Columns

GSTમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળશે ખરો?

આપણો વર્ષોનો અનુભવ કહે છે કે કોઈ પણ વસ્તુની કિંમતમાં વધારો કરવાનો હોય ત્યારે કંપનીઓ, વેપારીઓ અને દુકાનદારો તેનો તાત્કાલિક અમલ શરૂ કરી દે છે, પણ જ્યારે કિંમતમાં ઘટાડો કરવાની વાત આવે ત્યારે તેઓ જાતજાતનાં બહાનાં શોધી કાઢતાં હોય છે. વેપારીઓનું મુખ્ય બહાનું એ હોય છે કે સરકારે વેરા ઘટાડ્યા છે, પણ અમારી પાસે જૂનો માલ સ્ટોકમાં છે. આ જૂનો માલ ક્યારે ખતમ થશે અને સસ્તો માલ ક્યારે આવશે તેની ખબર ગ્રાહકોને પડતી નથી.

કેન્દ્ર સરકારે જ્યારે ૨૨ સપ્ટેમ્બરથી GST માં ઘટાડો કરવાની જાહેરાત કરી છે ત્યારે ગ્રાહકોને ખરેખર તેનો લાભ ક્યારે મળશે, તેની શંકા રહે છે, કારણ કે ભૂતકાળમાં જ્યારે જ્યારે સરકાર દ્વારા કરવેરા ઘટાડવામાં આવતા હતા ત્યારે તેનો લાભ ગ્રાહકોને આપવાને બદલે કંપનીઓ તેમના માલની મૂળ કિંમત વધારીને ગ્રાહકોનો લાભ પોતે હજમ કરી જતી હોય તેવા અનેક કિસ્સાઓ બન્યા છે. આ વખતે પણ જો સરકાર નફાખોરી કરનારા સામે કડક પગલાં નહીં લે તો તેવું બની શકે છે.

સરકારને પણ બરાબર ખબર છે કે સરકારે કરવેરા ઘટાડ્યા છતાં બજારમાં ભાવો ન ઘટે તેવી સંભાવના છે. આ કારણે જ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ગુરુવારે જણાવ્યું હતું કે નાણાં મંત્રાલય અન્ય મંત્રાલયો સાથે સંકલન કરીને ઘટાડેલા GST દરોના અમલીકરણ પર નજીકથી નજર રાખશે, જેથી ખાતરી કરી શકાય કે રાહત સામાન્ય માણસ સુધી પહોંચે છે.વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે પરોક્ષ કર સત્તાવાળાઓ માલ અને સેવાઓના વર્તમાન ભાવ એકત્રિત કરી રહ્યા છે અને નવા GST દરો લાગુ થયા પછી તેમની કિંમત સાથે સરખામણી કરશે.

સરકારી અધિકારીઓ પોતે કહી રહ્યા છે કે કરવેરામાં જે ઘટાડો કરવામાં આવ્યો છે, તેનો લાભ ગ્રાહકોને મળવામાં થોડા દિવસો લાગી શકે છે, કારણ કે નવા માળખામાં ગોઠવણોની જરૂર છે, પરંતુ સરકાર તેની પર નજર રાખશે. સરકાર વધતા ભાવો પર નજર રાખે તેથી કંઈ વળવાનું નથી. NDA સાંસદોને કંપનીઓ દ્વારા નફામાં ન જાય તેની ખાતરી કરવા માટે સતર્કતા રાખવાનું કહેવામાં આવ્યું છે. આ રીતે સાંસદોને જવાબદારી સોંપવા દ્વારા પ્રધાનો અને અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેવું લાગે છે. જો ૨૨ સપ્ટેમ્બર પછી પણ દુકાનદારો દ્વારા ભાવો નહીં ઘટાડવામાં આવે તો તેમની સામે પગલાં ભરવાનું કોઈ સાધન ગ્રાહકો પાસે છે નહીં.

ભૂતકાળમાં નફાખોરી કરનારા વેપારીઓ સામે સરકારે પગલાં લીધાં હતાં. ૨૦૧૭ માં જ્યારે GST લાગુ કરવામાં આવ્યો ત્યારે સરકારે નફાખોરી વિરોધી કાયદાનો ઉપયોગ કરીને તેની જોગવાઈ લાગુ કરી હતી, જેના કારણે ઉદ્યોગોને લાભો આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. હવે સરકારે નફાખોરી વિરોધી એજન્સીને જ વિખેરી કાઢી છે, ત્યારે સરકાર નફાખોરી કરતા વેપારીઓને કેવી રીતે સજા કરે છે તે જોવાનું રહે છે.

