વડોદરા: વિધાનસભાની ચૂંટણીઓ મા પડઘમ વાગતાં જ રાજ્યમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવતા જ રાજકીય મોરચે ગરમાવો આવી ગયો છે. તેઓએ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે વિશાળ જાહેરસભા સંબોધી હતી.દરમ્યાન તેઓએ ભાજપ સરકારના ભ્રષ્ટાચાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ‘ગુજરાતમાં પરીક્ષાઓના પેપર ફૂટી રહ્યાં છે. શું આ લોકો સરકાર ચલાવી રહ્યાં છે કે પછી ધર્મશાળા? આ લોકો માત્ર પેપર નથી સાચવી શકતા તો દેશને શું સાચવી સકે? આવા લોકોએ તાત્કાલીક રાજીનામું આપી દેવું જોઇએ.
અમે સત્તા પર આવ્યા પછી દિલ્હીમાં 12 લાખ બેરોજગાર યુવાનોને રોજગાર અપાવી છે. અમને નોકરી અપાવતા આવડે છે. સામાન્ય નાગરિકના ઘરમાં પણ ખુશીઓ જોવા માંગુ છું. ગુજરાતના લાખો બેરોજગાર યુવાઓને અમે વાયદો આપીએ છેકે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો બેરોજગાર યુવકોને 5 વર્ષમાં રોજગાર અપાવીશું. જ્યાં સુધી તેઓને રોજગાર નહીં મળે ત્યાં સુધી પ્રતિ માસ તેઓને 3 હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થું મળશે.’
વધુમાં કેજરીવાલે કહ્યું કે, ‘ગુજરાતમાં અમે 10 લાખ નોકરીઓનું સર્જન કરીશું. આ નોકરીઓમાં આદિવાસીઓને પૂરો હક મળશે, તેમના હક્કનો પૂરે પૂરો કોટા મળશે. દરેક ગામમાં તમામ પ્રકારની સવલતભરી ઉચ્ચ શિક્ષણ આપતી શાળાઓ હશે. નાગરિકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય અર્થે મોહલ્લા ક્લિનિક બનાવીશું. દરેક ગામોને આંતરિક માળખામાં પણ જોડતી પાકી સડકનુ બનાવવામાં આવશે. બોટાદ લઠ્ઠાકાંડમાં સેકડો મૃતકો બાબતે જવાબદાર મનાતી ભાજપ સરકારને વધુ આકરા ચાબખા મારતા કેજરીવાલે કહ્યું કે, ‘ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મૃત્યુ થયા છે.
પણ હવે ચૂંટણી બાદ સરકાર બદલાતા જ ગુજરાતમાં બદલાવ આવશે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. લઠ્ઠાકાંડ બાદ દર્દીઓની મુલાકાતનો સમય પણ મુખ્યમંત્રીને ન મળ્યો? પ્રજાના પારાવાર દુઃખના સમયે કામ ન જ ન આવે તે સરકાર શું કામની? ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગલીગલીએ દારૂ મળે છે. જો દારૂબંધી છે તો કરોડો રૂપિયાનો દારૂ કોના ઇશારે કોણ કોણ વેચે છે.?
પંજાબમાં 51 લાખ પરિવારના વીજળીના બિલ માફ, ગુજરાતમાં આવીશું તો 3 માસમાં માફી દિલ્હીમાં આપની સરકારે સત્તા નુ શાસન સંભાળતા જ ગરીબ અને મધ્યમવર્ગના લોકોના વીજળીનું ઝીરો બીલ આવતા કાળઝાળ મોંઘવારીમાં રાહત મળી છે. પંજાબમાં સરકાર બન્યાના 3 મહિનામાં વીજ બીલ ઝીરો કરીને પ્રજાને આપેલ વચન પાળ્યા છે. તેના પગલે 51 લાખ પરિવારના વીજળી ના બિલ જ નથી આવતા. અમારી પાસે અને અમારી પાર્ટી પાસે આર્થિક ભંડોળ નથી. છતાં પણ ગુજરાતમાં અમારી આમ આદમી પાર્ટીની સરકાર સત્તાની ધૂરા સંભાળશે તે સાથે જ માત્ર 3 માસમાં પ્રજાના વીજબીલમા માફી આપી ને ઝીરો કરીશું.- અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી