Columns

ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન મળીને યુક્રેનનો સોદો કરી નાખશે?

અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે જે બેઠક યોજાઈ તે ઐતિહાસિક હતી એટલી જ રહસ્યમય પણ હતી. પહેલી વાત એ કે આ બેઠકના પ્રગટ એજન્ડામાં ભલે યુક્રેન યુદ્ધને રોકવાની વાત કરવામાં આવી હોય, પણ તેનો ગુપ્ત એજન્ડા કંઈક અલગ જ હતો. આ કારણે જ યુક્રેનનું ભવિષ્ય નક્કી કરવા માટેની મંત્રણામાં ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ઉપરાંત યુરોપના કોઈ પણ દેશના પ્રતિનિધિને તેમાં સામેલ કરવામાં આવ્યા નહોતા. ટ્રમ્પ અને પુતિન વચ્ચેની બેઠક બંધબારણે લગભગ ત્રણ કલાક ચાલી હતી, પણ તેમાં કોઈ દુભાષિયાને પણ હાજર રાખવામાં નહોતો આવ્યો.

તેમણે ત્રણ કલાક જે ખાનગી મંત્રણાઓ કરી તેના પરિણામે દુનિયાના ઇતિહાસમાં એક નવો જ વળાંક આવી રહ્યો છે. અત્યાર સુધી જે માનવામાં આવતું હતું કે રશિયા અને અમેરિકા કટ્ટર દુશ્મનો છે, તે ભ્રમ હવે ભાંગી રહ્યો છે. ટ્રમ્પ અને પુતિન વચ્ચે બંધબારણે જે કાંઈ રંધાયું છે, તેના પરિણામે રશિયા અને અમેરિકા મિત્રદેશો તરીકે બહાર આવે અને ભારત તથા ચીન સામે મોરચો માંડે તેવી તમામ સંભાવનાઓ છે. અલાસ્કાની મંત્રણા દરમિયાન ટ્રમ્પ અને પુતિનની જે બોડી લેંગ્વેજ અને તેમના વચ્ચેની કેમેસ્ટ્રી કંઈક અલગ જ સંકેતો આપે છે. એક ઉદાહરણ જોઈએ તો ટ્રમ્પ પોતાની કારમાં પુતિનને લિફ્ટ આપીને તેમના ઊતારા સુધી લઈ ગયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પની વિશ્વના સૌથી મોટા સોદાબાજ હોવાની છબી તૂટી ગઈ છે અને તેઓ વ્લાદિમીર પુતિન માટે દલાલની ભૂમિકામાં આવી ગયા છે. અલાસ્કામાં પુતિન સાથેની તેમની શિખર મંત્રણા અને ત્યારબાદ ઝેલેન્સકી પરનું રશિયા સાથે કોઈ પણ શરતે સમાધાન કરવા માટેનું ભારે દબાણ યુક્રેન અને અમેરિકાના યુરોપિયન સાથીઓ સાથેનો દગો છે. અલાસ્કા બેઠક પછી યુદ્ધવિરામ કરાવવામાં નિષ્ફળ ગયેલા ટ્રમ્પે શાંતિ કરાર માટે દબાણ કરવાનું શરૂ કર્યું છે.

તેમની યુક્રેન નીતિના ભાગ રૂપે ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેનને એવા કરારો કરવા માટે દબાણ કરી રહ્યા છે, જે ખુલ્લેઆમ રશિયન આક્રમણને સમર્થન આપે છે. પુતિને પૂર્વીય ડોનબાસ પ્રદેશ પર નિયંત્રણ અને યુક્રેનની નાટોના સભ્યપદની મહત્ત્વાકાંક્ષાઓ પર વીટોની માંગણી કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ઝેલેન્સકી કેટલાંક સમાધાન કરીને યુદ્ધનો લગભગ તરત જ અંત લાવી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અલાસ્કા સમિટમાં પુતિનની પ્રશંસા કરી હતી અને આ મુલાકાતને શાનદાર ગણાવી હતી. યુદ્ધ અપરાધોના આરોપી નેતાને અમેરિકન ધરતી પર આવકાર આપવો એ શક્તિની નહીં પણ નબળાઈની નિશાની છે. તેમનો અભિગમ વાસ્તવમાં પુતિનની પ્રાદેશિક મહત્ત્વાકાંક્ષાઓને સમર્થન આપે છે, જે યુક્રેનને તે જ રીતે વિભાજિત કરે છે જે રીતે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપનું વિભાજન થયું હતું. અમેરિકાની પ્રતિબદ્ધતાઓ હવે સિદ્ધાંતો પર આધારિત નહીં પણ વ્યવહારો પર આધારિત હોય તેવું લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અમેરિકા માટે સ્વ-વિનાશક સાબિત થઈ રહી છે, જે લોકશાહીના રક્ષક તરીકે તેની વિશ્વસનીયતા ઘટાડી રહી છે. ટ્રમ્પના આ સોદાનું પરિણામ યુરોપે ભોગવવું પડશે.

