Columns

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોરને કારણે એપલ કંપનીનું ઉઠમણું થઈ જશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે ટેરિફ વોરનું રણશિંગું ફૂંકી દીધું ત્યારથી અમેરિકાની બોઇંગ ઉપરાંત એપલ અને વોલમાર્ટ જેવી કંપનીઓની હાલત કફોડી થઈ છે. ભલે આઇફોન અમેરિકામાં ડિઝાઇન કરવામાં આવ્યો હોય, પણ લોકો પાસે જે આઇફોન છે તે મોટા ભાગે હજારો માઇલ દૂર ચીનમાં બનાવવામાં આવ્યા હોવાની શક્યતા છે. એપલ કંપની દર વર્ષે ૨૨ કરોડથી વધુ આઇફોન વેચે છે. દર દસમાંથી નવ આઇફોન ચીનમાં બને છે.

તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનથી કરવામાં આવતી આયાત પર ૧૪૫ ટકા જકાત નાખવાની ઘોષણા કરવામાં આવી ત્યારે ગભરાટમાં આવી ગયેલી એપલ કંપનીએ જકાતથી બચવા ચાર્ટર્ડ વિમાનો ભાડે કરીને લાખો આઇફોન ચીનની ફેક્ટરીમાંથી ઉપાડીને અમેરિકા મોકલી આપ્યા હતા. એપલ કંપનીના સદ્ભાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે અચાનક સ્માર્ટફોન, કમ્પ્યુટર અને કેટલાંક અન્ય ઇલેક્ટ્રોનિક્સને ટેરિફમાંથી મુક્તિ આપી દીધી હતી. જો કે આ રાહત કાયમી નથી. એપલ તેની વિશ્વવ્યાપી સપ્લાય ચેઇનને  તાકાત ગણાવી રહ્યું છે, પરંતુ હવે તે સમસ્યા બની ગઈ છે.

વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ કંપનીઓમાંની એક એપલ માટે ઉત્પાદન કરવાનો મોટો ફાયદો ચીનને મળ્યો છે. સારી ગુણવત્તાવાળા ઉત્પાદન માટે ચીન પશ્ચિમી દેશો માટે કોલિંગ કાર્ડ હતું અને સ્થાનિક સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરી હતી. એપલે ૧૯૯૦ ના દાયકામાં ચીની બજારમાં પ્રવેશ કર્યો હતો. પ્રારંભમાં તેણે ચીનમાં થર્ડ પાર્ટી સપ્લાયર્સ દ્વારા કમ્પ્યુટર્સ વેચ્યાં હતાં. ૧૯૯૭ ની આસપાસ જ્યારે એપલ અન્ય કંપનીઓ સાથે સ્પર્ધા કરવાના સંઘર્ષમાં નાદારીની આરે પહોંચી ગઈ હતી ત્યારે તેને ચીનમાં નવું જીવન મળ્યું હતું.

આ સમયગાળા દરમિયાન, ચીન તેનું અર્થતંત્ર વિદેશી કંપનીઓ માટે ખુલ્લું મૂકી રહ્યું હતું, જેથી ઉત્પાદનને વેગ મળી શકે અને વધુ રોજગારીનું સર્જન થઈ શકે. ૨૦૦૧ માં એપલ સત્તાવાર રીતે શાંઘાઈ સ્થિત એક ટ્રેડિંગ કંપની દ્વારા ચીનમાં આવ્યું અને તેણે ચીનમાં પોતાનાં ઉપકરણોનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તે સમયે ચીન આઇફોન બનાવવા માટે તૈયાર નહોતું, પરંતુ સપ્લાય ચેઇન નિષ્ણાત લિન શુઇપિંગના મતે, એપલે પોતાના અનન્ય સપ્લાયર્સ પસંદ કર્યા, જેનાથી તેઓ ઉત્પાદનના સુપરસ્ટાર બન્યા હતા.

એપલે ૨૦૦૮ માં બેઇજિંગમાં ચીનમાં પોતાનો પહેલો સ્ટોર ખોલ્યો. તે વર્ષે આ શહેરમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું અને પશ્ચિમી દેશો સાથે ચીનના સંબંધો શ્રેષ્ઠ સ્તરે પહોંચ્યા હતા. ટૂંક સમયમાં જ ચીનમાં આવા સ્ટોર્સની સંખ્યા વધીને ૫૦ થઈ ગઈ અને સ્ટોરના દરવાજાની બહાર એપલના ગ્રાહકોની કતારો દેખાવા લાગી. જેમ જેમ એપલના નફાના માર્જિનમાં વધારો થયો, તેમ તેમ ચીનમાં તેનાં ઉત્પાદન કેન્દ્રો પણ વધ્યાં. ફોક્સકોને ચીનના ઝેંગઝોઉમાં વિશ્વની સૌથી મોટી આઇફોન ફેક્ટરી બનાવી, જે ત્યારથી આઇફોન સિટી તરીકે જાણીતું બન્યું.

