Business

અમેરિકા તેનું ૩૭.૪ ટ્રિલિયન ડોલરનું તોતિંગ દેવું નાબૂદ કરવા મોટો ખેલ કરશે?

અમેરિકા આજે દુનિયાનો સૌથી મોટો દેવાદાર દેશ છે. છેલ્લા કેટલાય દાયકાથી અમેરિકા બેફામ ડોલર છાપતું રહ્યું છે અને તેના વડે દુનિયાભરનો સામાન ખરીદીને જલસા કરતું રહ્યું છે. આ રીતે ડોલર છાપવાને કારણે અમેરિકા ઉપર આશરે ૩૭.૪ ટ્રિલિયન (૩૭,૪૦૦ અબજ ) ડોલર જેટલું દેવું ચડી ગયું છે, જે તેની જીડીપીના ૧૩૦ ટકા જેટલું છે. આ દેવાં પર તેણે વાર્ષિક આશરે ૧,૫૦૦ અબજ ડોલરનું તો વ્યાજ ચૂકવવું પડે છે. અમેરિકાનું આ દેવું વર્ષાનુવર્ષ ઘટવાને બદલે વધી રહ્યું છે. આ કારણે અમેરિકા કોઈ સંયોગોમાં આ દેવું ભરપાઈ કરી શકે તેમ નથી. અમેરિકાનું જે ૩૭ ટ્રિલિયન ડોલરનું દેવું છે તે ટ્રેઝરી બોન્ડના રૂપમાં છે, જેને અમેરિકા સાથે વેપાર કરનારા દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા ખરીદવામાં આવ્યા છે.  સેન્ટ્રલ બેન્કોને હવે અમેરિકાની સરકાર ઉપર ભરોસો રહ્યો નથી, માટે તેઓ ટ્રેઝરી બોન્ડ વેચીને સોનું ખરીદી રહ્યા છે, જેને કારણે સોનાના ભાવો સતત વધી રહ્યા છે. દુનિયાની સેન્ટ્રલ બેન્કો જો તેમની પાસેના બધા ટ્રેઝરી બોન્ડ વેચવા કાઢે કે નવા ટ્રેઝરી બોન્ડ ખરીદવાનો ઇનકાર કરે તો પણ અમેરિકાને દેવાળું ફૂંકવું પડે તેવી હાલત છે. આ કટોકટીમાંથી અમેરિકાને બહાર લાવવા ડોનાલ્ડ ટ્રમ્પે એક અફલાતૂન પ્લાન ઘડી કાઢ્યો છે, જેનો ઉપયોગ કરીને અમેરિકા પોતાનું ૩૭.૪ ટ્રિલિયન ડોલરનું દેવું શૂન્ય કરી શકે છે, પણ તેમ કરવા જતાં અમેરિકાના ટ્રેઝરી બોન્ડ સંઘરીને બેઠેલા દેશોનું અર્થતંત્ર પાયમાલ થઈ જાય તેમ છે.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વરિષ્ઠ સલાહકાર એન્ટોન કોબ્યાકોવે એક વિસ્ફોટક ખુલાસો કર્યો છે કે અમેરિકા ક્રિપ્ટોકરન્સી અને સોનાનો ઉપયોગ તેના ૩૭.૪ ટ્રિલિયન ડોલરના દેવાના બોજને દૂર કરવાની તૈયારી કરી રહ્યું છે. કોબ્યાકોવનો સ્પષ્ટ દાવો છે કે અમેરિકા સ્ટેબલ કોઇન્સ અને સોનાના પુનર્મૂલ્યાંકનનો ઉપયોગ કરીને તેની રાજકોષીય જવાબદારીઓનો બોજો વિશ્વના દેશો પર ઢોળવાની યોજના ઘડી રહ્યું છે, જેનાથી વિદેશી લેણદારો, કેન્દ્રીય બેંકો, સાર્વભૌમ ભંડોળો અને રોકાણકારોના હાથમાં અમેરિકા દ્વારા અવમૂલ્યન કરાયેલી સંપત્તિઓ આવી જશે અને અમેરિકા દેવાંમાંથી મુક્ત થઈ જશે. અમેરિકાની આ યોજનાને સમજવા માટે પહેલાં તેના જિનિયસ એક્ટને અને તેના સ્ટેબલ કોઈન નામના ખેલને સમજવાની જરૂર છે. અમેરિકા ખરીદનારની કટોકટીનો સામનો કરી રહ્યું છે, જે વિશ્વાસનું સંકટ છે, કારણ કે ચીન, જાપાન અને અન્ય મુખ્ય લેણદારો અમેરિકાના ટ્રેઝરી બોન્ડ વેચી રહ્યા છે, જેને એક સમયે સલામત રોકાણનું ગોલ્ડન સ્ટાન્ડર્ડ માનવામાં આવતું હતું. આ દેશો ડોલરના સંભવિત પતનથી તેમના અનામત ભંડોળને બચાવવા માટે સોના તરફ વળ્યા છે. આ પરિવર્તન ડોલરની સ્થિરતામાં વિશ્વાસના ધોવાણનો સીધો પ્રતિભાવ છે. અમેરિકાના ટ્રેઝરી બોન્ડના ખરીદદારો જેટલા ઓછા હશે, તેટલું વધારે વ્યાજ અમેરિકાને તેની દેવાંગ્રસ્ત વ્યવસ્થાને ટકાવી રાખવા માટે ચૂકવવું પડશે, જેનાથી એક વિષચક્ર સર્જાશે, જે અમેરિકાની આર્થિક કટોકટીને વધુ ઘેરી બનાવશે. દેવાંની ચૂકવણીના ખર્ચમાં વધારો અને પરંપરાગત આર્થિક પગલાં નિષ્ફળ જતાં અમેરિકા તેના નાણાંકીય વર્ચસ્વને જાળવી રાખવા માટે કેટલીક જોખમી બિનપરંપરાગત યુક્તિઓ તરફ વળ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાને દેવાંથી મુક્ત કરવાની વ્યૂહરચનાનું કેન્દ્રબિંદુ GENIUS એક્ટ છે , જેને ૧૮ જુલાઈ, ૨૦૨૫ ના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાયદામાં  હસ્તાક્ષરિત કરવામાં આવ્યો હતો. દેખીતી રીતે આ કાયદો સ્ટેબલ કોઇન્સ માટે એક નિયમનકારી માળખું સ્થાપિત કરે છે. સ્ટેબલ કોઈન્સ એક ક્રિપ્ટોકરન્સી છે, જે ડોલર સાથે જોડાયેલી છે અને રોકડા ડોલરની સમકક્ષ છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે આ કાયદાને ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ અપનાવવા તરફ એક સાહસિક પગલું ગણાવ્યું છે, જે અમેરિકાને નાણાંકીય નવીનતામાં અગ્રણી બનાવશે. સપાટી પર આ કાયદો ડિજિટલ યુગમાં ડોલરનું પ્રાધાન્ય સુનિશ્ચિત કરવા અને અમેરિકન દેવાં માટે નવી માંગ ઊભી કરવા માટેના પ્રગતિશીલ પગલાં તરીકે દેખાય છે, પરંતુ આ સુંદર વાર્તા પાછળ એક ભયાનક હેતુ છુપાયેલો છે, જેને કોબ્યાકોવ અને અન્ય વિવેચકોએ અમેરિકન નાણાંકીય આધિપત્યને ટકાવી રાખવા માટે ટ્રોજન હોર્સ તરીકે ઉજાગર કર્યો છે. અમેરિકન ટ્રેઝરીઝ દ્વારા સમર્થિત સ્ટેબલકોઇન્સ અમેરિકાના દેવાંમાં ૩૭.૪ ટ્રિલિયન ડોલરનું શોષણ કરી શકે છે, જે ક્લાઉડ-આધારિત ડિજિટલ ટ્રેઝરી તરીકે છુપાયેલા વોશિંગ્ટનના દેવાં માટે કૃત્રિમ બજાર બનાવી શકે છે. સુરક્ષિત અને કાર્યક્ષમ ડિજિટલ ડોલરના વચનથી લલચાઈને વિશ્વભરની સેન્ટ્રલ બેંકો, સોવરિન ફંડો અને રિટેલ રોકાણકારો આ સ્ટેબલકોઈન્સ મોટી માત્રામાં એકઠા કરી શકે છે. એક વાર આ ડિજિટલ સંપત્તિઓમાં પૂરતું અમેરિકન દેવું પ્રતીકાત્મક રીતે ટ્રાન્સફર થઈ જાય તે પછી અમેરિકા તેમને ડોલરથી અલગ કરી શકે છે અથવા તેમનું ભારે અવમૂલ્યન કરી શકે છે. આ અવમૂલ્યન કદાચ ડોલર પર માત્ર પાંચ સેન્ટ સુધી હોઈ શકે છે. આવાં પગલાંથી સ્ટેબલ કોઈન ખરીદનારાં રોકાણકારો પાસે રહેલા મૂલ્યના ૯૫ ટકા નાશ પામશે, જેનાથી અમેરિકાનું ૩૭ ટ્રિલિયન ડોલરનું દેવું ૨ ટ્રિલિયન ડોલરથી નીચે આવી જશે અને અમેરિકા દેવાંના ભારમાંથી હળવું થઈ જશે. અમેરિકા તો દેવાંમાંથી મુક્ત થઈ જશે, પણ તેના લેણદાર દેશો પાયમાલ થઈ જશે.

