અમેરિકાના લોસ એન્જલસમાં પાંચ દિવસથી ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનોને કારણે લોસ એન્જલસમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થઈ છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન નુસમે ટ્રમ્પ વહીવટીતંત્ર સામે દાવો દાખલ કર્યો છે. આ મુકદ્દમામાં તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ૧૦મા બંધારણીય સુધારા હેઠળ રાજ્ય સરકારની સત્તા પર અતિક્રમણ કરવાનો આરોપ લગાવ્યો છે. લોસ એન્જલસના મેયર કરેન બાસે કટોકટી જાહેર કરી છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન નુસમ અને મેયર કરેન બાસે પણ નેશનલ ગાર્ડની તૈનાતીની નિંદા કરી અને કહ્યું કે તેઓ માને છે કે સ્થાનિક પોલીસ પરિસ્થિતિને સંભાળી શકે છે.
કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ દાવો કર્યો છે કે આ જમાવટ સંઘીય સરકારના અધિકારક્ષેત્રની બહાર છે અને ૧૦મા સુધારાનું ઉલ્લંઘન કરે છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાના નિર્ણય સામે વિરોધ પ્રદર્શનો અમેરિકાનાં ૧૨ રાજ્યોનાં ૨૫ શહેરોમાં ફેલાઈ ગયાં છે. સાન ફ્રાન્સિસ્કો, ડલ્લાસ, ઓસ્ટિન, ટેક્સાસ અને ન્યૂ યોર્ક જેવાં શહેરોમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. અમેરિકામાં જે રાજ્યોમાં ડેમોક્રેટિક પાર્ટી સત્તા પર છે તેના ગવર્નરો ભેગા થઈને ડોનાલ્ડ ટ્રમ્પની આપખુદશાહી સામે વિરોધ નોંધાવી રહ્યા છે.

જો ડોનાલ્ડ ટ્રમ્પની આપખુદશાહી ચાલુ રહી તો અનેક રાજ્યો અમેરિકન યુનિયનમાંથી નીકળી જાય તેવી સંભાવના પણ પેદા થઈ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે લોસ એન્જલસમાં ૪ હજાર નેશનલ ગાર્ડ તેમજ ૭૦૦ મરીન કમાન્ડો તૈનાત કર્યા છે. સામાન્ય રીતે સંબંધિત રાજ્યના ગવર્નર નેશનલ ગાર્ડની તૈનાતી માટે વિનંતી કરે છે. સામાન્ય સંજોગોમાં તેઓ ગવર્નરને આધીન હોય છે, પરંતુ કટોકટીમાં તેઓ રાષ્ટ્રપતિના આદેશ પર કામ કરે છે. ૧૯૬૫ પછી આ પહેલી વાર છે જ્યારે ગવર્નરની વિનંતી વિના કોઈ રાજ્યમાં નેશનલ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. ભારતમાં પણ સેના અથવા અર્ધલશ્કરી દળોની તૈનાતી ફક્ત સંબંધિત રાજ્ય સરકારોની વિનંતી પર જ કરવામાં આવે છે, પરંતુ ચોક્કસ પરિસ્થિતિઓમાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી શકે છે. આમાં રાષ્ટ્રીય કટોકટી (કલમ ૩૫૨), રાજ્યમાં બંધારણીય મશીનરીની નિષ્ફળતા (કલમ ૩૫૬) અને આક્રમણ અને આંતરિક ખલેલ (કલમ ૩૫૫)નો સમાવેશ થાય છે.
