Editorial

ચીનનો આર્થિક વિકાસ પરપોટો સાબિત થશે?

કોવિડનો રોગચાળો ધીમો પડ્યા બાદ વિશ્વમાં જેનું અર્થ તંત્ર સૌથી પહેલા દોડતું થઇ ગયું હતું તેવા દેશ તરીકે ચીનને કેટલાક સમયથી અહોભાવ પૂર્વક જોવામાં આવતું હતું. આ જ ચીનમાં કોવિડ-૧૯નો રોગચાળો સૌથી પહેલા શરૂ થયો હતો, પણ તેણે કડક અને મક્કમ પગલાઓ લઇને આ રોગચાળાને ઝડપથી કાબૂમાં લઇ લીધો હોવાનું કહેવાય છે અને તેણે આ રોગચાળા પછી વિશ્વમાં સૌથી પહેલા અર્થતંત્રમાં વિકાસ નોંધાવવા માંડ્યો હોવાનું કહેવાય છે. આ ચીન આમ પણ છેલ્લા કેટલાયે વર્ષોથી અદભૂત ઔદ્યોગિક અને આર્થિક પ્રગતિથી વિશ્વને પ્રભાવિત કરી રહ્યું હતું, પણ હવે ચીન વિશે કેટલાક જે અહેવાલો બહાર આવી રહ્યા છે તે ચીનના વિકાસને શંકાને નજરે જોવું પડે તેવા છે.

થોડા દિવસથી જેની મહાકાય રિઆલ્ટી કંપની એવરગ્રાન્ડની આર્થિક કટોકટીએ આખી દુનિયામાં ચિંતા જન્માવી છે તે ચીનના અર્થતંત્ર અંગે ચિંતા કરાવે તેવી બીજી પણ એક વાત બહાર આવી છે અને તે છે ચીનની વિજળી કટોકટી. દેશમાં વિજળીની તંગીના કારણે લોકોને તેનો કરકસરથી વપરાશ કરવા જણાવાય છે તથા અનેક વિસ્તારોમાં વિજ કાપ મૂકવામાં આવી રહ્યા છે. ચીનમાં છેલ્લા કેટલાક સમયથી ફેકટરીઓ માટે પાવર કાપ શરૂ કરવામાં આવ્યા છે.

આ પાવર કાપના બે કારણો જણાવાય છે – એક તો એ તે ચીનમાં વિજળી મોટે ભાગે કોલસા તથા ગેસ જેવા ઇંધણોનો ઉપયોગ કરીને ઉત્પન્ન કરવામાં આવે છે અને આને કારણે થતું પ્રદૂષણ રોકવા વિજળીનું ઉત્પાદન ઘટાડવા કેટલાક રાજ્યોએ આદેશ જારી કર્યા છે, તો બીજું કારણ ખરેખરી તંગીનું છે. ચીનમાં કોલસા અને ગેસ જેવા ઇંધણોની અછત વર્તાઇ રહી છે અને તેને કારણે વિજળીનું ઉત્પાદન ઘટાડવામાં આવી રહ્યું છે. ચીનમાં વિજકાપને કારણે વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું છે અને આના કારણે મોંધવારી વધી શકે છે. તો બીજી બાજુ નિકાસલક્ષી વસ્તુઓના ઉત્પાદનો પર પણ અસર થઇ શકે છે.

ચીનનો લગભગ અડધો અડધ ભાગ વિજળી ઉત્પાદનનું નિર્ધારિત લક્ષ્ય ચૂકી ગયો છે અને તેને કારણે અનેક ભાગોમાં વિજ કાપ મૂકાઇ રહ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં જીઆંગસુ, ઝેજિઆંગ અને ગુઆંગડોંગનો સમાવેશ થાય છે, આ ત્રણેય ચીનના ઔદ્યોગિક પાવર હાઉસ ગણાય છે અને ચીનના અર્થતંત્રના ત્રીજા ભાગનું ઉત્પાદન આ વિસ્તારોમાં થાય છે. રહેણાક વિસ્તારોને પણ વીજકાપ સહન કરવો પડે છે. ઉત્તર ચીનના અનેક પ્રાંતોના નાગરિકો વારંવારના પાવર કાપ સહન કરી રહ્યા છે. ઘણા શહેરોમાં શેરી લાઇટો ઘણો સમય બંધ રાખવામાં આવે છે, ગુઆંગડોંગ શહેરમાં તો ટ્રાફીક સિગ્નલો પણ બંધ કરી દેવાતા હોવાથી ટ્રાફિકની અંધાધૂંધી પણ સર્જાય છે. આવા અહેવાલો ચીનના અદભૂત આર્થિક વિકાસના દાવાઓ સામે શંકાઓ જન્માવે છે.

આમ પણ કેટલાક નિષ્ણાતો અને અનેક પશ્ચિમી દેશો ચીનના આર્થિક વિકાસ સામે પ્રશ્નો ઉઠાવી જ રહ્યા હતા. ચીને જે આર્થિક અને ઔદ્યોગિક વિકાસ કર્યો પણ છે તે પોતાના કામદારોનું શોષણ કરીને અને પર્યાવરણ અંગેના ધારાધોરણોનો સરેઆમ ભંગ કરીને કર્યો છે તેવો આક્ષેપ ચીન પણ થતો રહ્યો છે અને તેમાં તથ્ય જણાય  જ છે. ચીનમાં કામદારોને પ્રમાણમાં ઓછું વેતન આપીને કલાકો સુધી તેમની પાસેથી કામ લેવાય છે તેવા અહેવાલો બહાર આવતા રહ્યા છે. અને ચીનનું પ્રદૂષણ તો જગ પ્રસિદ્ધ છે. આ બાબતો હવે ચીનની કંપનીઓની મુશ્કેલીઓના અહેવાલો અને હવે ચીનમાં વ્યાપક વીજ કાપના અહેવાલો બહાર આવી રહ્યા છે તે એવું વિચારવા પ્રેરે છે કે ચીનનો આર્થિક વિકાસ કદાચ પરપોટો જ પુરવાર થઇ શકે છે.

Most Popular

To Top