Editorial

હત્યાના ઉપરા છાપરી પ્રયાસો ટ્રમ્પને ચૂંટણીમાં લાભ કરાવશે?

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો ફરી એકવાર પ્રયાસ થયો છે. બે મહિનામાં બીજી વખત આવો પ્રયાસ થયો છે. આ પહેલા જુલાઇમાં એક ચૂંટણી સભા વખતે તેમની હત્યાનો પ્રયાસ  થયો હતો, આ વખતે હત્યાનો પ્રયાસ કોઇ ચૂંટણી સભામાં નહીં પણ ટ્રમ્પ ગોલ્ફ રમી રહ્યા હતા તે વખતે થયો છે. ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડા ખાતેના તેમના ગોલ્ફ  કોર્સમાં ગોલ્ફ રમી રહ્યા હતા તે સમયે તેમની હત્યાનો દેખીતો પ્રયાસ થયો હતો જેમાં તેઓ બચી ગયા છે અને સલામત છે. આ બનાવ રવિવારે વેસ્ટ પામ બીચ, ફ્લોરિડામાં આવેલ ટ્રમ્પ  ઇન્ટરનેશનલ ગોલ્ફ કલબ ખાતે બન્યો હતો. આ બનાવ પછી વિશ્વભરમાં ચકચાર મચી ગઇ અને વિશ્વના અનેક નેતાઓએ ટ્રમ્પની હત્યાના આ પ્રયાસને વખોડી નાખ્યો છે. ભૂતપૂર્વ પ્રમુખ એવા ટ્રમ્પની હત્યાનો આ બીજી વખત પ્રયાસ થયો છે અને તેથી અમેરિકાની આ વખતની ચૂંટણીનો માહોલ વધુ ગરમ બનવા તરફ જઇ રહ્યો છે એમ જણાય છે.

ટ્રમ્પની હત્યાના પ્રયાસના આ બનાવ અંગે પામ બીચ કાઉન્ટિના શેરીફ રિક બ્રેડશોએ જણાવ્યુ હતું કે એક સિક્રેટ સર્વિસ એજન્ટે આ શકમંદને વાડ પર રાઇફલ સાથે જોયો હતો, તે વાડમાંથી  રાઇફલ તાકવાનો પ્રયાસ કરતો જણાયો હતો અને તે સ્થળ પરથી ભાગી જાય તે પહેલા તરત તેના પર ગોળીબાર કર્યો હતો. રિપબ્લિક પક્ષના અમેરિકી પ્રમુખપદના ઉમેદવાર એવા ૭૮  વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પ શકમંદથી ૩૦૦થી ૫૦૦ વાર દૂર હતા એ મુજબ બ્રેડશોએ જણાવ્યું હતું. ટ્રમ્પની પ્રચાર છાવણીના એક પદાધિકારીએ આના પછી એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડોનાલ્ડ  ટ્રમ્પ તેમની નજીક ગોળીબારો પછી સલામત છે.

રવિવારના આ બનાવ અંગે હવાઇ ખાતેની એક નાની બાંધકામ કંપનીના ૫૮ વર્ષીય માલિક રયાન  વેસ્લે રૂથને અટકાયતમાં લેવામાં આવ્યો છે. રૂથ ઘણી વખત ભૂતપૂર્વ પ્રમુખની ઘણી વખત ટીકા કરી ચુક્યો છે. ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવા બદલ  પકડાયેલો શકમંદ ફ્લોરિડા ખાતેના ટ્રમ્પના ગોલ્ફ કોર્સની બહાર ૧૨ કલાક જેટલા સમયથી ખોરાક અને એક રાઇફલ સાથે છાવણી નાખીને પડ્યો હતો એમ અદાલતમાં મૂકવામાં આવેલા  દસ્તાવેજો જણાવતા હતા.

ટ્રમ્પની હત્યાના પ્રયાસ બદલ પકડાયેલ ૫૮ વર્ષીય રયાન વેસ્લી રૂથ એ એક નાનકડી કન્સ્ટ્રકશન કંપનીનો માલિક છે અને તે અગાઉ પણ ખોટા સિરિયલ નંબર  સાથેનું એક શસ્ત્ર રાખવા બદલ દોષિત ઠરી ચુક્યો છે. તેની સામે તપાસ ચાલુ છે અને વધારાના અને વધુ ગંભીર આરોપો મૂકાઇ શકે છે. લાગે છે કે તે ટ્રમ્પની હત્યાના ઇરાદા  સાથે જ ત્યાં આવ્યો હતો. જો કે કોઇ રાજકીય કે અન્ય સંગઠનથી તે પ્રેરિત હોય તેવું પ્રાથમિકપણે લાગતું નથી. અમેરિકા સહિતના ૫શ્ચિમી દેશોમાં આવા અનેક ભેજાગેપ લોકો હોય છે  જેઓ એકલપંડે ઘણી વખત આવા કૃત્યોને અંજામ આપતા હોય છે અને આ કિસ્સામાં પણ આવું જ લાગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે  આ પહેલા ૧૩મી જુલાઇએ ટ્રમ્પ જ્યારે  પેન્સિલવેનિયામાં એક ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા હતા તે સમયે થોમસ મેથ્યુ ક્રૂક્સ નામના  ૨૦ વર્ષીય છોકરાએ ટ્રમ્પ પર ગોળીબાર કર્યો હતો. તે વખતે ટ્રમ્પ ચપળતાપૂર્વક નીચા  નમી ગયા હતા છતાં તેમના કાન નજીક એક ગોળી વાગી હતી. જો કે ઇજા બહુ ગંભીર ન હતી. તે વખતે પણ તે છોકરાએ એકલપંડે જ તે કૃત્ય પોતાની બેકારી વગેરેથી કંટાળીને આચર્યું  હોવાનું કહેવાય છે.

ટ્રમ્પની હત્યાના પહેલા પ્રયાસ વખતે જ અમેરિકામાં કાવતરાની થિયરીઓ પણ વહેતી થઇ હતી અને બીજા પ્રયાસ પછી તે વધુ ઉગ્ર બનશે. કાવતરાની થિયરીઓ રજૂ કરનારાઓનું કહેવું એમ છે કે ચૂંટણી જીતવા માટે લોકોની સહાનુભૂતિ પોતાની તરફે કરવા માટે ટ્રમ્પ પોતે જ પોતાની હત્યાના પ્રયાસોના નાટક ગોઠવી રહ્યા છે. હત્યાના પહેલા પ્રયાસ વખતે ટ્રમ્પને માથા નજીક ઇજા પણ થઇ હતી તે જોતા આ થિયરીઓ સાચી હોય તેમ બહુ લાગતું નથી. કેટલાક લોકો કહે છે કે આ બનાવોથી ટ્રમ્પને ચૂંટણીમાં લાભ થશે. પરંતુ ખરેખર લાભ થશે કે કેમ? તે તો સમય જ જણાવશે.

Most Popular

To Top