અમેરિકન રાષ્ટ્રપતિએ ૧૪ જૂને વોશિંગ્ટન ડીસીમાં યોજાનારી આર્મી પરેડ દરમિયાન પ્રદર્શનો સામે પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો કોઈ વિરોધ કરશે તો તેને સેનાનો સામનો કરવો પડશે. ૧૪ જૂને અમેરિકન સેનાની ૨૫૦મી વર્ષગાંઠ અને ડોનાલ્ડ ટ્રમ્પનો ૭૯મો જન્મદિવસ પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો લોસ એન્જલસમાં હિંસા ચાલુ રહેશે તો તેઓ સમગ્ર શહેરમાં બળવાનો કાયદો લાગુ કરી શકે છે. આ કાયદો સરકારને હિંસા રોકવા માટે લશ્કરી બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે વિરોધ પ્રદર્શનોને કાયદા અને દેશના સાર્વભૌમત્વ સામે બળવો ગણાવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પની દેશનિકાલ નીતિ હેઠળ અમેરિકાના લોસ એન્જલસમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા સામે વિરોધ પ્રદર્શનો શરૂ થયાં, જે ૮ જૂન ૨૦૨૫ના રોજ હિંસક અથડામણમાં ફેરવાઈ ગયાં હતાં. લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે શુક્રવારથી લોસ એન્જલસમાં અશાંતિ દરમિયાન હિંસા જોવા મળી છે. આ ઉપરાંત ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને બોટલો ફેંકવામાં આવી હતી. એક કારને આગ ચાંપી દેવામાં આવી હતી. આ સમય દરમિયાન ઇમિગ્રેશન વિભાગે ઘણાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને કસ્ટડીમાં લીધાં હતાં. આ ઘટના પછી લોસ એન્જલસમાં પરિસ્થિતિ ખૂબ જ તંગ છે.
ઘણા દિવસોની હિંસક અથડામણો પછી પોલીસે જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયાં હતાં ત્યારે એ વાત બહાર આવી હતી કે ઇમિગ્રેશન કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) અધિકારીઓ શહેરના મોટા વિસ્તારોમાં લેટિનો વસ્તી ધરાવતા વિસ્તારોમાં દરોડા પાડી રહ્યા છે. આ કાર્યવાહી વેસ્ટલેક તેમજ લોસ એન્જલસના દક્ષિણમાં આવેલા પેરામાઉન્ટમાં પણ થઈ હતી. અહીંની ૮૨ ટકાથી વધુ વસ્તી હિસ્પેનિક (મધ્ય અને દક્ષિણ અમેરિકન દેશોનાં લોકો) છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ હેઠળ ઇમિગ્રેશન દરોડામાં વધારો થયો છે, જેમાં ગયા મહિને તેમણે ફેડરલ એજન્ટોને દરરોજ ૩,૦૦૦ લોકોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.
તાજેતરના દરોડા રાષ્ટ્રપતિના અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા દેશનિકાલ અભિયાન ચલાવવાના લક્ષ્યનો એક ભાગ છે. શુક્રવારે એક કામગીરીમાં નોકરીના સ્થળે ૪૪ અનધિકૃત ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી હતી. તે જ દિવસે ગ્રેટર લોસ એન્જલસ વિસ્તારમાં ૭૭ અન્ય લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી. દરોડા પછી લોસ એન્જલસમાં ફેડરલ બિલ્ડિંગ વિરોધ પ્રદર્શનોનું કેન્દ્ર બન્યું કારણ કે ત્યાં ધરપકડ કરાયેલાં લોકોને રાખવામાં આવ્યાં હોવાની વાત ફેલાઈ ગઈ હતી. આ પછી ઇમારતની દિવાલો પર ગ્રેફિટી દોરવામાં આવી અને પોલીસ પર વસ્તુઓ ફેંકવામાં આવી હતી. લોસ એન્જલસનાં લોકો વસાહતીઓ માટે સોફ્ટ કોર્નર ધરાવતાં હોવાથી તેઓ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરી રહ્યાં છે.
