Columns

ડોનાલ્ડ ટ્રમ્પની ચીન સાથેની ટ્રેડ વોર ભારત માટે ફાયદાકારક પુરવાર થશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીનથી આયાત થતા માલ પર ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી વિશ્વમાં મોટું વેપારયુદ્ધ શરૂ થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કેનેડા અને મેક્સિકો પર ૨૫ ટકા અને ચીન પર ૧૦ ટકા ટેરિફ લાદવાના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. તેના જવાબમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ અમેરિકન માલ પર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકા દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા બાદ ચીને પણ અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ૧૦ ટકા ટેરિફ લાદીને વળતો જવાબ આપ્યો છે. અમેરિકા દ્વારા આ ટેરિફની જાહેરાત બાદ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેને કારણે મોંઘવારી વધશે અને સામાન્ય અમેરિકનોનું જીવન મુશ્કેલ બની શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ એવાં વચન સાથે સત્તામાં પાછા ફર્યા છે કે તેઓ આવશ્યક ચીજવસ્તુઓ, ગેસ, પેટ્રોલ, ઘરો, કાર અને અન્ય વસ્તુઓના ભાવો ઘટાડશે. તેને બદલે તેમનાં પગલાંથી મોંઘવારી વધવાની સંભાવના છે. આ ટેરિફ યુદ્ધ આર્થિક વિકાસને અસર કરે તેવી શક્યતા છે, જેમાં અમેરિકા સૌથી વધુ પ્રભાવિત થશે. જાણકારો કહે છે કે આ ટ્રેડ વોર ભારત માટે વેપારની સારી તક છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ સહિત ઘણા ઉત્પાદન ઉદ્યોગો માટે વૈકલ્પિક સપ્લાય ચેઇન તરીકે ઉભરી શકે છે. આ ટેરિફ અમેરિકા, કેનેડા અને મેક્સિકોના અર્થતંત્ર પર ખરાબ અસર કરશે. આ સમયે ચીનની સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ રહી હોવાથી ભારતને તેમાં પ્રવેશવાની તક મળશે.

ચીનના ટેરિફની અસર અમેરિકાથી આયાત થતી મોટાં એન્જિનવાળી કાર, પિકઅપ ટ્રક, LNG, ક્રૂડ ઓઇલ અને કૃષિ મશીનરી પર પડશે. જવાબી ટેરિફની જાહેરાત કરતાં ચીનના નાણાં મંત્રાલયે ટ્રમ્પ વહીવટીતંત્ર પર આંતરરાષ્ટ્રીય વેપાર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો. ચીનના નાણાં મંત્રાલયે કહ્યું હતું કે અમેરિકા દ્વારા એકપક્ષીય ટેરિફ લાદવો એ WTO નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. તે માત્ર અમેરિકાની પોતાની સમસ્યાઓનું નિરાકરણ જ નથી કરતું, પરંતુ ચીન અને અમેરિકા વચ્ચેના સામાન્ય આર્થિક અને વેપાર સહયોગને પણ નબળો પાડે છે. ચીનની જાહેરાતથી સંકેત મળ્યો છે કે તે અમેરિકાને જડબાતોડ જવાબ આપવાના મૂડમાં છે, જેનાથી ઘણા વિશ્લેષકો આશ્ચર્યચકિત થયા છે. જોકે, અમેરિકાએ ચીનથી આયાત થતી લગભગ દરેક વસ્તુ પર ટેરિફ લાદ્યો છે, પરંતુ ચીનનો ટેરિફ ફક્ત થોડા અમેરિકન ઉત્પાદનો સુધી મર્યાદિત છે. આ ટેરિફને કારણે ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધો કથળવાની સંભાવના છે.

ચીન અને અમેરિકા વચ્ચેની ટ્રેડ વોર કોઈ નવી વાત નથી. ૨૦૧૮ માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર ચીની આયાતોને લક્ષ્ય બનાવતા ટેરિફનો રાઉન્ડ શરૂ કર્યો ત્યારે ચીને કહ્યું હતું કે તે વેપાર યુદ્ધથી ડરતું નથી. આ વખતે ચીને અમેરિકા સાથે સંયુક્ત વાટાઘાટો દ્વારા કરાર પર પહોંચવાની વાત કરી છે. કેટલાક મીડિયા અહેવાલો સૂચવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે આ અઠવાડિયે ફોન પર વાતચીત થઈ શકે છે.

એનો અર્થ એ નથી કે આ જાહેરાત ટ્રમ્પને પરેશાન કરશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન અબજો ડોલરના માલ પર ૧૦% ટેરિફ લાદ્યો હતો. ચીન સરકારના મૌનનું કારણ એ છે કે તે સુસ્ત અર્થતંત્રને કારણે ચિંતિત તેના લોકોમાં વધુ ચિંતા ઉમેરવા માંગતી નથી. ચીનનું અર્થતંત્ર હવે પહેલા જેટલું અમેરિકા પર નિર્ભર નથી રહ્યું. ચીને આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં તેના વ્યાપારિક સંબંધો મજબૂત કર્યા છે. ચીન હવે ૧૨૦ થી વધુ દેશોનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાસે આ વલણ અપનાવવાનું બીજું એક કારણ છે. કદાચ આ આખી પરિસ્થિતિમાં તેઓ ચીન માટે કંઈક ફાયદો જોઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળના પહેલા જ મહિનામાં યુરોપિયન યુનિયન પર ટેરિફ લાદવાની ધમકી આપી દીધી છે. ટ્રમ્પના આ પગલાંથી અમેરિકાના અન્ય સાથીઓમાં ચિંતા પેદા થઈ શકે છે કે શું તેમની સામે પણ આવો જ નિર્ણય લેવામાં આવી શકે છે. આમ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ તેમની આસપાસના દેશોમાં વિભાજનની પરિસ્થિતિને જન્મ આપી રહ્યા છે. તેનાથી વિપરીત, ચીન પોતાને એક શાંતિપ્રિય દેશ તરીકે દર્શાવવા માંગે છે, જે સ્થિર છે અને તેથી સંભવિત રીતે એક સારો વ્યવસાયિક ભાગીદાર છે. અમેરિકન નેતૃત્વ અને તેના પર વિશ્વાસ નબળો પડવાનો સીધો ફાયદો ચીનને થશે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના નેતા તરીકે શી જિનપિંગે વૈકલ્પિક વૈશ્વિક વ્યવસ્થાનું નેતૃત્વ ચીન દ્વારા કરાવવાની પોતાની મહત્ત્વાકાંક્ષા ક્યારેય છુપાવી નથી.