બીજાં વિશ્વયુદ્ધથી અમેરિકા નાટોમાં ભજવેલી મુખ્ય ભૂમિકાથી પીછેહઠ કરી રહ્યું છે, ત્યારે યુરોપ આ ખાલી જગ્યા ભરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. યુક્રેનને તેની નાટોના સભ્ય બનવાની મહત્ત્વાકાંક્ષા છોડી દેવા અને તેનો પ્રદેશ સોંપવા માટેના ડોનાલ્ડ ટ્રમ્પના આગ્રહથી મેક્રોન અને સ્કોલ્ઝ જેવા યુરોપિયન નેતાઓ હચમચી ગયા છે, કારણ કે તેમણે ૨૦૨૨ થી યુક્રેનના યુદ્ધમાં ૧૩૨ અબજ ડોલરનું આંધણ કર્યું છે, જે અમેરિકાના ૧૧૪ અબજ ડોલર કરતાં વધુ છે. યુક્રેનમાં યુદ્ધવિરામની માગણીને અવગણીને અને રશિયા માટે સંપૂર્ણ છૂટછાટોનો આગ્રહ રાખીને ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાનાં તુષ્ટિકરણની નીતિનું પુનરાવર્તન કરવાનું જોખમ લે છે, જ્યાં ટૂંકા ગાળાનું સમાધાન ફક્ત આક્રમણખોરોને જ પ્રોત્સાહન આપે છે.

ચીન માટે ડોનાલ્ડ ટ્રમ્પનો યુક્રેન સોદો એક મોટી ભૂ-રાજકીય ભેટ છે. યુક્રેન અને નાટોને નબળા પાડીને તે ચીનને ભાંગી પડેલા પશ્ચિમી જોડાણને નજીકથી જોવાની અને તેની વ્યૂહાત્મક પકડ મજબૂત બનાવવાની તક આપે છે. જો અમેરિકા દ્વારા પુતિનની આક્રમકતાને પુરસ્કાર આપવામાં આવે તો તે શી જિનપિંગને સ્પષ્ટ સંદેશ આપે છે કે તાઇવાનના જોડાણ જેવી પ્રાદેશિક મહત્વાકાંક્ષાઓને ઓછો પ્રતિકાર મળશે, કારણ કે અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પના યુક્રેન સહિતના દેશોનો સોદો કરવાના ચક્કરમાં ફસાયેલું રહેશે. તાજેતરમાં કાશ્મીર પર ભારત-પાકિસ્તાન વચ્ચેની અથડામણ પછી ડોનાલ્ડ ટ્રમ્પનો મધ્યસ્થીનો દાવો દર્શાવે છે કે કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાનો ભય કેટલો મોટો છે.

પુતિન પાકિસ્તાન સાથેના સંબંધો ગાઢ બનાવી રહ્યા છે, તે જ સમયે તેઓ ભારત સાથેના જૂના સંબંધો પણ જાળવી રહ્યા છે. આ જ કારણ છે કે અલાસ્કા સમિટ પછી પુતિને ભારતના વડા પ્રધાન મોદીનો સંપર્ક કર્યો હતો અને તેમની સાથે ફોન પર વાત કરી હતી. જોકે ભારતે તેમાં હરખાવા જેવું કાંઈ નથી. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોનું નિવેદન કે અમેરિકા ભારત-પાકિસ્તાનની પરિસ્થિતિ પર દૈનિક ધોરણે નજર રાખી રહ્યું છે તે એક ખતરનાક સંભાવના તરફ નિર્દેશ કરે છે, જ્યાં મોસ્કો અથવા ઇસ્લામાબાદને ખુશ કરવાના પ્રયાસમાં અમેરિકા દ્વારા યુક્રેનની જેમ કાશ્મીરને પણ સોદાબાજીનો ભાગ બનાવી શકાય છે.