સંરક્ષણ સચિવ પીટ હેગસેથે કહ્યું હતું કે જો લોસ એન્જલસમાં હિંસા ચાલુ રહેશે તો પેન્ટાગોન સક્રિય મરીન સૈનિકો તૈનાત કરવા માટે તૈયાર છે અને કેમ્પ પેન્ડલટન ખાતે મરીનને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મે ૧૯૯૨માં થયેલાં રમખાણો દરમિયાન લોસ એન્જલસમાં લગભગ ૧,૫૦૦ મરીન તૈનાત કરવામાં આવ્યા હતા. તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશે મરીન તૈનાત કરવા માટે બળવાના કાયદાનો ઉપયોગ કર્યો હતો. આ કાયદો રાષ્ટ્રપતિને સ્થાનિક સ્તરે નાગરિક અધિકારીઓને મદદ કરવા માટે અમેરિકાના લશ્કરી કર્મચારીઓનો ઉપયોગ કરવાની સત્તા આપે છે. આ કાયદો ભારતીય બંધારણની કલમ ૩૫૫ ની નજીક છે. આ હેઠળ, આંતરિક અશાંતિ અટકાવવા માટે ભારતીય સેના અથવા અર્ધલશ્કરી દળોને તૈનાત કરી શકાય છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન નુસમે કહ્યું કે આ એક અત્યંત ગંભીર બાબત છે.
અમેરિકન મિડિયા અનુસાર અહીંનાં ૨૦ થી વધુ શહેરોમાં હજારો લોકો હિંસક વિરોધ પ્રદર્શનો કરવા માટે રસ્તાઓ ઉપર ઊતર્યાં છે. ન્યુ યોર્ક અને શિકાગો સહિત ઘણાં શહેરોમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. લોસ એન્જલસમાં પ્રદર્શનકારીઓએ Appleનું આઉટલેટ લૂંટી લીધું હતું. લોસ એન્જલસમાં વિરોધીઓએ ટ્રાફિક જામ કર્યો હતો. શિકાગોમાં ભીડે ડાઉનટાઉન લૂપમાં કૂચ કરી હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
પોલીસ હેલિકોપ્ટર દ્વારા વિરોધીઓ પર નજર રાખી રહી હતી. ન્યૂયોર્કમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. અહીં લોઅર મેનહટનથી ફેડરલ ઇમિગ્રેશન બિલ્ડીંગ પાસે વિરોધીઓનું એક જૂથ કૂચ કરી રહ્યું હતું. એટલાન્ટાના બુફોર્ડ હાઇવે પર લગભગ ૧,૦૦૦ વિરોધીઓનું ટોળું એકઠું થયું. ડોરાવિલેમાં કેટલાક સો વિરોધીઓએ કૂચ કરી, જેના કારણે સ્થાનિક પોલીસ સાથે અથડામણ થઈ હતી. સાન ફ્રાન્સિસ્કો, સિએટલ, હ્યુસ્ટન, ડલ્લાસ, સાન એન્ટોનિયો અને વોશિંગ્ટન ડીસીમાં વિરોધ પ્રદર્શનો થયાં હતાં. આ દરમિયાન વિરોધીઓ અને પોલીસ વચ્ચે અથડામણ પણ જોવા મળી હતી. ઓસ્ટિનમાં સ્થાનિક પોલીસે વાહનચાલકોને ચેતવણી આપી છે કે તેઓ લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનના સમર્થનમાં રેલી કાઢી રહેલાં રાહદારીઓનાં મોટાં જૂથો પર નજર રાખે.
ફેડરલ જજ ચાર્લ્સ આર. બ્રેયરે નેશનલ ગાર્ડ અને મરીન્સની તૈનાતી રોકવા માટેની કેલિફોર્નિયાની અરજીને ફગાવી દીધી છે. હવે આ કેસની સુનાવણી ગુરુવારે થશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ વચ્ચેનો સંઘર્ષ ખુલ્લો પડી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે સોમવારે ન્યૂસમ સાથે વાત કરી હતી, પરંતુ ગવર્નરે તેનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે બંને વચ્ચે છેલ્લી વાતચીત શુક્રવારે થઈ હતી. ન્યૂસમએ ટ્રમ્પ પર લોકશાહી પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ સરમુખત્યાર તરીકે વર્તવાનું ચાલુ રાખશે તો મિખાઇલ ગોર્બાચેવની જેમ તેઓ અમેરિકાના ભાગલા માટે જવાબદાર બનશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.