મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. આજે બુધવારે મળેલી ભાજપ વિધાયક દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપવામાં આવી છે. ત્યાર બાદ ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર એક જ કારમાં રાજ્યપાલ રાધાકૃષ્ણન પાસે ગયા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
ત્રણેય નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, જેમાં શિંદેએ તેમના એક નિવેદનથી ફરી હલચલ મચાવી હતી. તેમણે કહ્યું કે તેઓ બાદમાં નક્કી કરશે કે તેઓ શપથ લેશે કે નહીં. શિંદેએ કહ્યું કે તેઓ આજે (બુધવારે) રાત્રે નક્કી કરશે કે તેઓ ફડણવીસ સરકારની કેબિનેટમાં સામેલ થશે કે નહીં.
પ્રેસકોન્ફરન્સ બાદ એકનાથ શિંદેએ શિવસેનાના નેતાઓ સાથે મિટિંગ કરી હતી. શિવસેનાના નેતાઓએ આ મિટિંગમાં શિંદેને સરકારમાં સામેલ થવા વિનંતી કરી હતી. આ સાથે જ એકનાથ શિંદેના સસ્પેન્સ પર અંત આવ્યો હતો. શિંદે માની ગયા છે. તેઓ ફડણવીસની સરકારમાં સામેલ થશે.
આવતીકાલે શિંદે પણ ડેપ્યુટી સીએમ પદ માટે શપથ લેશે. આ અગાઉ ફડણવીસે પ્રેસ કોન્ફરન્સમાં શિંદેને સરકારમાં સામેલ થવા વિનંતી કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, તેઓ સાંજે નિર્ણય લેશે. હવે જોવું રહ્યું કે શિંદેને કયું મંત્રાલય મળે છે.
આ અગાઉ એવો રાજકીય વર્તુળોમાં એવો ગણગણાટ થઈ રહ્યો હતો કે શિંદે પાર્ટીના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ મોટી જાહેરાત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની પાર્ટીના નેતાઓ તેમને સરકારમાં સામેલ થવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે તેમને તેમના સાથી પક્ષો (ફડણવીસ અને અજિત પવાર) પર દબાણ બનાવી રાખવાની જરૂર છે. તેમજ શિવસેના એકનાથ શિંદે માટે સન્માનજનક પદની માંગ કરી રહી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમની નજર હજુ પણ ગૃહ મંત્રાલય અને અન્ય મોટા મંત્રાલયો પર છે.
એકનાથ શિંદે મુશ્કેલીમાં મુકાયા?
મહારાષ્ટ્રમાં સીએમ પદ માટેનું સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. પરંતુ એકનાથ શિંદે સરકારનો હિસ્સો રહેશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. સરકાર રચવાનો દાવો કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદમાં કહ્યું કે તેમણે શિંદેને સરકારમાં રહેવા માટે વિનંતી કરી છે.
ત્યાર બાદ એકનાથ શિંદેએ કહ્યું, હું ફડણવીસને અભિનંદન આપું છું. હું સાંજે કહીશ કે હું સરકારનો ભાગ બનીશ કે નહીં. જેના પર અજિત પવારે કહ્યું કે, હું આવતીકાલે શપથ લેવાનો છું પરંતુ શિંદેનો નિર્ણય શું હશે તે જાણવા માટે તમારે રાહ જોવી પડશે. આનો હળવા સ્વરમાં જવાબ આપતા શિંદેએ કહ્યું, દાદાને શપથ લેવાનો વધુ અનુભવ છે. તેમને સવાર અને સાંજ બંનેનો અનુભવ છે. આ પછી ત્યાં હાજર બધા હસવા લાગ્યા.
આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાશે
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ રાજ્યપાલે અમને 5 ડિસેમ્બરે સાંજે 5.30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ માટે સમય આપ્યો છે. આ ઉપરાંત નાના પક્ષો અને અપક્ષોએ પણ અમને તેમના સમર્થનના પત્રો આપ્યા છે.
તેમણે કહ્યું કે હું પૂર્વ સીએમ એકનાથ શિંદેનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા માટે શિવસેના વતી સમર્થનનો પત્ર આપ્યો છે, એ જ રીતે અજિત પવારે પણ મને ટેકો આપ્યો છે અને સમર્થનનો પત્ર આપ્યો છે. પીએમ મોદીની હાજરીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.