Business

પિતાની જેમ ફરહાનને ય બીજા લગ્ન ફળશે?

કેટરીના કૈફ અને વિકી કૌશલ ફિલ્મ જગતના બીજા લોકો માટે સારા મૂહુર્તમાં પરણ્યા લાગે છે. એ લગ્ન પછી ઘણાએ લગ્નનાં મૂહુર્ત કઢાવ્યા. હમણાં 18મી ફેબ્રુઆરીને વિક્રાંત મેસ્સી અને શીતલ ઠાકુર પરણી ગયા અને તેના બીજા જ દિવસે ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર પરણ્યા. ફરહાન આ પહેલાં અધૂના સાથે પરણ્યો હતો અને તેનાથી બે બાળકોનો પિતા પણ છે હવે શિબાની સાથે પરણવાથી એક પછી બીજી પત્નીનો પતિ થયો ગણાય. તેઓ બંને ચારેક વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા અને તેમની હોટ લાગે તેવી તસવીરો, વિડીયો લોકોએ જોયા છે. ફરહાન-શિબાની પરણશે એ નક્કી જણાતું હતું અને જાવેદ અખ્તર-શબાના આઝમીના ખંડાલા ખાતેના ફાર્મ હાઉસમાં તેઓ પરણી ગયા છે. તેઓ હિન્દુ વિધિથી પરણશે કે ઇસ્લામ પ્રમાણે એ વાતનો પણ છેદ ઉડાવ્યો. એવી કોઇ ધાર્મિક વિધિ વિના તેઓ પરણ્યા છે.

આ એક સારું વલણ કહેવાય. (લવજેહાદના નામે ચર્ચા-ઉહાપોહ કરનારા આનાથી નિરાશ થઇ શકે) આ મહિનાના અંતમાં મુંબઇમાં તેઓ ગ્રાન્ડ રિસેપ્શન યોજવાના છે. ખંડાલાના ફાર્મ હાઉસમાં તો ફરહાન જેની સાથે ફિલ્મ બનાવે છે તે રિતેશ સિધવાની ઉપરાંત ઋતિક રોશન, સમીર કોચર, ગૌરવ કપૂર, મોનિકા ડોગ્રા અને સુશાંત સિંહના અપમૃત્યુવેળા ખૂબ ચર્ચામાં રહેલી રિયા ચક્રવર્તી હાજર હતા. શિબાની દાંડેકરની તે ખૂબ નજીકની ફ્રેન્ડ છે. ફરહાન સારા દિગ્દર્શક નિર્માતા અભિનેતા તરીકેની ઓળખ ધરાવે છે. શિબાની અભિનેત્રી, એંકર, મોડલ છે અને અમેરિકન ટેલિવિઝન પર એંકર તરીકે જ તેણે શરૂઆત કરેલી. 2019ના આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની પણ તે કો-હોસ્ટ હતી. તેની બહેન અનુષ્કા પણ અભિનેત્રી-ગાયિકા છે. શિબાની પૂણેમાં જન્મી છે પણ ઓસ્ટ્રેલિયામાંજ મોટી થઇ છે. ‘રોય’, ‘શારદાર’, ‘સુલતાન’, ‘નામ શબાના’, ‘નૂર’ ફિલ્મોમાં તે કામ પણ કરી ચૂકી છે. ટી.વી. રિયાલીટી શોની હોસ્ટ અને સ્પર્ધક પણ રહી છે અને ‘ફોર મોર શોટસ પ્લિઝ’, ‘હોસ્ટેજ’ નામની વેબ સિરીઝમાં પણ અભિનય કરી ચૂકી છે.

ફરહાન અગાઉ જે અધૂનાને પરણેલો તે બ્રિટીશ-ઇંગ્લિશ હેર સ્ટાઇલિસ્ટ હતી અને મુંબઇમાં પોતાના સલૂન પણ ધરાવે છે. તેણે ફરહાનની ફિલ્મ ‘દિલ ચાહતા હે’ની હેરસ્ટાઇલીસ્ટ તરીકે જ કારકિર્દીનો આરંભ કરેલો અને ‘લક્ષય’ની પણ હેરસ્ટાઇલિસ્ટ હતી. ફરહાન સાથે ડાયવોર્સ થયા પછી તે ડિનો મોરિયાના ભાઇ નિકોતો મોરિયાને ડેટ કરે છે. ફરહાનની પ્રથમ પત્ની પણ મુસ્લિમ ન હતી અને બીજી પણ નથી. ફરહાનના પિતા જાવેદ અખ્તર પણ હની ઇરાનીને પરણેલા જે મુસ્લિમ નહોતી અને શબાના આઝમી કોઇ એક ધર્મની આગ્રહી નથી બલ્કે માનવતાવાદી છે. શિબાની બે બાળકોના પિતા સાથે પરણી છે પણ કોઇ એ વિશે ઝાઝી વાત કરશે નહીં.

ફરહાનને બે દિકરી છે અને પિતા તરીકે બંનેની ખૂબ કાળજી રાખે છે. ફરહાનની દિકરી શકય 21 વર્ષની થઇ ચૂકી છે. બીજી દિકરી અકીરા પણ 16માં વર્ષમાં પ્રવેશી ચુકી છે. એ બંને પણ તેમના પિતાના લગ્નમાં આવી હતી. હવે આનાથી વધુ મેચ્યોર તો શું હોવાની? ફરહાન અત્યારે ‘મિસ માર્વેલ’માં અભિનય ઉપરાંત પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, કેટરીના કૈફ અભિનીત ‘જી લે જરા’ના નિર્માણ-દિગ્દર્શનમાં વ્યસ્ત છે. નિર્માતા તરીકેની તેની ‘એંગ્રી યંગમેન’, ‘ફોન ભૂત’, ‘યુધ્રા’ અને ‘ખો ગયે હમ કહાં’ જેવી ફિલ્મો નિર્માતા તરીકે બનાવી રહ્યો છે. શિબાની સાથેના લગ્ન બંનેને સુખ આપનારા નીવડે એવું ઇચ્છીએ કારણ કે જાવેદ અખ્તરના પણ બીજા લગ્ન વધારે સુખદ નીવડયા હતા, તો બાપ પછી બેટાના લગ્ન પણ એવા જ નીવડે. ફરહાન એક વિચારશીલ વ્યકિત ને સારો નિર્માતા-દિગ્દર્શક છે. બીજા લગ્નમાં હવે એ ઇમેજ વધુ પુખ્ત બને તો સારું!

Most Popular

To Top