Charchapatra

કૃત્રિમ બુદ્ધિ જગતને ભરખી જશે?

પહેલાના વખતમાં ઠેર ઠેર ચોર લુટારુ ડાકુઓથી ખદબદતા નામચીન લત્તા હતા જેને વળોટીને જવામાં શાણપણ ગણાતું હતું. આજે લૂંટનાર અને લૂંટાનાર એકબીજાને સાથે આમને સામને થયા વગર લૂંટફાટ થાય છે. સાયબર ક્રાઇમ કરનારાઓ જેટલી ઝડપથી નવા ઉપાય વિચારે છે તેટલી ઝડપ કાયદાના રખેવાળો બતાવી શકતા નથી. અને છતાં સાયબર ક્રાઇમ રોકવા માટે સત્તાવાળાઓ તરફથી આટલી જાહેરાત થવા છતાં ખાસ કરીને ભણેલા ગણેલા લોકો સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈ જાય છે. અધુરામાં પૂરું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એટલે કે કૃત્રિમ બુદ્ધિ નવાં નવાં શિખરો બંને દિશામાં સર કરવા માંડી છે અને જીવ જગતમાં સૌથી વધુ કુદરતી બુદ્ધિશાળી હોવાનો ગર્વ લેનાર મનુષ્ય ઉત્તરોત્તર લાચાર થતો જાય છે ત્યારે વિજ્ઞાન કથાઓમાં આવે છે તેમ પ્રશ્ન એ થાય છે કે કૃત્રિમ બુદ્ધિ આ જગતને ભરખી જશે?
સુરત     -સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સુરતમાં ફકત સુરતીઓ જ હોય?
આપણે સાંભળીએ કે, ભારતમાં જ્યાં જાઓ ત્યાં કોઈ ભારતીય મળતો નથી.  લોકો ગુજરાતી, મરાઠી, રાજસ્થાન, પંજાબી, ઓળખ આપે આમાં કોઈ ભારતીય તો દેખાતો જ નથી. વાત કરીએ સુરતની. સુરતમાં બહારથી આવીને વસેલા લોકો કે જેઓની ત્રીજી કે ચોથી પેઢી સુરતમાં વસે છે છતાં તેઓ સુરતી કે ગુજરાતી તરીકેની ઓળખ આપવા તૈયાર નથી. સુરતમાં સુરતી શોધવો મુશ્કેલ છે. તમને માર્કેટમાં મારવાડી મળે, વરાછા, કતારગામમાં કાઠીયાવાડી, લિંબાયતમાં મરાઠી, ગોડાદરા-ડિંડોલીમાં યુપીવાસી, બિહારી મળે, ચોકમાં મુસ્લિમ મળે, રામનગરમાં સિંધી મળે, પણ સુરતમાં સુરતીઓ મળવો મુશ્કેલ.

સમ ખાવા પૂરતો ભાગળ કે તેની આસપાસ સુરતીઓ મળે.જે સુરતની કુલ વસ્તીના કેટલા ટકા હશે? બહારથી લોકો હિન્દી બોલે છે એટલે ગુજરાતી લોકો પણ હિન્દી બોલવા ટેવાઈ ગયા છે. બીજા રાજ્ય વાળા ગુજરાતી બોલતા નથી અને ગુજરાતે ક્યારેય એવું દબાણ કર્યુ નથી કે ગુજરાતમાં ફરજીયાત ગુજરાતી બોલવું. ગુજરાતી ભેગા થાય તો પણ હિન્દીમાં વાત કરે.ટૂંકમાં લોકોને ભારતમાં રહેવા છતાં ભારતીય ઓળખ નથી આપવી અને સુરતમાં રહેવા છતાં સુરતીઓ કે ગુજરાતી તરીકે ઓળખાવામાં નાનમ કેમ આવતી હશે!
સુરત     -પ્રવીણ કુમાર પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top