મહેસૂલ સચિવ શ્રીવાસ્તવે સૂચવ્યું હતું કે GST નાં શરૂઆતનાં વર્ષોમાં વેપારીઓ સામે નફાખોરીના ૭૦૪ કેસ નોંધાયા હતા, જેમાં ગ્રાહકોને લૂંટીને કંપનીઓ દ્વારા ૪,૩૬૨ કરોડ રૂપિયાનો વધારાનો નફો  કરવામાં આવ્યો હતો.રાષ્ટ્રીય નફાખોરી વિરોધી ઓથોરિટીએ જણાવ્યું હતું કે ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ગુડ્સ કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડને નીચા GST થી થતા લાભ ગ્રાહકોને ન આપીને ૫૩૫ કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.૨૦૧૯ માં ઓથોરિટીએ FMCG કંપની નેસ્લેને GST દર ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપવા બદલ ૭૩.૧૫ કરોડ રૂપિયાનો દંડ કર્યો હતો. નેસ્લે કંપનીને ૭૩.૧૫ કરોડ રૂપિયાનો દંડ ગ્રાહક કલ્યાણ ભંડોળમાં જમા કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

કરવેરાના દરમાં ઘટાડા સમયે વેપારીઓનાં ગોડાઉન ઘણી વાર ઊંચા GST દરે ખરીદેલા સ્ટોકથી ભરેલા હોય છે. છૂટક વેપારીઓ નફાનું માર્જિન જાળવી રાખવા અથવા એકાઉન્ટિંગની ગૂંચવણો ટાળવા માટે પહેલાથી અસ્તિત્વમાં રહેલા ઊંચા ભાવે આ માલ વેચવાનું પસંદ કરી શકે છે. જો વેપારીઓ ઘટાડેલા કરવેરા સાથે માલ વેચે તો સ્વાભાવિક રીતે તેમના નફાનું પ્રમાણ પણ ઘટી જાય છે. આ પ્રમાણ જાળવી રાખવા માટે પણ તેઓ જૂના ભાવે માલ વેચવાનું ચાલુ રાખશે. સરકારના નિયમો જૂના સ્ટોક પર ચોક્કસ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવાની મંજૂરી આપે છે, પરંતુ તે પ્રક્રિયા હંમેશા સરળ હોતી નથી. પરિણામે વેપારીઓ નવો સ્ટોક ન આવે ત્યાં સુધી ભાવો ઘટાડવામાં કરવામાં વિલંબ કરી શકે છે, જેમાં અઠવાડિયાં કે મહિનાઓ પણ લાગી શકે છે.

રિટેલ ક્ષેત્રમાં કોઈ પણ માલના પેકિંગ ઉપર MRP છાપવામાં આવે છે. વિક્રેતાઓ તેમની કરની જવાબદારી ઓછી થઈ જાય તો પણ તે જ MRP પર વેચાણ ચાલુ રાખી શકે છે. જ્યાં સુધી ઉત્પાદક કંપની MRP તાત્કાલિક સુધારે નહીં અને સ્પષ્ટ રીતે તેનો ઉલ્લેખ ન કરે ત્યાં સુધી કરવેરામાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચશે નહીં. કેટલાક વેપારીઓ તો ઇનપુટ ક્રેડિટ લઈને પણ જૂના ભાવે નવો માલ વેચવાનું ચાલુ રાખશે. નાસ્તા અને કન્ફેક્શનરીથી લઈને શેમ્પૂ અને ચા સુધીની દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ ૫ કે ૧૦ રૂપિયાના નાના પેકિંગમાં મળતી હોય છે. તેઓ પોતાના ભાવોમાં ઘટાડો કરી નહીં શકે, કારણ કે જો ૫ રૂપિયાના ૪.૭૫ રૂપિયા કરવામાં આવે તો પરચુરણનો પ્રશ્ન પેદા થાય છે. આ કંપનીઓ જો ઇમાનદાર હશે તો તેઓ જૂની કિંમતમાં વધુ વજનનો માલ આપશે, પણ તે મુજબનો ફેરફાર કરવામાં પણ સમય લાગી શકે છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે તેમણે ઉદ્યોગોને ઓછા  GST ના લાભો ગ્રાહકો સુધી પહોંચાડવા કહ્યું છે અને ઉદ્યોગોએ તેમ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.અમૂલ, મોન્ડેલેઝ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને કોલગેટ સહિતની ઘણી કંપનીઓએ પ્રતિબદ્ધતા દર્શાવી છે કે તેઓ GST માં ઘટાડાનો લાભ ખરીદદારો સુધી પહોંચાડશે. મર્ચન્ટ ચેમ્બરોએ પણ કંપનીઓને ભાવ ઘટાડવા માટે હાકલ કરી છે.