કોવિડ રોગચાળાના અંત પછી શી જિનપિંગે ઘણા દેશોની મુલાકાત લીધી છે. તેમણે વિશ્વ બેંક અને પેરિસ ક્લાઇમેટ એકોર્ડ જેવા મુખ્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો અને કરારોને સમર્થન આપ્યું છે. ચીનના સરકારી મીડિયાએ એવી રજૂઆત કરી છે કે હવે વિશ્વભરના દેશો ચીનને અપનાવી રહ્યા છે. અગાઉ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૦ માં વિશ્વ આરોગ્ય સંગઠનને ભંડોળ આપવાનું બંધ કર્યું હતું ત્યારે ચીને કહ્યું હતું કે તે WHO ને વધારાનું ભંડોળ પૂરું પાડશે. આ વખતે પણ અમેરિકાના WHO માંથી ખસી ગયા પછી આશા વધી ગઈ છે કે ચીન ફરી એકવાર અમેરિકાનું સ્થાન લેશે. ચીનમાં આર્થિક મંદી હોવા છતાં ચીન અમેરિકાના પગલાંથી સર્જાયેલી ખાલી જગ્યા ભરવા તૈયાર છે.

કેનેડા, મેક્સિકો અને અમેરિકાની અર્થવ્યવસ્થાઓ ખૂબ જ ગાઢ રીતે જોડાયેલી છે. એક અંદાજ મુજબ ત્રણેય દેશો વચ્ચે દરરોજ લગભગ બે અબજ ડોલરના માલનો વેપાર થાય છે. કેનેડા અને મેક્સિકો પર ૨૫ ટકા ટેરિફ લાદવાથી વૃદ્ધિ ધીમી પડશે અને માત્ર આ બે દેશોમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ ફુગાવો વધશે. અર્થશાસ્ત્રીઓનો અંદાજ છે કે જો આ ટેરિફ પાંચથી છ મહિનામાં દૂર કરવામાં નહીં આવે તો કેનેડા મંદીમાં ધકેલાઈ શકે છે, કારણ કે કેનેડાની ૭૫ ટકા નિકાસ સીધી અમેરિકામાં જાય છે. કેનેડા અમેરિકાને ક્રૂડ ઓઇલનો સૌથી મોટો સપ્લાયર છે.

ગયાં વર્ષમાં જાન્યુઆરી અને નવેમ્બર વચ્ચે કેનેડાએ અમેરિકાને ૬૧ ટકા ક્રૂડ ઓઇલ સપ્લાય કર્યું હતું. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે ૧૫૫ અબજ ડોલરના અમેરિકન માલ પર ૨૫ ટકા ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ. તેમાં અમેરિકન બીયર, વાઇન, બોર્બોન, ફળો અને ફળોના રસ, શાકભાજી, પરફ્યુમ, કપડાં અને ફૂટવેર, ઘરેલું ઉપકરણો, રમતગમતનો સામાન, ફર્નિચર, લાકડું અને પ્લાસ્ટિક વગેરેનો સમાવેશ થાય છે.

હવે ભારતમાં પણ રાજકીય તેમજ આર્થિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે, શું ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથેના વેપાર ખાધ અંગે કોઈ પગલાં લઈ શકે છે? અમેરિકાની વેપાર ખાધમાં ભારતનો કુલ હિસ્સો માત્ર ૩.૨ ટકા હોવા છતાં, ટ્રમ્પે તાજેતરમાં બ્રિક્સ દેશોને ધમકી આપી હતી. આ જૂથમાં સામેલ ચીન સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ જૂથમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના છેલ્લા કાર્યકાળ દરમિયાન સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ લાદ્યા હતા. ભારતે હાર્લી-ડેવિડસન બાઇકની આયાત પરની ડ્યુટી વધારી હતી.

અમેરિકન ઈ-કોમર્સ કંપનીઓ, બેંકો, નાણાંકીય સેવાઓ અને ટેકનોલોજી કંપનીઓ ભારતમાં મોટાં હિતો ધરાવે છે. સોશિયલ નેટવર્કિંગ કંપનીઓનો સૌથી મોટો આધાર ભારત પણ છે. ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં પણ અમેરિકાના સમર્થનની જરૂર છે. ભારત આ ક્ષેત્રમાં વિવિધતા સાથે શ્રેષ્ઠ શસ્ત્રો ઇચ્છે છે. તેવી જ રીતે, પેટ્રોલિયમ ક્ષેત્રમાં પણ જો તેને ગલ્ફ દેશોની તુલનામાં અમેરિકા તરફથી સારી ઓફર મળે તો તે આગળ વધી શકે છે. એ પણ શક્ય છે કે ફેબ્રુઆરીમાં બંને દેશોના નેતાઓ વચ્ચેની મુલાકાત અમેરિકાની વેપાર ખાધને પૂર્ણ કરવાનો નવો રસ્તો શોધી કાઢશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top