Business

પતિના વિરાટ પગલે અનુષ્કા ક્રિકેટર બનશે?

કરીના કપૂર તો બીજા સંતાન પછી હજુ ય માતૃત્વ માણી રહી છે પણ અનુષ્કા શર્મા દિકરી વામિકા 7 મહિનાની થવા સાથે જ ફરી કામે લાગી રહી છે. અલબત્ત તે ઘરે રહી ત્યારે પણ સાવ નવરી તો નહોતી બેઠી. નિર્માત્રી તરીકે તેણે ‘પાતાલલોક’ અને ‘બુલબુલ’ નામની વેબસિરીઝ વડે 2020ના સમયમાં ખાસ્સી ઉત્તેજનાભરી સફળતા મેળવી. તેને અભિનય ન કરતી હોય ત્યારે અને સમાંતરે નિર્માણમાં રસ ધરાવે છે. એન.એચ.10 ફિલ્મ બનાવવાથી તેણે શરૂઆત કરેલી અને પછી ‘ફિલ્લોરી’ અને ‘પરી’ બનાવી પણ હવે તે બહુ સલામત રસ્તા તરીકે વેબસિરીઝમાં જ રોકાણ કરે છે. વામિકાના ઉછેરતી હતી ત્યારે પણ નવી બે વેબસિરઝી પ્લાન કરી અને પૂરી ય કરી નાંખી.

એક છે હોરર થ્રીલર ‘ક્વાલા’ જેમાં તૃપ્તિ ડીમરી, સ્વસ્તિકા મુખરજી અને બાબીલ ખાન છે જેનું દિગ્દર્શન અન્વિતા દત્તે કર્યુ છે. બીજી વેબ સિરીઝ છે ‘માઇ’ જેમાં સાક્ષી તન્વર, રાયમા સેન અને સીમા ભાર્ગવ છે જેમાં 35-40ની ઉંમરે પહોંચેલી સ્ત્રી આકસ્મિક રીતે માફિયા લીડરને મારી નાંખતા અંડરવર્લ્ડની નજરે ચડી જાય છે. વેબ સિરીઝ હોય એટલે ક્રાઇમ થ્રીલર તો હોવી જોઇએ પણ અનુષ્કા એવું કરે છે કે તેના મુખ્ય પાત્રો સ્ત્રીને બનાવે છે એટલે આપોઆપ માનવીય લાગણીઓ કેન્દ્રમાં આવી જાય.

તે વેબસિરીઝ બનાવે પણ તેમાં અભિનય કરવા નથી માંગતી. અભિનય કરશે તો ફિલ્મોમાં જ કરશે. ધોની, અઝહર પર તો ફિલ્મ બની અને હવે ‘83’ પણ બની ચુકી છે ત્યારે અનુષ્કા કદાચ ઝૂલન ગોસ્વામી નામની ક્રિકેટરની બાયોગ્રાફીકલ ફિલ્મમાં ઝૂલન બનશે. મિથાલી રાજ પર બની રહેલી ફિલ્મમાં તો તાપસી પન્નુ ઓલરેડી કામ કરી જ રહી છે. હવે વિરાટ કોહલીની પત્ની ઝૂલન ગોસ્વામી બની બેટ પકડશે. કામ બહુ ક્લિયર છે. વિરાટ રિયલ મેદાનમાં ઉતરે તો અનુષ્કા ફિલ્મના મેદાનમાં. આ ફિલ્મ ઉપરાંત અર્જુન કપૂર સાથે પણ હવે તે ફિલ્મ કરશે એવી વાત છે.

અનુષ્કા ‘રબને બના દી જોડી’ થી જ સારી ફિલ્મો પસંદ કરે છે. માત્ર પૈસા માટે ફિલ્મો કરવાની મજબૂરી તેણે સ્વીકારી નથી અને એ કારણે જ ‘બેન્ડ બાજા બારાત’, ‘જબ તક હૈ જાન’, ‘લેડીઝ વર્સિસ રિકી બહલ’, ‘પી.કે.’, ‘દિલ ધડકને દો’, ‘સુલતાન’, ‘જબ હેરી મેટ સેજલ’ને ‘સંજુ’ જેવી ફિલ્મો કરી શકી. આજે પણ તેને વિષય પસંદ ન પડે, દિગ્દર્શક પર વિશ્વાસ ન આવે તો ફિલ્મ માટે હા નથી પાડતી. વળી વિરાટને પરણ્યા પછી તેને બહુ બધી કમાણીની ગરજ પણ નથી રહી.

એટલે ‘સુઇ ધાગા’ પછી તેની કોઇ એવી ફિલ્મ રજૂ નથી થઇ જે અનુષ્કાના નામે હોય. ‘ઝીરો’ આવી આવી હતી અને શાહરૂખ સાથેની હતી પણ તે નામ તેવા ગુણ ધરાવનારી પૂરી થઇ.

અનુષ્કા ક્યારે શૂટિંગ શરૂ કરશે તે હજુ સ્પષ્ટ નથી પણ ફિલ્મ પર સિટીંગ શરૂ કરી દીધા છે. હમણાં તે મુંબઇથી દૂર હોય એવા સ્થળે જઇ શૂટિંગ કરવા માંગતી નથી કારણ કે દિકરી નાની છે. વિરાટ પણ તેના ક્રિકેટને કારણે ઇન્ડિયામાં હાજરી રહી શકતો નથી. અનુષ્કા મા તો બની છે પણ વ્યસ્ત ક્રિકેટરની પત્ની તરીકે હોમ મેનેજમેન્ટમાં પણ વ્યસ્ત રહે છે. આ કારણે જ તે ફિલ્મ અને વેબસિરીઝની પ્રોડ્યુસર તરીકે વધારે કમ્ફર્ટેબલ છે. તેને ‘ઘર બેઠા ધંધો’ કરવો છે અને કરે છે. ફિલ્મો ફક્ત એટલી જ કરશે જે તેના વધારે નામ અને દામ આપી શકે.

Most Popular

To Top