ફિક્કીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અનંત ગોએન્કાએ જણાવ્યું હતું કે ફિક્કી તેના સભ્યો સાથે કામ કરશે, જેથી ગ્રાહકો સુધી લાભ પહોંચે. CII ના ડિરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીએ પણ કહ્યું છે કે ઉદ્યોગો ભાવ ઘટાડવા, માંગ વધારવા અને રોજગારીનું સર્જન કરવા માટે ઝડપથી કાર્ય કરશે. એસોચેમના પ્રમુખ સંજય નાયરએ કહ્યું છે કે ઉદ્યોગોને આ લાભો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે, જે વપરાશ વધારવામાં મદદ કરશે અને તેના દ્વારા એક સારા આર્થિક ચક્રને આગળ ધપાવાશે. સરકારે વેપારીઓને હાકલ કરવી પડે તેનો અર્થ એટલો થાય છે કે સરકારને પણ શંકા છે કે GST કાઉન્સિલ દ્વારા જે કરવેરા ઘટાડવામાં આવ્યા છે, તેનો લાભ ગ્રાહકોને મળશે કે નહીં?

GST કાઉન્સિલે જીવન વીમા અને આરોગ્ય વીમા પર GST સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે. હાલમાં બંને પ્રકારની પોલિસીના પ્રીમિયમ પર ૧૮ ટકા GST વસૂલવામાં આવે છે. આ સમાચાર પછી પોલિસીધારકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે GST નાબૂદ થયા પછી તેમનું પ્રીમિયમ કેટલું ઘટશે? વીમા કંપનીઓનું કહેવું છે કે  GST 2.0 લાગુ થયા પછી તેઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ( ITC )નો દાવો કરી શકશે નહીં.

આનો અર્થ એ છે કે વીમા કંપનીઓ તેમના સંચાલન સંબંધિત ખર્ચ પર ચૂકવવામાં આવતા GST પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકશે નહીં. આના કારણે તેમનો ખર્ચ વધશે. બ્રોકરેજ કંપનીઓનું કહેવું છે કે ITCનો દાવો ન કરવાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે વીમા કંપનીઓએ પ્રીમિયમ વધારવું પડી શકે છે.વીમા કંપનીઓ બેઝ પ્રીમિયમમાં ૧-૪ ટકાનો વધારો કરી શકે છે. પ્રીમિયમ વધારવાનો અર્થ એ છે કે પોલિસીધારકોને GSTમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ મળશે નહીં. વીમા પોલિસી પ્રીમિયમ પર GST દૂર થવાથી તેઓ પ્રીમિયમમાં મોટો ઘટાડો થવાની અપેક્ષા રાખતા હતા તે ખોટી પુરવાર થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી GSTમાં ઘટાડાની જાહેરાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે હવે ૫ અને ૧૮ ટકાના બે દરો જ રહેશે અને ૧૨ તથા ૨૮ ટકાના દરો નાબૂદ કરવામાં આવશે. જ્યારે GST કાઉન્સિલ દ્વારા ખરેખરા દરોની જાહેરાત કરવામાં આવી ત્યારે ૫ અને ૧૮ ટકા ઉપરાંત ૪૦ ટકાનો નવો સ્લેબ પણ ઉમેરી દેવામાં આવ્યો હતો. આ સ્લેબમાં જે ચીજો છે તેના પર અગાઉ ૨૮ ટકા GST હતો, જે વધારવામાં આવ્યો છે. સરકારની આવી રમતોને કારણે સરકાર જે કંઈ કહે તેના પર વિશ્વાસ જ રાખી શકાતો નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top