આ પરિસ્થિતિને કાલ્પનિક ગણાવીને નકારી કાઢવી એ ઇતિહાસના પાઠને અવગણવા જેવું છે. અમેરિકાએ ભૂતકાળમાં પણ આવા ખેલો કર્યા છે અને દરેક વખતે તેના નાણાંકીય અતિરેકનો બોજો દુનિયાના દેશો પર નાખ્યો છે. ૧૯૩૪માં અમેરિકાના રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટે સોનાનું પુનઃમૂલ્યાંકન ૨૦.૬૭ ડોલરથી વધારીને ૩૫ ડોલર પ્રતિ ઔંસ કર્યું હતું, જેનાથી ડોલરનું મૂલ્ય ૪૧% ઘટ્યું હતું અને મહામંદી દરમિયાન અમેરિકાનું દેવું ઓછું કરવા માટે વિશ્વભરમાં ડોલરધારકોની ખરીદશક્તિમાં ઘટાડો થયો હતો. ૧૯૭૧માં રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને ડોલરની સોનામાં રૂપાંતરક્ષમતાને તોડી નાખી હતી, જેનાથી ફિયાટ ચલણના યુગનો પ્રારંભ થયો  હતો અને એક દાયકાનો ફુગાવો  શરૂ થયો હતો, જેણે વૈશ્વિક અનામતનું વાસ્તવિક મૂલ્ય અડધું કરી દીધું હતું.

