નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ આજે સમાપ્ત થઈ શકે છે. દેવેન્દ્ર ફડણવીસને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. ગઈકાલે એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી કે ભાજપ જેને સીએમ બનાવવા ઈચ્છશે તેને શિવસેના સમર્થન આપશે. શિંદેએ સ્પષ્ટ કર્યું કે તેઓ પીએમ મોદી અને અમિત શાહના દરેક નિર્ણયને સ્વીકારશે.
દરમિયાન દિલ્હીથી મુંબઈ સુધી બેઠકોનો રાઉન્ડ ચાલી રહ્યો છે. ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ બપોરે 3 વાગ્યે મુંબઈ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે અને દિલ્હી પહોંચ્યા બાદ તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે સાંજે 4 વાગે દિલ્હી પહોંચશે. મુખ્યમંત્રીને લઈને સાંજે 5:30 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહ સાથે મહાયુતિના નેતાઓની બેઠક છે.
શિંદેએ સીએમ પદની રેસમાંથી પોતાને બહાર કાઢ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ રેસમાં આગળ છે. જો કે આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ભાજપમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બુધવારે રાત્રે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવા માટે ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે વચ્ચે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
તાવડે અને શાહ વચ્ચેની આ મુલાકાત લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી. મહારાષ્ટ્રમાં બિન-મરાઠા મુખ્ય પ્રધાનની નિમણૂકને લઈને મરાઠા સમુદાય નારાજ થઈ રહ્યો છે તેનાથી કેન્દ્રીય નેતૃત્વ ચિંતિત છે. તેથી દેવેન્દ્ર ફડણવીસને ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો મરાઠા મતો કેવી રીતે જાળવી શકાય તે અંગે ચર્ચા થઈ હતી. અમિત શાહ આજે સાંજે ફરી દિલ્હીમાં બેઠક યોજવાના છે. આ બેઠકમાં કાર્યવાહક સીએમ શિંદે, બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી ચીફ અજિત પવાર હાજર રહેશે. શાહની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે.
એક તરફ એનસીપીના નેતાઓ પ્રફુલ પટેલ અને સુનિલ તટકરે દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા. તો બીજી તરફ એનસીપીના નેતાઓ છગન ભુજબળ અને ગિરીશ મહાજન મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ બધાની વચ્ચે એવા સમાચાર છે કે હવે સીએમની ખુરશીથી લઈને મંત્રાલય સુધીની દરેક બાબતો માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહાગઠબંધન સરકારમાં ભાજપને 20, શિવસેનાને 11-12 અને એનસીપીને 10 મંત્રીપદ મળી શકે છે. જો કે, નવી મહાયુતિ સરકારમાં ડેપ્યુટી સીએમ પદ પર કોણ કોણ હશે તેના પર હજુ સસ્પેન્સ છે.
શિંદેની પીછેહઠ
આ અગાઉ ગઈકાલે એકનાથ શિંદેએ પીછેહઠ કરી હતી. વડાપ્રધાન જે નિર્ણય લે તે સ્વીકાર્ય રહેશે એવી જાહેરાત કરી હતી. શિંદેની ઘોષણા પછી શિવસેનાના નેતાઓએ ભારપૂર્વક માંગ કરી હતી કે શિંદે જ મુખ્ય પ્રધાન તરીકે કાર્યરત રહે. કારણ કે તેમના નેતૃત્વમાં શાસક મહાયુતિ ગઠબંધનને જંગી જીત મળી હતી. રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે શિંદેના આ પગલાથી નવી સરકાર માટે શપથ લેવાનો રસ્તો સાફ થઈ ગયો છે. બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ થાણેમાં તેમના ઘરે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરે તેવી સંભાવના છે.