તેણે ચીન સ્થિત તાઇવાની ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક ફોક્સકોન સાથે ભાગીદારી કરીને આઇપોડ, પછી આઇમેક અને પછી આઇફોનનું ઉત્પાદન શરૂ કર્યું. જેમ જેમ ચીને અમેરિકાના સહયોગથી વિશ્વભરના દેશો સાથે વેપાર કરવાનું શરૂ કર્યું તેમ તેમ એપલે ચીનમાં તેની તાકાત વધારી, જે હવે વિશ્વની ફેક્ટરી બની રહી હતી. ઝડપથી વિકસતા ચીન માટે એપલ સરળ છતાં આકર્ષક આધુનિક પશ્ચિમી ટેકનોલોજીનું પ્રતીક બની ગયું. આજે એપલના મોટા ભાગના મોંઘા આઇફોન ફોક્સકોન દ્વારા બનાવવામાં આવે છે. તેમની અદ્યતન ચિપ્સનું ઉત્પાદન વિશ્વની સૌથી મોટી ચિપ ઉત્પાદક કંપની તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા કરવામાં આવે છે. તેને બનાવવા માટે રેર અર્થ તત્ત્વોની પણ જરૂર પડે છે, જેનો ઉપયોગ ફોનનાં ઓડિયો સાધનો અને કેમેરામાં થાય છે.

નિક્કી એશિયાના અંદાજ મુજબ ૨૦૨૪ માં એપલના ટોચના ૧૮૭ સપ્લાયર્સમાંથી લગભગ ૧૫૦ ની ફેક્ટરીઓ ચીનમાં હતી. ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન જ્યારે ચીની ઉત્પાદનો પર ટેરિફ લાદવામાં આવ્યા હતા, ત્યારે એપલને તેમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ આ વખતે ટ્રમ્પ વહીવટીતંત્રે કેટલાંક ઇલેક્ટ્રોનિક સામાન પર ટેરિફ પાછો ખેંચતાં પહેલાં એપલનું ઉદાહરણ આપ્યું છે. તેમનું માનવું છે કે ભારે કરવેરાના ભયથી કંપનીઓ અમેરિકામાં તેમનાં ઉપકરણોનું ઉત્પાદન શરૂ કરવા માટે પગલાં લેશે.

દરમિયાન, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પુનરોચ્ચાર કર્યો હતો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સેમિકન્ડક્ટર, ચિપ્સ, સ્માર્ટફોન અને લેપટોપ જેવી મહત્ત્વપૂર્ણ ટેકનોલોજી સંબંધિત વસ્તુઓના ઉત્પાદન માટે ચીન પર આધાર રાખી શકે નહીં. રાષ્ટ્રપતિના નિર્દેશ પર આ કંપનીઓ શક્ય તેટલી વહેલી તકે અમેરિકામાં તેમનું ઉત્પાદન શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.એપલના શૈક્ષણિક સલાહકાર બોર્ડના ભૂતપૂર્વ સભ્ય એલી ફ્રીડમેનના મતે, એપલ તેની એસેમ્બલીને યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાનાંતરિત કરી શકે છે તે વિચાર સંપૂર્ણપણે કાલ્પનિક છે.

એલી ફ્રીડમેન ૨૦૧૩ માં કંપનીના બોર્ડમાં જોડાયા હતા. ત્યારથી તેઓ કહે છે કે કંપની ચીન ઉપરાંત અન્ય દેશોમાં તેની સપ્લાય ચેઇન વિસ્તારવા વિશે વાત કરી રહી છે, પરંતુ અમેરિકા ક્યારેય વિકલ્પ નહોતો. એપલે દસ વર્ષ સુધી તેના પર વધારે કામ કર્યું નહીં, પરંતુ કોવિડ-૧૯ રોગચાળા પછી મેં ખરેખર તેના માટે પ્રયાસ કર્યો. આનું કારણ એ હતું કે ચીનમાં કડક લોકડાઉનને કારણે ઉત્પાદનને નુકસાન થયું હતું. એસેમ્બલીની દૃષ્ટિએ કંપની માટે સૌથી મહત્ત્વપૂર્ણ નવાં સ્થળો વિયેતનામ અને ભારત છે, પરંતુ એપલની મોટા ભાગની એસેમ્બલી હજુ પણ ચીનમાં થાય છે.

