૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તેમાં પાકિસ્તાનના બે ટુકડા થયા હતા અને બાંગ્લા દેશનું સર્જન થયું હતું. ૨૦૨૫ના ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના પરિપાકરૂપે બલુચિસ્તાન નામના સ્વતંત્ર રાષ્ટ્રનું સર્જન થશે તેવું જણાઈ રહ્યું છે. બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરીને એક દેશ બનાવવાની માંગણી વધુ તીવ્ર બની છે. સોશ્યલ મિડિયા પર બલુચિસ્તાનનું રાષ્ટ્રગીત વાગી રહ્યું છે. બલૂચ કાર્યકરો અને સંગઠનોએ યુનોને માન્યતા માટે અપીલ કરી છે અને પાકિસ્તાનને તેમનો સમગ્ર પ્રદેશ ખાલી કરવા પણ કહ્યું છે.
બલુચિસ્તાનના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘને બલુચિસ્તાનને માન્યતા આપવા માટે એક ખાસ બેઠક યોજવા અપીલ કરી છે. બીજી તરફ છેલ્લા ૨૪ કલાકમાં બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં અનેક મોટા વિસ્ફોટ થયા છે. પાકિસ્તાની સેના હચમચી ગઈ છે. ૮ મેના રોજ જ, બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા પાકિસ્તાની સેનાના કાફલાને ઉડાવી દેવામાં આવ્યો હતો, જેનો વિડિયો સોશ્યલ મિડિયા પર વાયરલ થયો હતો. આ પ્રકરણમાં ભારત પડદા પાછળ ભૂમિકા ભજવી રહ્યું છે. બલુચિસ્તાન લિબરેશન આર્મીએ બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની ૧૪ ચોકીઓ પર કબજો કરી લીધો છે. તેણે સમગ્ર બલુચિસ્તાન પર નિયંત્રણનો દાવો કર્યો છે. રાજકીય નિરીક્ષકો કહે છે કે હકીકતમાં બલુચિસ્તાનનો એક તૃતિયાંશ હિસ્સો બલુચિસ્તાન લિબરેશન આર્મીના કબજામાં છે.
આ હિસ્સો પાકિસ્તાન અને ઇરાન વચ્ચે આવેલો છે. બલૂચ કાર્યકર્તા મીર યાર બલોચે દુર્ગા માતાની તસવીર શેર કરી અને લખ્યું કે પ્રિય ૧.૪ અબજ ભારતીય ભાઈઓ અને બહેનો, આપણે બે મહાન સભ્યતાઓ છીએ. અમે અમારી રોટલી તમારી સાથે વહેંચીએ છીએ. અમે અમારાં સુખ-દુઃખ એકબીજા સાથે વહેંચીએ છીએ અને જ્યારે અમારા બંને પર હુમલો થાય છે, ત્યારે ચાલો આપણે પણ ભારત માતા અને માતૃભૂમિ બલુચિસ્તાનની રક્ષા માટે ગોળીઓ વહેંચીએ. આપણી ગોળીઓ હિંગળાજ માતાના મંદિરનું રક્ષણ કરશે. આપણી ગોળીઓ આપણાં હિન્દુ ભાઈ-બહેનોને ધર્માંતરણથી બચાવશે. અમારી ગોળીઓ શાંતિ લાવશે. અમારી ગોળીઓ તમને વિજય અપાવશે. બલુચિસ્તાન લિબરેશન આર્મી ભારતના સહકારથી કામ કરી રહ્યું છે.
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની સ્ટ્રાઈકનો બદલો લઈને પાકિસ્તાન કેવી રીતે પોતાની જ જાળમાં ફસાઈ ગયું તેનું તાજેતરનું ઉદાહરણ બલુચિસ્તાનમાં જોવા મળી રહ્યું છે. બલુચિસ્તાનમાં, જ્યાં બળવાનો દારૂગોળો પહેલેથી જ ભડકી રહ્યો છે, ત્યાં ફરી એક વાર પાકિસ્તાન સરકાર વિરુદ્ધ નારા લગાવવાનું શરૂ થયું છે અને સેનાને નિશાન બનાવવાનું શરૂ થયું છે. પાકિસ્તાન એક તરફ ભારતીય સેના અને બીજી તરફ બલુચિસ્તાન લિબરેશન આર્મીના બેવડા હુમલાનો સામનો કરી રહ્યું છે. બલુચિસ્તાનની સ્વતંત્રતાની માંગણી એવા સમયે આવી છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે.