તાજેતરના યુએસ ફેડરલ રિઝર્વ સંશોધન નોંધમાં જર્મની અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોનાં ઉદાહરણો ટાંકીને સત્તાવાર અનામત પુનર્ગઠનનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જેમણે અમેરિકાના દેવાંના દબાણને સરભર કરવા માટે સોનાના મૂલ્યાંકનમાં ફેરફાર કરીને તેના લાભનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. આ નોંધ ગર્ભિત રીતે વિચારે છે કે અમેરિકા તેના ૨૬.૧૫ કરોડ ઔંસ સોનાનો ઉપયોગ કરીને પોતાનું દેવું ઘટાડી શકે છે, જે હાલમાં સત્તાવાર બેલેન્સ શીટ પર પ્રતિ ઔંસ માત્ર ૪૨.૨૨ ડોલર છે, જ્યારે સોનાની બજાર કિંમત તાજેતરમાં ૩,૬૦૦ થી વધુના રેકોર્ડને સ્પર્શી ગઈ છે. સ્કોટ બેસેન્ટે ખુલ્લેઆમ સોનાનું પુનર્મૂલ્યાંકન કરવાની વાત કરી છે, જે દેવાંને સરભર કરવા માટે સંપત્તિના નજીવા મૂલ્યને વધારવા માટેનો એક સૌમ્ય શબ્દ છે.

આ યોજના ફક્ત અમેરિકાનું દેવું ઘટાડવા વિશે નથી; પણ તે વૈશ્વિક અર્થતંત્ર પર અમેરિકાનું નિયંત્રણ ટકાવી રાખવા વિશે પણ છે. અમેરિકા સ્ટેબલ કોઈન્સને વૈશ્વિક ચુકવણી પ્રણાલી તરીકે પ્રોત્સાહન આપીને અમેરિકા ડિજિટલ વેશમાં ડોલરનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો હેતુ ધરાવે છે અને વિદેશી અર્થતંત્રોને એક નાણાંકીય ઇકોસિસ્ટમમાં દાખલ થવાનું દબાણ કરે છે, જ્યાં લગામ વોશિંગ્ટનના હાથમાં હોય છે. અમેરિકા ટેરિફના હથિયારનો ઉપયોગ પણ દુનિયાના દેશોને ડિજિટલ ડોલર અપનાવવાનું દબાણ કરવા માટે કરી શકે છે. આવતી કાલે ડોનાલ્ડ ટ્રમ્પ જાહેર કરી શકે છે કે અમેરિકામાં નિકાસ કરતા જે દેશો પેમેન્ટ તરીકે સ્ટેબલ કોઈન્સ સ્વીકારવા તૈયાર હોય તેમના પર દંડાત્મક ટેરિફ લાદવામાં નહીં આવે અથવા તેમાં રાહત આપવામાં આવશે. પાકિસ્તાને તેની શરૂઆત પણ કરી દીધી છે. જો આવું થાય તો ઘણી કંપનીઓ પોતાનો વેપાર સ્ટેબલ કોઈન્સમાં કરવા લાગે અને તેમના દેશની સેન્ટ્રલ બેન્કો રિઝર્વ કરન્સી તરીકે પણ સ્ટેબલ કોઈન્સનો ઉપયોગ કરવા લાગે. જ્યારે દુનિયાનો મોટા ભાગનો આર્થિક વ્યવહાર સ્ટેબલ કોઈન્સમાં થવા લાગે ત્યારે અમેરિકા ડોલર સામે સ્ટેબલ કોઈન્સનું અવમૂલ્યન કરે તો અમેરિકાનાં દેવામાં નોંધપાત્ર ઘટાડો થઈ જાય તેમ છે. અમેરિકાની આ ભેદી ચાલ પારખવી જરૂરી છે.

– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top