અલ્લુ અર્જૂનને હવે તમે ફકત સાઉથનો સ્ટાર કહી શકો એમ નથી. ‘પુષ્પા: ધ રાઇઝ’ પેન ઇન્ડિયા ફિલ્મ પૂરવાર થઇ હતી. ‘બાહુબલી’, ‘આરઆરઆર’, ‘કેજીએફ-2’ સાથે એ ફિલ્મ અને તેના સ્ટાર્સનું મહત્વ સ્વીકારવું જ પડે. હમણા એવું સાંભળ્યું કે ‘પુષ્પા’ની સિકવલ માટે તેને દોઢસો કરોડ ફી માંગેલી પણ છેલ્લે 125 કરોડ રૂપિયામાં માની ગયો. અલ્લુને પુરી ખાત્રી છે કે ‘પુષ્પા-2’ તો પહેલી ફિલ્મ કરતાં ય વધુ સફળ જશે. ‘પુષ્પા: ધ રાઇઝ’ રજૂ થઇ ત્યારે તો તેનું અને આ ફિલ્મનું કોઇ નામ ન હતું. હવે તો લોકો બ્લાઇન્ડલી તેની ટિકીટ ખરીદશે. તે તો માને છે કે ‘બાહુબલી-2’ અને ‘કેજીએફ-2’થી મોટી બ્લોક બસ્ટર્સ પૂરવાર થશે. ‘પુષ્પા-2’નો દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા જ રહેશે પણ નિર્માતા તરીકે ટી. સિરીઝવાળો ભૂષણકુમાર આવી ગયો છે.
મતલબ કે પહેલાથી વધુ હિન્દી લાગશે. અલ્લુ અર્જૂન પોતાના સ્ટારડમ વિશે એકદમ સભાન છે અને પોતાનું બજાર અને પોતાની બજાર કિંમત જાણે છે. શાહરૂખ ખાને હમણાં તેને ‘જવાન’માં એક ભૂમિકા માટે આગ્રહ કર્યો હતો તો અલ્લુએ ના પાડી દીધી. તેણે કહી દીધું કે ‘હું ‘પુષ્પા-2’માં વ્યસ્ત છું.’ ઠીક છે. આ તો ના પાડવાની રીત છે. અલ્લુ સમજી ગયો છે કે શાહરૂખ પણ સમજે છે કે અલ્લુની શું વેલ્યુ છે. ભારતમાં સૌથી વધુ ફી મેળવનાર સ્ટાર્સમાં રજનીકાંત, પ્રભાસ, અક્ષયકુમારના નામ ગણાતા આવ્યા છે.
હવે તેમાં અલ્લુ ઉમેરાયો છે. રજનીકાંત, પ્રભાસ, અક્ષયકુમાર જો કે મોટી ફી પહોંચવા પહેલાં જેટલી ફિલ્મોમાં કામ કરી ચુકયા છે તેનાથી ઓછી ફિલ્મે અલ્લુ અર્જૂને મોટી ફી મેળવી છે. તેની પાસે અત્યારે ‘આઇકોન’, ‘એએ21’ જેવી ફિલ્મો છે. ‘એએ 21’માં તેની સાથે પૂજા હેગડે છે અને ‘આઇકોન’માં પણ ફરી પૂજા જ છે. અત્યારે આ ફિલ્મો હિન્દીમાં પણ રજૂ થશે કે નહિ તે નક્કી નથી. ફિલ્મ જો પેન-ઇન્ડિયા સ્તરે બનવાની હોય તો અલ્લુ મોટી ફીનો દાવો કરે છે. અત્યાર પહેલા પાન-ઇન્ડિયા સ્ટાર રીકે પ્રભાસ જ દાવો કરતો હતો પણ ‘બાહુબલી’ની બંને ફિલ્મો પછી તે ‘સાહો’ અને ‘રાધેશ્યામ’માં માર ખાય ગયો છે પરંતુ ‘આદિપુરુષ’થી તે જોરમાં કમબેક કરવાનું ધારે છે. એ ફિલ્મમાં તે આદિપુરુષ રામ તો ક્રિતી સેનોન સીતા બની છે.
સૈફ અલી ખાન લંકેશની ભૂમિકામાં છે. સાઉથના સ્ટાર્સ બને ત્યાં સુધી સાઉથના દિગ્દર્શકનો જ આગ્રહ રાખે છે પણ ‘આદિપુરુષ’નો દિગ્દર્શક ઓમ રાઉત છે. એટલે ફિલ્મ બોકસ ઓફિસપર જમાવશે તો ખરી. આ ઉપરાંત તેની પાસે ‘સાલાર’, ‘પ્રોજેકટ કે’ (જેમાં દિપીકા પાદુકોણે અને અમિતાભ બચ્ચન છે) હમણાં જેની ‘પઠાણ’ જબરજસ્ત સફળ છે તે સિધ્ધાર્થ આનંદ પણ પ્રભાત સાથે કેટરીના કૈફને લઇ ફિલ્મ બનાવે છે. સંદીપ રેડ્ડી વાંગા અલ્લુ અર્જૂનની સાથે ફિલ્મ બનો છે તો પ્રભાસ સાથે પણ ‘સ્પિરીટ’ બનાવે છે. તો આનો સીધો અર્થ એ થયો કે બોકસ ઓફિસ પર બે પેન-ઇન્ડિયા સ્ટાર વચ્ચે જંગ ખેલાવાનો છે. પ્રભાસ પોતાની ‘બાહુબલી’ની ઇમેજને આગળ વધારવા ખૂબ મહેનત કરી રહ્યો છે એટલે 2023નું વર્ષ આ બંને માટે ખુલ્લુ મેદાન બની જશે. •