મીર યાર બલોચે સ્વતંત્રતાની ઘોષણા કરતી વખતે સંયુક્ત રાષ્ટ્રને પોતાનું શાંતિ મિશન મોકલવાની માંગણી કરી છે. મીર યાર બલોચે સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખીને બલુચિસ્તાનના લોકશાહી પ્રજાસત્તાકની સ્વતંત્રતાને માન્યતા આપવા માટે યુનોના તમામ સભ્યોની બેઠક બોલાવવા વિનંતી કરી છે. તેમણે એવી પણ માંગણી કરી હતી કે બલુચિસ્તાનનું ચલણ અને પાસપોર્ટ છાપવા માટે અબજો ડોલર મુક્ત કરવા જોઈએ. મીર યાર બલોચે આગળ લખ્યું છે કે અમે સંયુક્ત રાષ્ટ્રને વિનંતી કરીએ છીએ કે તેઓ બલુચિસ્તાનમાં પોતાનું શાંતિ મિશન મોકલે અને પાકિસ્તાની સેનાને બલુચિસ્તાનના વિસ્તારો, હવાઈ ક્ષેત્ર અને સમુદ્ર ખાલી કરવા અને બલુચિસ્તાનમાં તમામ શસ્ત્રો અને સંપત્તિ છોડી દેવા કહે.
સેના, ફ્રન્ટિયર કોર્પ્સ, પોલીસ, મિલિટરી ઇન્ટેલિજન્સ, આઈએસઆઈ અને નાગરિક વહીવટી તંત્રમાં રહેલા તમામ બિન-બલોચ કર્મચારીઓએ તાત્કાલિક બલુચિસ્તાન છોડી દેવું જોઈએ. બલુચિસ્તાનનું નિયંત્રણ ટૂંક સમયમાં સ્વતંત્ર બલુચિસ્તાન રાજ્યની નવી સરકારને સોંપવામાં આવશે અને ટૂંક સમયમાં એક વચગાળાની સરકારની જાહેરાત કરવામાં આવશે. આતંકવાદી પાકિસ્તાનનું પતન નજીક હોવાથી ટૂંક સમયમાં સંભવિત ઘોષણા અપેક્ષિત છે. અમે અમારી સ્વતંત્રતાનો દાવો કર્યો છે અને અમે ભારતને દિલ્હીમાં બલુચિસ્તાનના દૂતાવાસને મંજૂરી આપવા વિનંતી કરીએ છીએ.
બલુચિસ્તાનનાં સામાન્ય નાગરિકો અને બુદ્ધિજીવીઓ પાકિસ્તાની શાસનથી કેટલી હદે પરેશાન છે તેનો અંદાજ વર્તમાન પરિસ્થિતિ પરથી જ લગાવી શકાય છે. બલુચિસ્તાનમાં ફાટી નીકળેલો બળવો પાકિસ્તાન સરકારના નિયંત્રણની બહાર જવા લાગ્યો છે. બાલુજમાં જાગૃત લોકોએ હડતાળ વચ્ચે શાહબાઝ સરકારના ભેદભાવપૂર્ણ શાસનથી મુક્તિ, પાકિસ્તાની સેનાના અત્યાચારોથી મુક્તિ અને ચીનના વધતા વ્યૂહાત્મક પંજાથી મુક્તિની જાહેરાત કરી દીધી છે. અહીં લાંબા સમયથી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. સ્થાનિક લોકો હંમેશા પાકિસ્તાન સરકાર પર તેમની સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવતા આવ્યા છે. ચીનના પ્રોજેક્ટ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. સામાન્ય બલુચી લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે પાકિસ્તાન સરકાર જાણી જોઈને અહીં વિકાસ કાર્યક્રમને આગળ ધપાવતી નથી અને લોકોને દબાવવા માટે ચીની સરકારને જમીન આપી રહી છે.
