગવાહનના કાયદામાં સરકારો માને છે કે લોકોના જીવનનું કોઇ મૂલ્ય નથી અને આ ઘરેણાંના કાનૂનમાં માને છે કે કિંમતી ઘરેણાં પહેરવા આવશ્યક છે. સોનાનાં મૂલ્ય સામે માનવીનો કોઇ મોલ નથી.

વેપારીઓનું કહેવું છે કે શુધ્ધતાનું પ્રમાણપત્ર હોલમાર્ક સેન્ટર દ્વારા જ આપવામાં આવે છે. એ જ છાપ મારીને આપે છે. આથી શુધ્ધતામાં કોઇ ઘાલમેલ જણાય તો વેપારીને બદલે હોલમાર્ક વિભાગ જ જવાબદાર ગણાવો જોઇએ, વેપારી નહીં. ઘરેણાં ઘડવાની પ્રક્રિયામાં સાંકળમાં અનેક લોકો સંકળાયેલા હોય છે. પ્રક્રિયાના દરેક તબક્કે હોલમાર્કિંગ કરાવવાનું રહેશે જે કષ્ટદાયક નીવડશે. છૂટક વેપારીઓ કરતાં જથ્થાબંધ વેપારીઓને વધુ તકલીફો પડશે. એક જથ્થાબંધ વેપારી ઘરેણાંના 500 પીસનું નિર્માણ કરે અથવા લે-વેચ કરે ત્યારે 500 દાગીનાનું હોલમાર્કિંગ કરાવવાની વિધિ ઝંઝટભરી બનશે. દરેક દાગીના માટેના માનકો ચકાસવા ઉપરાંત દરેકની આગવી UID (ઓળખ) તૈયાર કરવી પડશે. ત્યાર બાદ હોલમાર્કિંગ સેન્ટરમાં તે દાગીના મોકલવાના રહેશે. તેમાં ફરક જણાય તો સેન્ટર એ ઘરેણું વેપારીને પરત સુધારવા માટે મોકલશે.

વેપારીઓની દલીલ છે કે જેમ ઝંઝટ વધારે તેમ ભૂલો થવાની શકયતા વધારે. ભૂલો થશે તો ઇન્સ્પેકટર રાજને પ્રોત્સાહન મળશે. ઘણા વેપારીઓ પાસે ગયા વરસે અને તે અગાઉ તૈયાર વધેલો માલ પડયો છે જે હોલમાર્ક સ્ટાન્ડર્ડ પ્રમાણેનો નથી. તેને ગાળીને નવેસરથી હોલમાર્ક મુજબનાં ઘરેણાં તૈયાર કરવા પડશે. તેનો ખર્ચ વધશે. કોરોના સંકટમાં વેવિશાળ, લગ્ન જેવી વિધિઓ ખાસ થઇ નથી. દુકાનો બરાબર ખૂલી રહી નથી તેથી જૂનો માલ પણ ઘણો પડયો છે. દેશમાં ચાર લાખ જવેલરો છે તેમાંથી લગભગ 36000 હાલમાં BISમાં રજીસ્ટર થયેલા છે. ફરજિયાત હોવા છતાં બાકીના ઝવેરીઓમાં રજીસ્ટ્રેશન માટે ખાસ ઉત્સાહ જોવા મળતો નથી.

દેશમાં અસંગઠિત ઝવેરીઓની સંખ્યા મોટી છે. હાલમાં 940 હોલમાર્ક સેન્ટરો છે જે વર્તમાન સભ્યસંખ્યાના કામકાજને પહોંચી વળવા માટે પૂરતા નથી. જો કે JJEPC (જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ના હોદ્દેદારો દિનેશભાઇ નાવડિયા કહે છે કે GSTનો કાનૂન પ્રારંભમાં વેપારીઓને કઠીન લાગ્યો હતો પણ ધીરે ધીરે બધું થાળે પડી ગયું તેમ હોલમાર્કના અમલ બાદ પણ થાળે પડી જશે.

Most Popular

To Top