રશિયન રાષ્ટ્રપતિને વિશ્વના સૌથી શક્તિશાળી દેશના નેતા સાથે એક મંચ પર આવવાની તક મળી છે. અત્યાર સુધી તેમને યુક્રેન યુદ્ધ અંગે કોઈ મોટી છૂટ આપવી પડી નથી. ગયા અઠવાડિયે અલાસ્કામાં થયેલી બેઠકથી ટ્રમ્પને જે યુદ્ધવિરામની અપેક્ષા હતી તે મળી નહીં, પરંતુ પુતિનને ઘણું બધું મળ્યું, જેમાં અલાસ્કામાં ઉષ્માભર્યું સ્વાગત અને વિશ્વના સૌથી શક્તિશાળી નેતા સાથે સ્ટેજ શેર કરવાની તકનો સમાવેશ થાય છે. રશિયાને કોઈ ખાસ કરાર કે છૂટછાટ આપ્યા વિના ઘણા ફાયદા મળ્યા.

પુતિન વોશિંગ્ટનમાં યોજાઈ રહેલી બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી, પરંતુ તેઓ પહેલેથી જ મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગે છે. અગાઉ ટ્રમ્પ ધમકી આપી રહ્યા હતા કે જો રશિયા યુક્રેનમાં યુદ્ધવિરામ માટે તૈયાર નહીં થાય, તો તેઓ કડક વલણ અપનાવી શકે છે. પરંતુ અત્યાર સુધી વ્હાઇટ હાઉસે આ ધમકી પર કોઈ કાર્યવાહી કરી નથી. જુલાઈના અંતમાં ટ્રમ્પે પુતિનને ૧૦ દિવસમાં યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું, નહીં તો રશિયાને કડક પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

તેમ છતાં પુતિને યુદ્ધ બંધ ન કર્યું અને પ્રતિબંધોને બદલે તેમને વિશ્વના સૌથી શક્તિશાળી નેતા તરફથી શિખર સંમેલન માટે આમંત્રણ મળ્યું હતું. ટ્રમ્પ ઇચ્છતા હતા કે અલાસ્કામાં શિખર સંમેલનમાં પુતિન સાથે યુદ્ધવિરામ કરાર થાય, પરંતુ કંઈ થયું નહીં. હવે ટ્રમ્પની પ્રાથમિકતા યુદ્ધવિરામ કરતાં શાંતિ કરાર હોય તેવું લાગે છે. અહીં પણ પુતિન મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગે છે. પુતિને અલાસ્કા બેઠક પહેલાં, બેઠક દરમિયાન અને બેઠક પછી કહ્યું હતું કે યુક્રેન સંઘર્ષનાં મૂળ કારણો પર ધ્યાન આપવું જોઈએ. હવે પરિસ્થિતિ એવી છે કે ટ્રમ્પ પણ સંમત થાય છે કે યુદ્ધવિરામ પૂરતો નથી અને ઉકેલ ફક્ત સ્થાયી શાંતિથી જ આવશે, જે પુતિનના મતે ફક્ત મૂળ કારણો દૂર કરીને જ પ્રાપ્ત કરી શકાય છે. ટ્રમ્પ પુતિનના પક્ષમાં હોય તેવું લાગે છે.

ઝેલેન્સકીની પ્રાથમિકતા યુક્રેન માટે કોઈ પ્રકારની સુરક્ષા ગેરંટી મેળવવાની છે, પરંતુ શુક્રવારે અલાસ્કામાં તેમની હાજરી વિના થયેલી સમિટથી તેઓ નિરાશ થયા હોય તો તે સમજી શકાય તેવું છે. આ પાછળનો તર્ક એ છે કે સુરક્ષા ગેરંટી વિના ભવિષ્યમાં રશિયાને યુક્રેન ઉપર ફરીથી હુમલો કરતા રોકવા માટે કંઈ જ નહીં હોય. યુક્રેનના યુરોપિયન સાથીઓ બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વમાં આ વર્ષની શરૂઆતથી જ ઇચ્છુક દેશોના ગઠબંધન પર ચર્ચા કરી રહ્યા છે.

સ્ટારમરે કહ્યું છે કે યુદ્ધવિરામની સ્થિતિમાં યુક્રેનની સુરક્ષાની ખાતરી આપવા માટે લશ્કરી તૈનાતી માટે મક્કમ યોજનાઓ બનાવવામાં આવી છે. આનાથી યુક્રેનને હવાઈ અને દરિયાઈ સુરક્ષા મળશે અને તેના સશસ્ત્ર દળોમાં સુધારા કરવામાં મદદ મળશે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કયા દેશોમાં અને કોના સંસાધનો સાથે આ લશ્કરી તૈનાતી થશે. હવે જ્યારે ટ્રમ્પ યુદ્ધવિરામનો ત્યાગ કરી રહ્યા છે અને કાયમી શાંતિ કરારની નવી દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે ઝેલેન્સકીની સ્થિતિ પહેલા કરતાં નબળી લાગે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top