ઇતિહાસ એ પણ કહે છે કે બલુચિસ્તાન એક અલગ રાજ્ય તરીકે રહેવા માંગતું હતું પરંતુ પાકિસ્તાને તેના પર કબજો કરી લીધો છે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ઉપખંડમાં ઘણાં રજવાડાં હતાં જે સીધાં બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા શાસિત નહોતાં. સ્વતંત્રતા સમયે, આ રજવાડાંઓને ૩ વિકલ્પો આપવામાં આવ્યા હતા. (૧) ભારત સાથે વિલીનીકરણ (૨) પાકિસ્તાન સાથે વિલીનીકરણ અથવા (૩) સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા. બલુચિસ્તાને સ્વતંત્ર રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ પછી વર્ષ ૧૯૪૭માં મુસ્લિમ લીગ અને કલાત વચ્ચે એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર થયા જેમાં સ્વીકારવામાં આવ્યું કે કલાતની પોતાની અલગ ઓળખ હશે. મુસ્લિમ લીગે કહ્યું હતું કે કલાતની સ્વતંત્રતાનું સન્માન કરવામાં આવશે. ત્યાર બાદ બલુચિસ્તાનની સ્વતંત્રતાની પણ ઘોષણા કરવામાં આવી. જો કે, ૧૯૪૮માં પાકિસ્તાની સેનાએ એક અભિયાન શરૂ કર્યું અને કલાત સહિત સમગ્ર બલુચિસ્તાન પર કબજો કરી લીધો. બલૂચીઓ ફરિયાદ કરે છે કે પાકિસ્તાની સરકારની નજર તેમનાં કુદરતી સંસાધનો પર છે, જેનું શોષણ થઈ રહ્યું છે અને જ્યારે સ્થાનિક નાગરિકો અવાજ ઉઠાવે છે ત્યારે તેમના પર અત્યાચાર થાય છે.
પાકિસ્તાની સેનાની વધતી જતી દખલગીરી પછી, વર્ષ ૨૦૦૦ માં અહીં બલુચિસ્તાન લિબરેશન આર્મીની રચના થઈ અને પછી આઝાદીના નારા લગાવવાનું શરૂ થયું. બલુચિસ્તાન લિબરેશન આર્મી ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) નો સખત વિરોધ કરી રહ્યું છે. આ ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો એક ભાગ છે. બલુચીઓ પોતાની બંદૂકો ઊંચી કરી રહ્યા છે અને નારા લગાવી રહ્યા છે કે તેમની સંપત્તિ લૂંટીને ચીનને સોંપવામાં આવી રહી છે. સમગ્ર બલૂચ પ્રદેશની નવી પેઢી આધુનિક શિક્ષણ અને નોકરીઓથી પણ વંચિત છે. અહીં ફક્ત સેનાના બળ પર શાસન ચાલી રહ્યું છે. બલુચિસ્તાનનાં સામાન્ય લોકો દરેક મુદ્દા પર ભારત સરકાર પાસેથી સહયોગની અપેક્ષા રાખતા આવ્યા છે.
બલુચિસ્તાન દ્વારા ભારત પાસેથી ઘણી વખત ખુલ્લેઆમ સહયોગ માંગવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૬ માં ૧૫ ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં ભારતના વડા પ્રધાન મોદીએ બલુચિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પીડિતોના દુ:ખ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. બલુચિસ્તાનનો વિસ્તાર કુલ પાકિસ્તાનના ૪૬ ટકા છે. જો કે, તેની વસ્તી દોઢ કરોડ છે, જે પાકિસ્તાનની કુલ વસ્તીના માત્ર ૬ ટકા છે.
બલુચિસ્તાનમાં ૭૦ ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે છે. આ ઉપરાંત, બલૂચ મૂળનાં લોકો પણ મુખ્યત્વે પંજાબ ક્ષેત્રનાં મુસ્લિમો દ્વારા ભેદભાવનો સામનો કરે છે. પાકિસ્તાની સેનામાં બલૂચ લોકોને ક્યારેય ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત કરવામાં આવતાં નથી. પાકિસ્તાને બલુચિસ્તાનને અડીને આવેલ ગ્વાદર બલૂચ પ્રજાને પૂછ્યા વગર બંદર ચીનને સોંપી દીધું પરંતુ બલુચિસ્તાનને આ પ્રોજેક્ટનો કોઈ લાભ મળ્યો નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.