જીએસટી કાઉન્સિલ દ્વારા ટેક્સના દરોમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. હવે જીએસટીમાં ચારના બદલે બે જ 5 અને 18 ટકાનો જ સ્લેબ લાગુ થશે. આ ઉપરાંત જીવન અને આરોગ્ય વીમાને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, શું ખરેખર જીએસટીમાં મુક્તિ અને ઘટાડાના લાભો ગ્રાહકો સુધી પહોંચશે?, એ પ્રશ્ન ગ્રાહકોને મુંઝવી રહ્યો છે ત્યારે જીએસટીના દરોમાં ફેરફાર બાદ પહેલીવાર એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને અનેક સ્પષ્ટતાઓ કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે GSTમાં નવો સુધારો બિહાર અને સમગ્ર દેશ માટે દિવાળી અને છઠ પહેલા બેવડી ભેટ છે. તેમણે આરોગ્ય અને ટર્મ વીમા અંગે પણ ઘણી બાબતો સ્પષ્ટ કરી. GSTમાં વીમા પ્રીમિયમ ચુકવણી પહેલા 18 ટકાના સ્લેબમાં રાખવામાં આવી હતી પરંતુ હવે નવા સુધારા હેઠળ તેને સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
નાણામંત્રીએ શું કહ્યું?
આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો હતો કે શું GST હેઠળ મુક્તિનો લાભ વીમા પ્રીમિયમ ચુકવણી પર મળશે? આ અંગે સ્પષ્ટતા કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વીમા કંપનીઓ અને વીમા ઉદ્યોગ સાથે ચર્ચા કર્યા પછી જ તેને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. લોકોને લાભ પહોંચાડવાનું કહેવામાં આવ્યું છે. જો કોઈ લોકો સુધી લાભ પહોંચાડતું નથી તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. તેમણે કહ્યું કે જો કોઈ ફરિયાદ કરે છે કે તેને કંપનીઓ દ્વારા GST દરમાં ઘટાડાનો લાભ આપવામાં આવતો નથી, તો તે કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે.
હવે વીમા પર 0 ટેક્સ
નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે એક મોટી જાહેરાત કરી હતી અને આરોગ્ય-જીવન વીમા પર પ્રીમિયમ ચુકવણીને 18 ટકા સ્લેબ શ્રેણીમાંથી દૂર કરીને તેને ‘0’ ટકા શ્રેણીમાં સામેલ કરી હતી, જે 22 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. ત્યારથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેનો લાભ લોકો સુધી પહોંચશે નહીં, પરંતુ હવે નાણામંત્રીએ સ્પષ્ટતા કરી છે.
શું GST સુધારાને કારણે સરકારને આટલું નુકસાન થશે?
નવા GST સુધારા હેઠળ 4 સ્લેબ દૂર કરવામાં આવ્યા છે અને તેની જગ્યાએ 2 ટેક્સ સ્લેબ મૂકવામાં આવ્યા છે. હવે 5, 12, 18 અને 28 ટકા ટેક્સ સ્લેબને બદલે ફક્ત 5 અને 18 ટકા ટેક્સ સ્લેબ રાખવામાં આવશે, જે 22 સપ્ટેમ્બરથી દેશમાં લાગુ કરવામાં આવશે. આ મોટા ફેરફારને કારણે, એવો અંદાજ છે કે સરકારને 48000 કરોડ રૂપિયાની આવકનું નુકસાન થઈ શકે છે.