Comments

ટ્રમ્પના ટેરિફ સામે ચીનની વ્યૂહરચના કામ કરશે?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આવતાની સાથે વિશ્વના વિવિધ દેશો પર ટેરિફ નાખવાની શરૂઆત કરી. કેનેડા અને મેક્સિકો ટ્રમ્પના જંગી ટેરિફને થોડો સમય અટકાવવામાં સફળ રહ્યા. ચીન પર પણ ટ્રમ્પે ટેરિફ નાખ્યો. ૪ ફેબ્રુઆરીએ તમામ ચીની આયાત પર ૧૦ ટકા ડ્યુટી અને પછી વધારાની ૧૦ ટકા નાખવામાં આવી. આના કારણે અમેરિકામાં ચાઇનીઝ આયાત પર સરેરાશ ટેરિફ ૩૩ ટકા સુધી પહોંચ્યું છે. ૨૦૧૭ પહેલા આ દર માત્ર ૩ ટકા હતો. ધીમી પડી રહેલી અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માંગતા ચીન માટે, ટેરિફનો ઊંચો દર સારા સમાચાર નથી. ચીનના અર્થતંત્ર પર યુ.એસ. ટેરિફથી મોટો ફટકો પડશે તેમ છતાં હાલ પૂરતું ટેરિફનો વિરોધ કરવાને બદલે ચીને અલગ રસ્તો અપનાવ્યો છે. કદાચ જિનપિંગ ઇચ્છતા નથી કે ટ્રમ્પ સાથેના તેમના વ્યવહારો પ્રેસ સમક્ષ ખુલ્લા પડે અથવા ઝેલેન્સ્કી સાથે થયું તેમ ચાલું કેમેરાએ વિવાદ થાય. જિનપિંગ એક સરમુખત્યાર નેતા છે, જેઓ અપમાનજનક વલણ ચલાવી શકે નહીં અને સમાધાનકારી અભિગમ કરવાથી જિનપિંગ નબળા દેખાઈ શકે છે, જે પણ તેમને મંજૂર નહીં હોય.

ટ્રમ્પનું વેપાર યુદ્ધનું ઝનૂન ટૂંકાગાળામાં તો શાંત થાય એમ લાગતું નથી. ચીન ગેરકાયદેસર ડ્રગને રોકવામાં નિષ્ફળ રહ્યું હોવાનું કારણ આપી ટ્રમ્પે ચીન પર ટેરિફ નાખ્યો છે. ચીન સમજી ગયું છે કે આ મુદ્દો ફક્ત વેપાર યુદ્ધ માટેનું બહાનું છે. શક્ય છે કે, કેનેડા અને મેક્સિકોની જેમ, જો ચીને પણ વાંધો ઉઠાવ્યો હોત તો તે પણ ટેરિફ મુલતવી રખાવી શક્યું હોત. જોકે ટ્રમ્પે કેનેડાને ફરીથી ફટકારવાની વાત કરી છે ત્યારે આ ટેરિફ વૉરનો હાલ પૂરતો તો કોઈ અંત નથી એ સ્પષ્ટ છે. એટલે ટૂંકાગાળાની રાહત મેળવવાને બદલે, વધુ વ્યાપક અને વધુ સ્થાયી વેપાર યુદ્ધની સંભાવનાનો સામનો કરીને, ચીન આગળની લડાઈ માટે કમર કસી રહ્યું હોય તેવું લાગે છે.

ટ્રમ્પના ટેરિફ સામે ચીન પોતાની રીતે પગલાં લઈ રહ્યું છે. ફેબ્રુઆરીમાં, ચીને યુએસ ઊર્જા આયાત અને અન્ય કેટલાક માલ પર ટેરિફ લાદ્યો હતો. ટૂંકમાં જ તે સોયાબીન સહિત કૃષિ ઉત્પાદનો પર ટેરિફ લાદશે. ચીને ગૂગલ સહિત ચોક્કસ યુએસ કંપનીઓને પણ નિશાન બનાવી તપાસ શરૂ કરી છે. ચીની અધિકારીઓએ વોશિંગ્ટનને સંદેશા મોકલવામાં વધુ ઉગ્ર સ્વર અપનાવવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં ટેરિફના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિને અમેરિકા પર આક્રમક વલણ અપનાવતા કહ્યું હતું કે જો યુ.એસ. યુદ્ધ ઇચ્છે છે, પછી ભલે તે ટેરિફ યુદ્ધ હોય, વેપાર યુદ્ધ હોય કે અન્ય કોઈપણ પ્રકારનું યુદ્ધ હોય, અમે અંત સુધી લડવા માટે તૈયાર છીએ.

એક પ્રેસ કોન્ફરન્સમાં, વિદેશ પ્રધાન વાંગ યીએ પણ દલીલ કરી હતી કે ટેરિફ યુનાઇટેડ સ્ટેટ્સને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. વાંગે સમાધાનની સંભાવના ખુલ્લી મૂકતા કહ્યું કે સહયોગથી બંને દેશોને પરસ્પર લાભ મળશે. સામે અમેરિકા પણ થોડું કૂણું વલણ આપવાની રહ્યું છે. એક પ્રેસ કોન્ફરન્સમાં, ટ્રમ્પે કહ્યું કે તેમના જિનપિંગ સાથે સારા સંબંધો છે અને તેઓ તેમના સંપર્કમાં છે. જો કે બંને વચ્ચે ટેલિફોનિક વાત થઈ કે નહીં તે સ્પષ્ટ નથી. ટ્રમ્પના પ્રથમ ૧૦૦ દિવસમાં તેમણે જિનપિંગ સાથે મુલાકાતમાં રસ દર્શાવ્યો હોવાનું કહેવાય છે.

૨૦૧૭માં ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં તેમણે ચીનની મુલાકાત લઈ જિનપિંગ સાથે રાત્રિભોજન લીધું હતું. જિનપિંગનો ટ્રમ્પ સાથેનો વ્યવહાર પણ કોઈ અન્ય યુ.એસ. રાષ્ટ્રપતિ કરતાં સારો રહ્યો છે. એટલે આગળ જતાં વેપાર યુદ્ધનો મુદ્દો ચર્ચાના ટેબલ પર આવી શકે છે, પરંતુ હાલમાં એવું લાગે છે કે ચીન ઉતાવળમાં નથી. આગામી મહિનાઓમાં ટ્રમ્પ-જિનપિંગ મુલાકાત થઈ શકે છે. પરંતુ કોઈપણ બેઠક પહેલા ચીન ઘણી ખાતરીઓ માંગશે કારણ કે, શરમ કે અપમાનિત થવું પડે અથવા સમાધાન કરવું પડે એવી સ્થિતિમાં રહેવા જિનપિંગ તૈયાર નહીં હોય.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top