સુરત: કોવિશિલ્ડ વેક્સીન (Covishield vaccine) બનાવનાર બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ (AstraZeneca) વિશ્વભરમાંથી તેમની રસીનો સ્ટોક પાછો ખેંચી લીધો છે. કોરોના વાયરસથી રક્ષણ આપવા બનાવાયેલી આ રસી અંગે થોડો સમય પહેલાં જ બ્રિટિશ કોર્ટમાં (British Court) ચોંકાવનારો ખુલાસો થયો હતો.
આ રસી લેનારાઓમાં હાર્ટ એટેક (Heart attack) અને બ્રેઈન સ્ટ્રોકનું (Brain stroke) જોખમ વધું હોવાનું કોર્ટ સમક્ષ કંપનીએ સ્વીકાર્યું હતું. ત્યાર બાદ કંપનીએ આજે સ્ટોક પાછો ખેંચી લેતા આ રસી લેનારા લોકો ગભરાઈ ગયા છે.
ભારતમાં આ રસી કોવિશિલ્ડ ના નામથી ઉપયોગમાં લેવાઈ હતી. ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીયોએ આ રસી લીધી હતી. આ રસીના બે ડોઝ બાદ ઘણા લોકોએ બુસ્ટર ડોઝ પણ મુકાવ્યો હતો. હવે આ રસીના લીધે હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક થતો હોવાનો ખુલાસો થતો લોકો ગભરાયા છે.
સુરતમાં પણ રોજ બેથી ત્રણ હાર્ટ એટેકના કિસ્સા બની રહ્યાં છે, ત્યારે લોકોમાં ડર વ્યાપી ગયો છે. આ મામલે સુરતના જાણીતા તબીબ ડો. સમીર ગામીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથેની વાતચીતમાં ડો. સમીર ગામીએ કહ્યું કે, કોવિશિલ્ડ રસી લેનારા તમામે ગભરાવાની જરૂર નથી. એક લાખે બે કે ત્રણ જણમાં જ ગંભીર લક્ષણો જોવા મળે છે. બધાને જ હાર્ટ એટેક થશે તેવો ડર રાખવાની જરૂર નથી.
આ સાથે જ ડો. સમીર ગામીએ લોકોને સાવચેત રહેવાની સલાહ આપતા કહ્યું કે, અસામાન્ય લક્ષણ દેખાય તો તબીબની સલાહ લેવી. તેમાં આળસ કરવી નહીં. ડો. ગામીએ કહ્યું કે, ત્રણ જગ્યાએ બ્લડ ક્લોટ થવાથી સમસ્યા થઈ શકે. હાર્ટ, ફેંફસા અને બ્રેઈનમાં લોહીની ગાંઠ થવાથી સમસ્યા થઈ શકે.
તેના લક્ષણો છે સતત માથું દુ:ખવું, શ્વાસ લેવામાં તકલીફ થવી અને ખેંચ આવવી. બ્રેઈનમાં ગાંઠ થાય તો માથું સખ્ત દુ:ખે છે. જો માથું દુ:ખતું હોય અને તે પેઈન કિલરથી નહીં મટે તો ડોક્ટરની સલાહ લેવી. ખેંચ આવતી હોય ડોક્ટરને બતાવવું. શરીરના એક ભાગમાં ખાલી ચઢવા જેવું લાગે તો ડોક્ટરને બતાવવું. બ્રેઈન માટે કોઈ ટેસ્ટ ન હોય પરંતુ કોલેસ્ટ્રોલ સંબંધિત ટેસ્ટ કરાવતા રહેવું જોઈએ. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ફેંફસાનો એક્સ રે કઢાવી લેવો જોઈએ. છાતીમાં દુ:ખે કે પરસેવો વળવા લાગે તો હાર્ટ સ્પેશ્યિલિસ્ટને બતાવવું. હાર્ટ સ્પેશ્યિાલિસ્ટ પાસે ટ્રેડમિલ પર દોડી હૃદયની તંદુરસ્તી તપાસ કરાવી લેવી.