એપલની હાલની સપ્લાય ચેઇનમાં કોઈ પણ ફેરફાર ચીન માટે મોટો ફટકો હશે, જે કોવિડ-૧૯ રોગચાળા પછીથી વૃદ્ધિ પાછી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે ચીન ૨૦૦૦ ના દાયકાની શરૂઆતમાં પશ્ચિમી કંપનીઓ માટે ઉત્પાદન કેન્દ્ર બનવાની ઇચ્છા રાખતું હતું, ત્યારે આવી ઇચ્છા પાછળની જે ગણતરી હતી તે આજે પણ સાચી છે. આનાથી લાખો નોકરીઓનું સર્જન થાય છે અને દેશને વૈશ્વિક વેપારમાં નોંધપાત્ર ફાયદો મળે છે.

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવના કેન્દ્રમાં એપલ છે અને ટેરિફ તેના પર આવતાં સંભવિત જોખમોને ઉજાગર કરે છે. ચીનને બરાબર ખબર છે કે ટેરિફ પરનો કોઈ પણ વધારો એપલ માટે મરણતોલ ફટકો સાબિત થશે. કદાચ આ જ કારણ છે કે ચીન ટ્રમ્પની ધમકીઓ સામે ઝૂક્યું નહીં, પરંતુ તેણે અમેરિકન આયાત પર ૧૨૫ ટકા ડ્યુટી લાદી દીધી. ચીને તેના દેશમાં હાજર ઘણાં મહત્ત્વપૂર્ણ દુર્લભ ખનિજો અને ચુંબકોના નિકાસ પર પણ નિયંત્રણો લાદ્યાં છે, જે અમેરિકા માટે આંચકા સમાન છે. ચીની ઉત્પાદનો પર હજુ પણ લાદવામાં આવેલાં અમેરિકન ટેરિફથી અન્ય ક્ષેત્રોને પણ નુકસાન થશે તેમાં કોઈ શંકા નથી.

ડોનાલ્ડ ટ્રમ્પના ઊંચા ટેરિફનો સામનો ફક્ત ચીન જ કરી રહ્યું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ એવા દેશોને નિશાન બનાવશે જે ચીની સપ્લાય ચેઇનનો ભાગ છે. ઉદાહરણ તરીકે, એપલે પોતાના એરપોડ્સનું ઉત્પાદન વિયેતનામમાં ખસેડ્યું છે. પરંતુ ટ્રમ્પ દ્વારા ૯૦ દિવસનો મોરેટોરિયમ લાદવામાં આવ્યો તે પહેલાં વિયેતનામ પણ ૪૬ ટકા ટેરિફનો સામનો કરી રહ્યું હતું. એશિયાના કોઈ પણ દેશમાં ઉત્પાદનનું સ્થળાંતર કરવું એ એપલ કંપની માટે સરળ વિકલ્પ નથી. ચીનની સરકાર અમેરિકા સાથે સ્પર્ધા કરવા માટે અદ્યતન ટેકનોલોજી ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાથી એપલને ચીની કંપનીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. એપલે ચીનની ઇલેક્ટ્રોનિક ઉત્પાદન-ક્ષમતાઓનો વિકાસ કરવામાં મોટો ફાળો આપ્યો છે. હવે હુવેઇ, શાઓમી, ઓપ્પો અને અન્ય કંપનીઓ એપલની ઉત્તમ સપ્લાય ચેઇનનો ઉપયોગ કરીને પોતાના મોબાઇલ ફોન બજારમાં મૂકી શકે છે.

હાલમાં આર્થિક મંદીના કારણે ચીનનાં લોકોએ પોતાના ખર્ચાઓ ઘટાડી દીધા છે. ગયા વર્ષે એપલે ચીનમાં સૌથી મોટા સ્માર્ટફોન વેચનાર તરીકેનું સ્થાન ગુમાવ્યું હતું. હવે તે હુવેઇ અને વિવો પણ પાછળ છે. તાજેતરમાં ચીનમાં ChatGPT પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેના કારણે એપલ પણ AI-સંચાલિત ફોનના ખરીદદારોમાં તેના ફોન વેચવામાં પાછળ પડી રહ્યું છે. જાન્યુઆરીમાં તેણે વેચાણને વધારવા માટે iPhones પર ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી હતી, જે સામાન્ય રીતે ચીની બજારમાં જોવા મળતું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top